દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. એક તરફ વસ્ત્રાલની ઘટના ને બીજી તરફ અધિકારીની હસીમજાક
અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિના ધજાગરા ઉડાડતી ઘટના બન્યા બાદ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હજી પણ આ બાબતે ગંભીર ન હોય તેવી વાત સામે આવી છે. વસ્ત્રાલની ઘટના બાદ તાત્કાલિક ધોરણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ નિષ્ક્રિયતા છુપાવવા માટે કામગીરી કરવા નીકળી પડ્યા હતા. જાણ્યું છે કે, પોલીસની એક્શન કામગીરી દરમિયાન હાજર રહેલા કેટલાક અધિકારીઓ ઘટનાને લઈને ગંભીર ચર્ચા કરવાની જગ્યાએ હસીમજાક કરી રહ્યા હતા. પોલીસ કર્મચારીઓ પણ આ બધું મૂંગા મોઢે જોઈ રહ્યા હતા. સાંભળ્યુ છે કે એક તરફ પી.આઈ અને કેટલાક પોલીસ કર્મીઓ ગંભીર હતા, પરંતુ અધિકારીઓ ત્યાં ઊભા રહી હસીમજાક કરતા હતા. પોલીસ કર્મીની બદલી માટે બૂટલેગરની ભલામણ
શું કોઈ પોલીસ કર્મચારીએ બદલી કરાવવા માટે બૂટલેગરને ભલામણ કરવી પડે? એવું ક્યારેય બને? હા… પણ આ બન્યું છે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં. જ્યાં કાયદાના રક્ષક એવા એક પોલીસકર્મીએ શહેરની એક મલાઈદાર બ્રાન્ચમાં બદલી કરાવવા માટે બૂટલેગરને ભલામણ કરી છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે વડોદરા પોલીસ વિભાગમાં બૂટલેગરની કેટલી ભક્તિ ચાલે છે કે બદલી માટે પોલીસકર્મીએ બૂટલેગરને ભલામણ કરવી પડે છે. કાયદો-વ્યવસ્થા કથળતા જવાબદાર કોણ?
અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાઓનો જાહેરમાં આતંકનો એક વીડિયો વાઇરલ થયો ને પોલીસ વિભાગની જાણે કે ઊંઘ હરામ થઈ ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આ બધા વચ્ચે એ ચર્ચાઓએ જોર પકડ્યુ છે કે આ કથળતી કાયદો-વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ જવાબદાર છે કે પછી ઈન્ચાર્જ અધિકારીઓ. ત્યારે હવે સ્થાનિક પોલીસ, એજન્સી અને સિનિયર IPS અધિકારીના માથે કાર્યવાહીની તલવાર લટકી રહી છે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. એજન્સીની પડીકા સિસ્ટમના કારણે નાના પોલીસકર્મીઓ નિષ્ક્રિય
સામાન્ય રીતે અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિની જ્યારે વાત આવે ત્યારે અલગ અલગ એજન્સીના જાબાઝ અધિકારીઓ પોતાના ભૂતકાળને વાગોળતા અટકાતા નથી. પરંતુ થોડા સમય પહેલા એક પડીકા સિસ્ટમ અમદાવાદમાં શરૂ થઈ છે, જેના કારણે મોટાભાગના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમની નીચે કામ કરતા કર્મચારીઓ આ સિસ્ટમથી નાખુશ થઈ ગયા છે. પહેલા તો આ જગ્યાએ કામ કરવું એક ગર્વની બાબત હતી, પરંતુ હવે મોટાભાગે લોકો સામાન્ય કામના કલાકો પૂરા કરતા હોય તે પ્રમાણે વર્તે છે. આની પાછળનું મુખ્ય કારણ પડીકા સિસ્ટમ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. એટલું જ નહીં આ એજન્સીમાંથી કામ કરીને આવેલા કેટલાક પોલીસ કર્મચારી તો સતત આ વિશે ચર્ચા કરતા રહે છે કે અમે જીવના જોખમે કામ કરતા હતા. ત્યારે હવે ખરેખર અમારી કદર થાય તો સારું. અમદાવાદમાં ભૂતકાળનું પુનરાવર્તન
એક સમયે ગુજરાતમાં જ્યારે રાયોટિંગના બનાવો બનતા હતા તે સમયે અમદાવાદના રસ્તા પર પોલીસ પેટ્રોલિંગ માટે ઉતરતી હતી. અને લોકો પોલીસથી બચવા માટે અલગ અલગ રસ્તાઓ પરથી જવા મજબૂર બનતા હતા. ત્યારે હવે ફરી એકવાર આવી સ્થિતિ શહેરમાં ઉભી થઈ છે. મોડી રાત્રિ સુધી પેટ્રોલિંગ ચાલતું હોવાથી શહેરીજનો અલગ અલગ જગ્યાએથી જવા મજબૂર બન્યા છે અને જૂના દિવસો ફરી તાજા થયા છે. વળી લોકમૂખે તો અવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અમદાવાદમાં ભૂતકાળની સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. જુહાપુરાના ટપોરીને માથે પોલીસના ચાર હાથ
ગુનેગારો સાથે પોલીસના સંબંધો હોય અને તેવા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થશે અથવા તેની નોંધ ગાંધીનગરમાં લેવાશે તેવી વાતો વહેતી થઈ. અને આ વાતને ગંભીરતાથી લેવાની વાતો વચ્ચે એક અધિકારી તથા તેના બે માણસો અને સિનિયર આઇપીએસ અધિકારી એક એવા વ્યક્તિ પર ઓળઘોળ છે જે હત્યાનો આરોપી અને ટપોરીમાંથી બિલ્ડર બની બેઠો છે. એટલું જ નહીં થોડા સમય પહેલા એક એજન્સીએ વિદેશ જઈ આવેલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા. પણ આ ટપોરીની સહાયથી સાહેબના માણસો પણ વિદેશ જઈ આવ્યા હોવાનું તેમની એજન્સીના દરેક માણસોને ખબર છે. ત્યારે રાજ્યના પોલીસ વડાનું આ દિશામાં કેમ ધ્યાન નથી ગયું તે ચર્ચામાં છે. ગેંગવોર પાછળ કોલ સેન્ટર માફિયાઓની પ્રોટેક્શન મની મેળવવાની બબાલ હોવાની ચર્ચા
શોર્ટકટથી રૂપિયા બનાવવા માટે અનેક લોકો ધમપછાડા કરતા હોય છે ત્યારે થોડા સમય પહેલા અમદાવાદમાં ગેંગવોર થઈ અને આ ગેંગવોર પાછળ કોઈ સામાન્ય બાબત હોવાની ચર્ચા થઈ રહી છે. પણ બીજી તરફ એક એવી પણ ચર્ચા છે કે આ વિસ્તારમાં કોલ સેન્ટરના માલિકો પાસેથી ઉઘરાણી અને કોલ સેન્ટર માફિયા માટે રૂપિયાનું કામ કરતો વ્યક્તિ આની પાછળ છે. ચર્ચા છે કે જ્યારે એક ગેંગ કોલ સેન્ટરના માલિકો પાસેથી પ્રોટેક્શન મની ઉઘરાવીને બે પાંદડે થઈ છે ત્યારે નવો ટપોરી પણ આ રસ્તે રૂપિયા ભેગા કરવા નીકળ્યો હોવાથી ગેંગવોર થઈ હોવાની ચર્ચા છે.