યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ સોમવારે રાત્રે વર્જિનિયાથી એક ભારતીય વિદ્યાર્થી બદર ખાન સુરીની ધરપકડ કરી હતી. સુરી પર અમેરિકામાં હમાસના સમર્થનમાં પ્રચાર ફેલાવવાનો આરોપ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વિદેશ નીતિનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થી કાર્યકરો સામે કાર્યવાહી કરી રહ્યા છે. આ કાર્યવાહી હેઠળ સુરીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના પર ઇઝરાયલનો વિરોધ કરવાનો આરોપ છે. સુરી સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તે સેન્ટર ફોર મુસ્લિમ-ક્રિશ્ચિયન અન્ડરસ્ટેન્ડિંગમાં પોસ્ટડોક્ટરલ ફેલો તરીકે અભ્યાસ કરી રહ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આસિસ્ટન્ટ સેક્રેટરી, ટ્રિસિયા મેકલોફલિન, X પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યા છે કે, સુરી સોશિયલ મીડિયા પર હમાસનો સક્રિયપણે પ્રચાર કરી રહ્યો હતો અને યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપી રહ્યો હતો. સુરીના એક જાણીતા અથવા શંકાસ્પદ આતંકવાદી સાથે ગાઢ સંબંધો છે જે હમાસના વરિષ્ઠ સલાહકાર છે. તેને અમેરિકામાંથી દેશનિકાલ કરી શકાય છે. હમાસને સમર્થન આપવા બદલ ભારતીય વિદ્યાર્થીના વિઝા રદ કરાયા અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થી રંજની શ્રીનિવાસનનો વિઝા રદ કરવામાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ આરોપ લગાવ્યો છે કે શ્રીનિવાસન ‘હિંસા-આતંકવાદને પ્રોત્સાહન’ આપતી અને હમાસને ટેકો આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. રંજનીના વિઝા રદ થયા પછી તે અમેરિકા છોડીને ચાલી ગઈ છે. DHS અનુસાર, રંજનીને શહેરી આયોજનમાં પીએચડી કરવા માટે F-1 વિદ્યાર્થી વિઝા પર કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 5 માર્ચે તેના વિઝા રદ કર્યા. આ પછી, રંજની 11 માર્ચે અમેરિકા છોડીને ચાલી ગઈ હતી. DHS સચિવ ક્રિસ્ટી નોએમે કહ્યું કે જો કોઈ વ્યક્તિ હિંસા અને આતંકવાદને સમર્થન આપે છે, તો તેને આ દેશમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા યુનિવર્સિટીને 33 અબજ રૂપિયાની સહાય અટકાવી ટ્રમ્પ વહીવટીતંત્રે માર્ચની શરૂઆતમાં કોલંબિયા યુનિવર્સિટી સામે કડક કાર્યવાહી કરી હતી અને 400 મિલિયન યુએસ ડોલર (લગભગ 33 અબજ રૂપિયા) ની ગ્રાન્ટ રદ કરી હતી. વહીવટીતંત્રે યુનિવર્સિટી પર યહૂદી વિદ્યાર્થીઓના ઉત્પીડનને રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો છે. યુ.એસ. શિક્ષણ વિભાગ, આરોગ્ય અને માનવ સેવા વિભાગ, ન્યાય વિભાગ અને જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યહૂદી વિદ્યાર્થીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવા અને વિરોધ પ્રદર્શનોને મંજૂરી આપનાર યુનિવર્સિટીઓને ફેડરલ ગ્રાન્ટ ન આપવાની ચેતવણી આપી છે. કોલંબિયા યુનિવર્સિટી જ્યુડિશિયલ બોર્ડે ગાઝા અંગે વિરોધ પ્રદર્શન દરમિયાન હેમિલ્ટન હોલ પર કબજો જમાવનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પેલેસ્ટિનિયન વિદ્યાર્થી અને પ્રદર્શનકારીઓની ધરપકડ યુએસ ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયન વિદ્યાર્થી લેકા કોર્ડિયાની ધરપકડ કરી હતી. લેકા 2022થી અમેરિકામાં એક્સપાયર થયેલા સ્ટુડન્ટ વિઝા પર રહેતી હતી. કોલંબિયા યુનિવર્સિટીમાં હમાસ તરફી પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ એપ્રિલ 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટ્રમ્પ વહીવટીતંત્રે કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુએશન વિદ્યાર્થી મહમૂદ ખલીલની ધરપકડ કરી છે. ખલીલ પર ઇઝરાયલ સામેના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવાનો આરોપ છે. ઇમિગ્રેશન અધિકારીઓએ ખલીલને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દીધો છે. ખલીલ પેલેસ્ટિનિયન મૂળનો છે. તે યુનાઇટેડ સ્ટેટ્સનો કાયમી નિવાસી પણ છે.