ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરનું સૌથી મોટું મેગા ડિમોલિશન ઓપરેશન ગઢેચી ચાલી રહ્યુ છે જેમાં આજે રાજકીય દખલગીરી શરૂ થઈ હતી પરંતુ તંત્ર ડિમોલિશન માટે મક્કમ રહ્યું હતું. ભાજપના જ નગરસેવક દ્વારા તેના લાગતા વળગતાનું બાંધકામ નહીં હટાવવા રૂબરૂ સ્થળ પર આવવા છતાં તંત્રએ મચક નહીં આપી બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું હતું. ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ગઢેચી નદીના બંને કાંઠે પ્રોજેક્ટને જરૂરિયાત મુજબના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી રહ્યા છે. દરિયાઈ ક્રિકથી શરૂ કરી આજે કુંભારવાડા જવાહર નગર રેલવે ફાટકની પહેલાથી વિઠ્ઠલવાડી બ્રિજ સુધી બંને કાંઠે અંદાજે 650 મીટર વિસ્તારમાંથી 118 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 518 ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી 2250 મીટર વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો. શરૂઆતના પ્રથમ બે દિવસમાં તંત્રને ખાસ કોઈ ઉલ્લેખનીય વિવાદનો સામનો કરવો પડ્યો નથી. જ્યારે બીજી તરફ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ દબાણ હટાવવામાં મક્કમ છે. ખુદ ભાજપના જ આગેવાનો કાર્યકરોની ભલામણોને નજર અંદાજ કરી ડિમોલિશન માટે તંત્રને તમામ છૂટ આપી છે. આજે ડિમોલિશન દરમિયાન સિંહા કોલોની પાસે વેલાભાઈ ભરવાડનું બાંધકામ જેનો અમુક ભાગ શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં આવે છે તે ભાગને તોડવા માટે ગયેલા કોર્પોરેશનના અધિકારીને અટકાવવામાં આવ્યા હતા. અને અધિકારીનો મોબાઇલ પર સંપર્ક નહીં થતાં સ્થળ પર રૂબરૂ ભાજપના નગર સેવક બાબુભાઈ મેર જઈ ચડ્યા હતા. અને દબાણકાર દ્વારા જાતે બાંધકામ હટાવવા માટે સમય માગવા અધિકારીને ભલામણ કરી હતી પરંતુ સ્થળ પર જ મહિલાઓનું ટોળું ઉમટી આવ્યું હતું. જોકે, કોર્પોરેશનના અધિકારી દ્વારા પણ ભલામણ ગ્રાહ્ય નહીં રાખી ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું હતું.