16 માર્ચે જમ્મુ અને કાશ્મીરમાં સોશિયલ મીડિયા સેન્સેશન અને ઇન્ફ્લૂએન્સર ઓરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે તે માતા વૈષ્ણો દેવી મંદિર પાસે આવેલી એક હોટલમાં દારૂ પીતો જોવા મળ્યો હતો, ત્યાં દારૂ પીવાની સંપૂર્ણપણે મનાઈ છે તેમ છતાં ત્યાં તેણે પીધો હતો. આ મામલો સામે આવ્યા બાદ હવે એક્ટર શાર્દુલ પંડિતે ઓરી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. શાર્દુલ પંડિતે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આમાં તે કહી રહ્યો છે- ઓરી અને તેના 7 મિત્રો વિરુદ્ધ દારૂ પીવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ઓરી ત્યાંથી ભાગી ગયો હતો. આ વીડિયો પછી ઓરી કદાચ ક્યારેય મારા પોડકાસ્ટ પર નહીં આવે, પણ હું તમને કહેવા માગું છું કે હું આ કૃત્યની વિરુદ્ધ છું, ઓરીની વિરુદ્ધ નહીં.’ તેણે વધુમાં કહ્યું કે, ‘બે પ્રકારના નિવેદનો બહાર આવી રહ્યા છે, પહેલું કે મીડિયા ટ્રાયલ ખોટા છે અને બીજું કે સરકાર વધુ પડતી પ્રતિક્રિયા આપી રહી છે, પરંતુ શું એ સાચું છે કે સેલિબ્રિટી હોવાને કારણે તમને કંઈપણ કરવાની સ્વતંત્રતા મળે છે? મારી માતા કહેતી હતી કે તમે કોઈપણ ધર્મમાં માનો કે ન માનો, પણ જો કોઈ માને છે તો તમારે તેમની માન્યતાઓ અને તેમની લાગણીઓનો આદર કરવો જોઈએ.’ શાર્દુલે આગળ કહ્યું, ‘અહીં મારો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે ગમે તે કરીએ, ભારતમાં લોકો વધુ પડતી પ્રતિક્રિયા આપે છે. શું આ લોકો કોઈ બીજી જગ્યાએ, કોઈ બીજા દેશમાં કે કોઈ ધાર્મિક સ્થળે આવું જ કરી શકશે?’ સોશિયલ મીડિયા યુઝર્સ શાર્દુલના સમર્થનમાં આવ્યા શાર્દુલ પંડિતનો વીડિયો સામે આવ્યા પછી, ઘણા યુઝર્સ તેની વાતને સમર્થન આપી રહ્યા છે અને તેની પ્રશંસા કરી રહ્યા છે, પરંતુ તે જ સમયે ઓરીની કરતૂત પર ગુસ્સે છે. શું છે આખો મામલો? જમ્મુ અને કાશ્મીરમાં ઓરહાન અવત્રામણિ ઉર્ફે ઓરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તે કટરાની એક હોટલમાં તેના 8 મિત્રો સાથે દારૂ પીતા પકડાયો હતો. આ ઘટના જ્યાં બની તે વિસ્તાર માતા વૈષ્ણો દેવી મંદિરની નજીક છે, જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ છે. દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યૂમાં પોલીસે જણાવ્યું હતું કે, હોટલમાં હાજર લોકોએ પોલીસને ઘટના વિશે જાણ કરી હતી. હોટલ મેનેજરના જણાવ્યા અનુસાર, 15 માર્ચે, ઓરહાન અવત્રામણિ (ઓરી), દર્શન સિંહ, પાર્થ રૈના, ઋતિક સિંહ, રાશિ દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિયા અરઝામસ્કીના હોટલ પરિસરમાં દારૂ પીતા જોવા મળ્યા હતા. તેમને પહેલાથી જ જાણ કરવામાં આવી હતી કે આ એક દૈવી તીર્થસ્થાન છે અને હોટલમાં દારૂ પીવાની અને માંસાહારી ખોરાક ખાવાની મંજૂરી નથી તેમ છતાં હોટલ પરિસરમાં દારૂ પીધો હતો. ઓરી સહિત 8 લોકો સામે સંબંધિત કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કટરામાં દારૂ પીવા પર પ્રતિબંધ છે બીએનએસએસ (ભારતીય ન્યાય સંહિતા) 2023 ની કલમ 163 હેઠળ, વૈષ્ણો દેવી મંદિરની નજીક કટરામાં દારૂનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ આદેશ 9 ફેબ્રુઆરી, 2025 થી 2 મહિના માટે અમલમાં રહેશે. તે વિસ્તારમાં પવિત્રતા જાળવવા માટે આ અમલમાં મૂકવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કાયદાનું ઉલ્લંઘન કરનારા અને ધાર્મિક લાગણીઓનો અનાદર કરનારાઓ પર નજર રાખવા માટે એસપી કટરા, ડીએસપી કટરા અને એસએચઓ કટરાની દેખરેખ હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, જે લોકો દેશના કાયદાનું પાલન કરતા નથી અને ડ્રગ્સ કે દારૂનો આશરો લઈને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે તેમના માટે કોઈ સ્થાન નથી અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.