કેતન ભટ્ટ
21 માર્ચને પારસીઓ જમશેદી નવરોઝ તરીકે ઉજવશે. વર્ષોથી પારસી સમાજમાં ઓછી વસ્તી એ ચિંતાનો વિષય રહી છે. જ્યારે ગુજરાતમાં સંજાણ બંદરે ઉતર્યા એ સંજાણ ગામમાં એક સમયે 100થી વધુ પારસી પરિવારો રહેતા હતા. પારસી પરિવારોનો ખૂબ જ દબદબો હતો. કેટલાંક ગામોનાં નામો પણ પારસીઓનાં નામો પરથી પડ્યાં હતાં, પરંતુ હાલ સંજાણ ગામમાં માત્ર 12 પરિવાર વસવાટ કરે છે. વેપાર-ધંધા અને શિક્ષણના કારણે પારસી પરિવારો વિદેશ, મુંબઇમાં સ્થાયી થયા છે. આજે પણ પારસીઓનાં મકાનો અડીખમ જોવા મળે છે, પરંતુ વસ્તી બહુ જ ઓછી જોવા મળે છે.
ઈરાનથી 10મી સદીમાં લગભગ 1300 વર્ષ પહેલાં દક્ષિણ ગુજરાતના એક નાનકડા શહેર સંજાણમાં પારસીઓના પૂર્વજોનું આગમન થયું હતું.સંજાણ બંદરે આવેલા પારસી સમાજે રાજાને વચન આપ્યું હતું કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જશે ત્યારથી સંજાણ,ઉદવાડા,નારગોલ સહિતનાં ગામોમાં પારસી પરિવારો ધીમે-ધીમે આવતા ગયા હતા. એક સમયે આ ગામોમાં પારસીઓનું વર્ચસ્વ વધુ હતું. ગામનાં સામાજિક કામોમાં પણ આ પરિવારો અગ્રેસર રહેતા હતા. સૌથી વધુ પારસી પરિવારો એક સમયે અહીં રહેતા હતા. તેઓએ બનાવેલાં ઘરોમાં આજે પણ સંસ્કૃતિનું જતન જોવા મળે છે,પરંતુ શિક્ષણ, ધંધા-રોજગારના કારણે પારસીઓનું સ્થળાંતર ચાલુ થયું હતું. વિદેશ અને મુંબઇમાં પારસી પરિવારો સતત સ્થાયી થતા ગયા હતા.પરિણામે ધીમે-ધીમે પારસીઓની વસ્તી આ ગામોમાં ઘટતી ગઇ છે. ઇરાનથી સંજાણ બંદરે ઉતરેલા એવા સંજાણ ગામમાં એક સમયે 100થી વધુ પરિવારો રહેતા હતા. પારસીના ગામ તરીકે ત્યારે સંજાણ ઓળખાતું હતું,પરંતુ સંજાણમાં આજે 12થી 15 પારસી પરિવારો રહે છે.આ પરિવારોમાં સિંગલ વ્યકિતઓનો પણ સમાવેશ થાય છે.આજે પણ ઉદવાડા, નારગોલ, સરોન્ડા સહિતનાં ગામમાં સૌથી વધુ પારસીઓનાં ઘર આવેલાં છે. જરથ્રોસ્તી ધર્મ પાળનાર વિશ્વનો સૌથી નાનો સમાજ છે, પરંતુ વ્યવસાયમાં અને સામાજિક કામગીરીમાં પારસી સમાજ હંમેશા આગળ રહ્યો છે. હવે પારસી નામો ધરાવતાં ગામોમાં પણ વસ્તી નહીવત જેવી સંજાણથી 12થી 15 કિ.મી.ના અંતરે ધીમે-ધીમે પારસી પરિવારો જમીન લેતા ગયા અને આગળ વધતા ગયા હતા. માણેકપુર,માલખેત,આહુ ગામોનાં નામ પારસીઓના વડવાઓનાં નામ પરથી પડ્યાં હતાં. તે સમયે સૌથી વધુ પારસી પરિવારો અહીં રહેતા હતા પરંતુ સ્થળાંતરના કારણે આ ગામોમાં પારસીઓની જૂજ કે નહિવત જેવી વસ્તી છે. નારગોલ અને સરોન્ડામાં આજે થોડા પારસી પરિવારો રહે છે.તડગામમાં ચારથી પાંચ ઘર છે. જેઓ મોટા જમીનદાર પરિવારો છે.મરોલીમાં પણ પારસીઓની વસ્તી હતી,પરંતુ આજે જૂજ પરિવારો રહે છે. – અસ્પી પસ્તાગીયા, પ્રમુખ, સરોન્ડા પારસી અંજુમાન ટ્રસ્ટ સંજાણ ગામમાં અનેક પારસી પરિવારોની વિરાસત આવેલી છે. આજે જૂનામાં જૂના બે પારસીઓ વસવાટ કરે છે. જેમાં વરવાડેવાલા અને દવીયેરવાળા પરિવારનો સમાવેશ થાય છે. ધંધા-રોજગારના કારણે મુંબઇમાં સ્થાયી થતાં હવે સંજાણમાં જૂજ પરિવારો રહે છે. જેઓ વર્ષમાં એક-બે વખત પોતાના ગામમાં આવતા હોય છે.સંજાણમાં પારસીઓની સંસ્કૃતિનું વર્ષોથી જતન થઇ રહ્યું છે. – દારા નરિમાન વરવાડેવાલા ટ્રસ્ટી, સંજાણ મેમોરિયલ કોલમ લોકલ કમિટી