તાજેતરમાં નેટફ્લિક્સ પર ‘અમેરિકન મર્ડર: ગેબી પેટીટો’ નામની ડોક્યુમેન્ટરી આવી અને કરોડો લોકોએ તે 3 એપિસોડની સિરીઝ જોઇ. 22 વર્ષની એક અમેરિકન છોકરી જે 2021 માં ગૂમ થાય છે. ઘણા સમય પછી એનું ફક્ત હાડપિંજર જ હાથમાં આવે છે. એ દર્દનાક કિસ્સા ઉપર આ ડોક્યુ-સિરીઝ બની છે. આ કેસ જયારે મીડિયામાં લાઇવ બતાવવામાં આવતો ત્યારે આ લખનાર જેવા કરોડો લોકોએ તેને ફોલો કર્યો હશે. માટે જ જ્યારે ડોક્યુમેન્ટરી રિલીઝ થઇ ત્યારે તેને જોતા ફરી એક વખત મનમાં ઘણા સવાલો ઊઠ્યા. ભારતીય મૂળની છોકરી સુદીક્ષા કોનાન્કી ગૂમ થઇ ગઇ
ગેબી પેટીટોની ઘટના ઘટી એના બરાબર 4 વર્ષ પછી 6 માર્ચ, 2025 એ ભારતીય મૂળની અમેરિકન રહેવાસી છોકરી, સુદીક્ષા કોનાન્કી ડોમિનિક રિપબ્લિકન નામક ટાપુ પર આવેલા પુનતા કાના બીચ પર એના મિત્રો સાથે સ્પ્રિંગ બ્રેક પર જાય છે, સવારે 4.15 વાગ્યે તે મિત્રોથી છૂટી પડે છે અને ગાયબ થઇ જાય છે. એનો અતોપતો આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી મળ્યો નથી. અમેરિકન પેરેન્ટિંગ પર સવાલો ઊભા થયા
આ બંને ઘટના આમ તો ઘણી અલગ છે અને બંનેના ઘટનાસ્થળ એકબીજાથી ખરેખર માઇલો દૂર છે પણ આવા કરપીણ કિસ્સા અમુક સવાલો ઊભા કરે છે. અમેરિકન પેરેન્ટિંગ, બાળકોની સલામતી, બાળકોને આપવામાં આવતી સ્વતંત્રતા અને અમેરિકન જસ્ટિસ સિસ્ટમ ઉપર ઘણા સરખા પ્રશ્નાર્થચિહ્ન આ બંને કેસ ઉપર મુકાય છે. જરા ઊંડાણથી વાત કરીએ ગેબી પેટીટો વિશે. ડોક્યુ-સિરીઝમાં વ્લોગર યુગલ ગેબી પેટીટો અને તેનો ફિયાન્સ અમેરિકામાં રોડ ટ્રીપ પર નીકળે છે. એ યુવા યુગલની જર્ની, વ્યક્તિગત સંબંધો, એમના ફેમિલી સાથેના સંબંધો, અમેરિકન પોલીસ અને જસ્ટિસ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ બધું શોમાં ડિટેઇલમાં બતાવ્યું છે. 21 વરસની ગેબીનું મર્ડર કોણ કરે છે, કેવી રીતે કરે છે એમાં અત્યારે પડવાનો મતલબ નથી. એ વિગતો ગૂગલ કરવાથી કે ડોક્યુમેન્ટરી જોવાથી મળી જશે. વાત અત્યારે આ કેસ અને ડોક્યુમેન્ટરી જોયા પછી, અમેરિકન સમાજ, સંસ્કૃતિ અને જસ્ટિસ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એના સંબંધિત જે સવાલો ઊભા થાય છે એની કરવી છે. ગેબી તેના ફ્રેન્ડનો થોડા દિવસ પહેલાં જ ઓળખતી થઇ હતી
