રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાથી 3 લોકોના મોત નીપજ્યા હતા. આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા બિલ્ડીંગ દ્વારા ફાયર NOC છેલ્લા 10 વર્ષથી એટલે કે 2014 પછી રીન્યુ કરાવવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાને આજે 6 દિવસ વિત્યાં છતાં હજુ સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટ્લાન્ટિસ બિલ્ડીંગ ઓનર્સ એસોસિએશનનો દાવો છે કે અમે ફાયર માટે નવા ઈન્સ્ટ્રુમેન્ટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે અને અમારા મેનેજર 3-3 વખત ફાયર NOC માટે ગયા હતા, પરંતુ અમને યોગ્ય પ્રતિઉત્તર આપવામાં આવતો ન હતો. જેની સામે ફાયર વિભાગે જણાવ્યું હતું કે, તેઓ મનપા કચેરી ખાતે ફાયર NOC માટે આવ્યા હોય તેવું અમારા ધ્યાન પર નથી. પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ એટ્લાન્ટિસ બિલ્ડીંગમાં છઠ્ઠા માળે પેસેજમાં લાગેલી આગમાં 3 લોકોના મોતને આજે છ દિવસ પૂર્ણ થઇ ગયા છે. જો કે, આમ છતાં જવાબદાર કોણ તે હજુ સુધી નક્કી થઇ શક્યું નથી. પ્રથમ દિવસથી પોલીસ દ્વારા જવાબદાર સામે પગલાં લેવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આજ દિવસ સુધી જવાબદાર કોણ તે નક્કી થઇ શક્યું નથી. વર્ષ 2014 પછી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર NOC રીન્યુ કરાવવામાં આવી ન હોવાનું ફાયર વિભાગ દ્વારા સત્તાવાર નિવેદન પણ આપવામાં આવ્યું છે. ત્યારે આ મામલે જવાબદાર કોણ અને કોની સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ છે. ત્રણ ત્રણ વખત મનપા કચેરીએ ગયા પણ કોઈ પ્રક્રિયા ના થઇ
દિવ્ય ભાસ્કર દ્વારા આ મામલે એટ્લાન્ટિસ બિલ્ડિંગના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં છેલ્લા ત્રણ વર્ષથી પ્રમુખ તરીકે હું જવાબદારી સંભાળી રહ્યો છું. મારી પહેલા 3થી 4 પ્રમુખ રહી ચુક્યા છે. ફાયર NOC રીન્યુ ન કરવા મામલે સવાલ કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમારા એસોસિએશન દ્વારા છેલ્લા બે ત્રણ વર્ષમાં અલગ અલગ ફાયર સેફટીના ઈન્સ્ટુમેન્ટ લાખોની કિંમતના ઇન્સ્ટોલ કરાવવામાં આવ્યા છે અને ફાયર એસ્ટિંગયુઝર પણ દર વર્ષે રિફિલ કરાવવામાં આવી રહ્યા છે. ફાયર NOC ન લેવું હોય તો આ બધું શું કામ કરાવીએ.? અમારા બિલ્ડિંગના મેનેજર ત્રણ ત્રણ વખત મનપા કચેરી ખાતે ત્યાં ગયા હતા અને ફાયર NOC માટે પુછપરછ કરી હતી. જો કે, ફોર્મ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવતું હતું, પરંતુ એ પ્રક્રિયા ટેક્નિકલ કારણોસર ક્ષતિના કારણે થઇ શકી ન હતી. એસોસિએશન તરફથી રૂપિયા 10-10 લાખની સહાય
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ત્રણ ત્રણ નિર્દોષ લોકોના જીવ ગયા છે તેમનું દુઃખ અમને પણ છે. અમે ત્રણેય પરિવારોને સોસાયટી એસોસિએશન તરફથી રૂપિયા 10-10 લાખની સહાય પણ આપવામાં આવી છે. આગે જોત જોતામાં વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું. હું સવારે હોસ્પિટલથી 10 વાગ્યે ઘરે આવ્યો અને થોડીવારમાં જ આગ લાગવાની ઘટના બની હતી. પ્રથમ ફાયર વિભાગને કોલ કરી જાણ પણ મેં જ કરી હતી. અમને ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી બહાર સલામત રીતે કાઢ્યા હતા. અમે તમામ સત્ય હકીકત નિવેદન પોલીસમાં પણ લખાવી આપ્યા છે. સરકાર દ્વારા આ સત્તા FSOને આપી દેવામાં આવી
જો કે આ મામલે ફાયર વિભાગનો સંપર્ક કરતા રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિર અશોકસિંહ ઝાલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023 પહેલા સમયમાં રીન્યુઅલ સત્તા કોર્પોરેશન પાસે હતી, પરંતુ આ પછી સરકાર દ્વારા આ સત્તા FSOને આપી દેવામાં આવી છે અને જો બિલ્ડિંગના લોકોના કહેવા મુજબ તેઓ અહીંયા આવ્યા એ વાત અમારા ધ્યાન પર આવેલી નથી. FSO માટે ઓનલાઇન ફોર્મ હોય છે તેમાં એપ્લિકન્ટ બનવાનું હોય છે. તેમાં રજીસ્ટ્રેશન કરી બાદમાં FSCRમાં બિલ્ડિંગનું નામ એડ્રેસ સાથે સર્ચ કરવાનું રહે છે. ત્યારબાદ તેમાં પૂરતી વિગત ભરપાઈ કરવાની રહે છે. ત્યારબાદ સરકારના નક્કી કરેલા FSO સિલેક્ટ કરી નિયમ મુજબ તેનું ચલણ ભરપાઈ કરવાનું રહે છે. આ પછી તમામ પ્રોસેસ FSO દ્વારા કરવામાં આવે છે. નોટિસનો જવાબ આપી ફાયર રીન્યુ માટે એજન્સીને કામ અપાશે
તેમને વધુમાં જણાવ્યું હતું કે, એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો હતા, પરંતુ તે વર્કિંગ કન્ડિશનમાં ન હતી. ફાયર સિસ્ટમનો પંપ ચાલુ કરવા પ્રયત્ન કર્યા, પરંતુ તે થઇ શક્યો ન હતો. ફાયર એસ્ટિંગયુઝર વર્કિંગ કન્ડિશનમાં હતા, પરંતુ દીવાલમાં લગાવવામાં આવેલ પાઇપિંગ સિસ્ટમ બંધ હાલતમાં હતી. મનપા ફાયર વિભાગ દ્વારા હાલ નોટિસ પાઠવવામાં આવી છે એક સપ્તાહમાં નોટિસનો જવાબ આપી ફાયર રીન્યુ માટે એજન્સીને કામ આપવામાં આવશે તો અમારા તરફથી કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે.