ઇઝરાયલે ફરી એકવાર ગાઝામાં ટેન્ક ઉતારીને જમીન પર હુમલો કર્યો છે. ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) અનુસાર, તેણે ગાઝા પટ્ટીના મધ્ય અને દક્ષિણ ભાગોમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યુ છે. આ IDF ગ્રાઉન્ડ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઉત્તર અને દક્ષિણ ગાઝા વચ્ચે બફર ઝોન બનાવવાનો અને ઇઝરાયલી સરહદ પર સુરક્ષા ઝોનનો વિસ્તાર કરવાનો છે. ઉત્તર અને દક્ષિણ ગાઝાને અલગ કરતા નેત્ઝારિમ કોરિડોરમાં IDFના 252મા ડિવિઝનના સૈનિકો ઘુસ્યા છે. સેનાએ તેના અડધાથી વધુ વિસ્તાર પર પણ કબજો કરી લીધો છે. બીજી તરફ, રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે ધમકી આપી છે કે જો બંધકોને પરત નહીં કરવામાં આવે તો હમાસનો સંપૂર્ણપણે ખતમ કરવામાં આવશે. જેરુસલેમમાં નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, 12 લોકોની ધરપકડ બુધવારે રાત્રે જેરુસલેમમાં હજારો લોકો નેતન્યાહૂ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શનકારીઓ ઇઝરાયલી ગુપ્તચર એજન્સી શિન બેટના વડા રોનેન બાર અને એટર્ની જનરલ ગાલી બહરાવ-મિયારાને તેમના પદ પરથી દૂર કરવાના અને ગાઝામાં યુદ્ધ ફરી શરૂ કરવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનનથી પાણીનો મારો કર્યો. પોલીસે રસ્તાઓ બ્લોક કરવાના આરોપમાં 12 લોકોની ધરપકડ પણ કરી છે. એટર્ની જનરલ ગલી બહારાવ-મિયારાએ શિન બેટના વડા રોનેન બારને હટાવવાના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કર્યો હતો. આ પછી, નેતન્યાહૂએ મિયારાને પણ પદ પરથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. નેતન્યાહૂ પર આરોપ છે કે તેઓ નેતન્યાહૂના સાથીઓ અને હમાસ અને કતાર વચ્ચેના ગુપ્ત ડીલની તપાસ રોકવા માટે રોનાનને હટાવવા માંગતા હતા. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ભૂતપૂર્વ વડા, તામીર પારદોએ નેતન્યાહૂને દેશની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે. હમાસના વડાપ્રધાન અબ્દુલ્લાનું ગાઝામાં મોત ઇઝરાયલે ગાઝામાં હમાસના વડાપ્રધાન ઇસમ દિબ અબ્દુલ્લા અલ-દાલિસની હત્યા કરી છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ બુધવારે અબ્દુલ્લાના મૃત્યુની પુષ્ટિ કરી. જુલાઈ 2024 માં રૂહી મુશ્તાહના મોત પછી અબ્દુલ્લાએ તેનું સ્થાન લીધું હતું. અબ્દુલ્લા ગાઝામાં હમાસ સરકાર ચલાવતો હતો. તેમની પાસે હમાસના સંગઠન અને તેના લડવૈયાઓની પ્રવૃત્તિઓની જવાબદારી પણ હતી. છેલ્લા 24 કલાકમાં, ઇઝરાયલે હવાઈ હુમલામાં હમાસના 3 ટોપ આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે. આમાં હમાસના કમાન્ડર અને રાજકીય નેતાઓ મહમૂદ મારઝુક અહેમદ અબુ-વત્ફા, બહજત હસન મોહમ્મદ અબુ-સુલતાન અને અહેમદ ઓમર અબ્દુલ્લા અલ-હતાનો સમાવેશ થાય છે. ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું – અમે ગાઝામાં નર્કના દરવાજા ખોલીશું ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે મંગળવારે હમાસને ચેતવણી આપી હતી કે જો બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો ગાઝામાં નર્કના દરવાજા ખોલવામાં આવશે. હમાસે ઇઝરાયલી હવાઈ હુમલાઓને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું. હમાસે ધમકી આપી છે કે આ પગલાથી તેની કસ્ટડીમાં રહેલા ઇઝરાયલી બંધકોના જીવ જોખમમાં મુકાશે. હમાસે કહ્યું કે ઇઝરાયલે કોઈપણ ઉશ્કેરણી વિના હુમલાઓ કર્યા હતા. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો કારણ કે યુદ્ધવિરામ વાટાઘાટો આગળ વધી રહી ન હતી. નેતન્યાહૂએ ઘણી વખત ફરીથી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે. ઇઝરાયલે છેલ્લા બે અઠવાડિયાથી ગાઝામાં ખોરાક, દવા, બળતણ અને અન્ય પુરવઠાના સપ્લાયને રોકી દીધો છે અને હમાસને યુદ્ધવિરામ કરારમાં ફેરફારો સ્વીકારવાની માંગ કરી છે. યુદ્ધવિરામના પહેલા તબક્કામાં 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરાયા યુદ્ધવિરામનો પહેલો તબક્કો 1 માર્ચના રોજ સમાપ્ત થયો. પ્રથમ તબક્કામાં, હમાસે 8 મૃતદેહો સહિત 33 બંધકોને મુક્ત કર્યા છે. તેમજ, ઇઝરાયલે 2 હજાર પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના બીજા તબક્કાની વાતચીત હજુ શરૂ થઈ નથી. આ તબક્કામાં લગભગ 60 બંધકોને મુક્ત કરવાના હતા. ઉપરાંત, યુદ્ધને સંપૂર્ણપણે સમાપ્ત કરવા પર ચર્ચા થવાની હતી. હમાસ પાસે હાલમાં 24 જીવંત બંધકો અને 35 મૃતદેહો છે.