ગેબી લાખો અમેરિકન્સની જેમ બ્રોકન ફેમિલીની સભ્ય ગણી શકાય. એક એવી છોકરી જેને પોતાની ફ્રીડમ અને સપનાઓ ખૂબ વહાલા છે. ઇન્ડિયામાં જે ઉંમરમાં હજુ કોલેજ જતાં બાળકોને તેનું ટિફિન મા-બાપ બનાવી આપતા હોય એ ઉંમરે ગેબી તેના ફ્રેન્ડની સાથે રહેવા જતી રહી હતી. હા, એ વાત ખાસ કરીને ભારતીયોને અચરજ પમાડી શકે કે ગેબી તેના ફ્રેન્ડને થોડા દિવસ પહેલા જ ઓળખતી થઇ હતી. બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. ગેબીની માતાએ બીજા લગ્ન કર્યા હતા અને તેના પપ્પા પણ સિંગલ રહ્યા નહીં. જો કે સાવકો બાપ પ્રેમાળ પિતા સાબિત થયો હતો. આવું બધું અહીં રૂબરૂ તથા અમેરિકન ફિલ્મોમાં જોયું હોય એટલે નોર્મલ લાગે. ગેબી વારંવાર તેના માતા-પિતાને હિન્ટ આપતી
પણ આ ગેબી, જ્યારે વારંવાર ટેક્સ્ટ કે કોલ પર એના મા-બાપને પોતાના બોય ફ્રેન્ડ સાથેના સંબંધોમાં કંઇક બરાબર નથી એવી હિન્ટ આપે ત્યારે સંતાનને સ્પેસ, સ્વતંત્રતા અને એમના નિર્ણયો એમણે લીધા પછી એ બાળકો પોતે જ જવાબદાર છે એ મતલબનો એટ્ટીટ્યુડ મા-બાપ કેળવી લેતા હોય છે. આવો અભિગમ કેટલો વાજબી છે સવાલો ઊભા થાય છે! પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો ગેબી જીવતી હોત
લાડકોડમાં ઉછેરેલી દીકરી જ્યારે બોયફ્રેડ સાથે લાંબી રોડ ટ્રીપ પર નીકળી હોય અને 10 દિવસ સુધી એનો સંપર્ક ના થાય તો કેટલો સમય પોલીસને કોલ કરવામાં લગાડવો જોઇએ એ સવાલ ઊભો થાય છે! અને અધૂરામાં પૂરું, રોડ ટ્રીપ પર નીકળેલું આ યુવા કપલ જ્યારે ચાલુ કારમાં મારામારી કરતું હોય, કોઇ 911 એટલે કે ઇમરજન્સી ફોન કરીને એ વાત પોલીસને નોટિફાય કરે, પોલીસ એ લોકોને પકડે, મારામારી થયાની સાબિતી મળે, છોકરીની માનસિક અને શારીરિક હાલત મદદની પોકાર કરતી હોય, ત્યારે બંનેને એક બીજા સાથે ફક્ત એક દિવસ સાથે નહીં રહેવાનું, બીજા દિવસથી તમે તમારી રીતે છૂટા- બસ આટલી જ એક્શન લેવામાં આવે. એ વખતે પોલીસે જો આ આખી ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો ગેબી આજે જીવતી હોત! તો પોલીસ અને સ્ટેટે એ વ્યક્તિના અંગત મામલામાં કેટલું પડવું અને અમુક સંજોગોમાં કેમ ન પડવું એ સવાલ આ ડોક્યુમેન્ટરી ઊભા કરે છે! ગેબી ગૂમ થઇ એના અમુક દિવસ પછી એના મા-બાપ અને પોલીસે જે પગલાં લીધા એ ગેબીએ જ્યારે બોય ફ્રેન્ડ અને એના ફેમિલી બાબતે રેડ ફ્લેગ બતાવ્યા ત્યારે જ લીધા હોત તો ગેબી આજે જીવતી હોત ને? હવે વાત કરીયે સુદીક્ષા કોનાન્કીની. અચાનક સુદીક્ષા ગૂમ થઇ ગઇ
20 વર્ષની સુદીક્ષા ભારતમાં જન્મેલી અને અમેરિકામાં ઉછરેલી છોકરી છે, જેને મા-બાપે લાડકોડમાં ઉછેરી હતી અને એક અમેરિકન બાળકને મળે એ બધી જ સ્વતંત્રતા આપી હતી. એ સ્વતંત્રતા માણતા માણતા તેને કોલેજના સ્પ્રિંગ બ્રેકમાં મિત્રો સાથે દેશની બહાર ફરવા જવાની ઇચ્છા થઇ. એ ગૂમ થઇ એ દિવસે સાંજથી હોટેલના બારમાં મિત્રો સાથે દારૂ પીવે છે. દારૂ પીને મિત્રો સાથે મધરાતે બીચ પર જાય છે, થોડું ફરે છે અને હોટેલ પર પાછા ફરતા મિત્રોને પોતાનો મોબાઇલ અને વોલેટ આપે છે, અને ત્યાં એક અજાણ્યો અમેરિકન મૂળનો છોકરો જોશુઆ રિબ મળતા એની સાથે બીચ પર રોકાઇ જાય છે. સુદીક્ષા અને જોશુઆ દરિયામાં ન્હાવા જાય છે, બહાર નીકળે છે, રેતી પર આડા પડે છે અને અચાનક સુદીક્ષા ગૂમ થઇ જાય છે. થોડા કલાકો પછી સુદીક્ષાના મિત્રોએ રૂમ પર પાછી નથી આવી અને ગૂમ છે એ ફરિયાદ પોલીસને નોંધાવે છે. 11 દિવસેય સુદીક્ષાનો પત્તો નથી
આ વાત ને 11 દિવસ થયા પણ સુદીક્ષા દરિયાના પાણીમાં ડૂબી ગઇ કે તેનું અપહરણ થયું કે બીજું કંઇ થયું એ વાતના સગડ હજુ મળ્યા નથી. આ આખો કેસ ગેબી પેટીટોના કેસમાં જે સવાલ ઊભા થયા હતા, એ જ જાતના સવાલો પેદા કરે છે કે બાળકોની જિંદગીમાં કેટલું ઇન્વોલ્વમેન્ટ રાખવું, એમને કેટલી સ્વતંત્રતા આપવી અને એમની સાથે કેટલો અને ક્યારે સંવાદ સાધવો? આવા કેટલા જો અને તો ની વચ્ચે અમેરિકન સોસાયટી અટવાયા કરે છે! સંતાનોની જિંદગીમાં થોડું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે
કોઇ દેશની સમાજ વ્યવસ્થા આદર્શ નથી હોતી એ સ્વીકાર્યા બાદ અને 25 વર્ષ ભારતમાં અને 21 વર્ષ અમેરિકામાં ગાળ્યા બાદ એટલું કહેવાનું મન થાય કે, સંતાનોની જિંદગીમાં થોડું ઇન્વોલ્વમેન્ટ, એમની સાથેનું ઇમોશનલ અને ફિઝિકલ કનેક્શન, એમની એક્શનને નજરઅંદાજ નહીં કરવાની વૃત્તિ ક્યારેક એમની જિંદગી કે જીવ બચાવી લે છે! સ્પેસના નામે જવાબદારીમાંથી છટકી ન શકાય
સંતાનોને અમુક ઉંમર પછી સંપૂર્ણ સ્પેસ આપવી એ પશ્ચિમના દેશોની ઓવરરેટેડ વાત છે! સંતાનોને એટલી સ્પેસ ચોક્કસ આપો કે એ એમની જવાબદારી શીખી શકે પણ એનો મતલબ એ નથી કે મા-બાપ કે સિસ્ટમ, એમના પ્રત્યેની જવાબદારીમાંથી સ્પેસના નામે છટકી શકે! અમેરિકન સોસાયટી અને સિસ્ટમને સમજવામાં આ ચિલિંગ ડોક્યુમેન્ટરી અને સુદીક્ષા કોનાન્કીનો કેસ ઉપયોગી થાય એમ છે!