ગુજરાત સરકારે 7612 ગુનેગારની યાદી તૈયાર કરી છે અને દિવ્ય ભાસ્કર આ આરોપીઓમાંથી એકપણ આરોપીનું અને તેમણે કરેલાં કુકર્મનું જરા પણ સમર્થન કરતું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અધિકારીઓ જજ બનીને કોણ દોષિત છે એ નક્કી કરી શકે નહીં. દેશમાં કાયદાનું શાસન હોવું જોઇએ, નહીં કે લોકલાગણીનું. અસામાજિક તત્ત્વોને લઈ પ્રજા તો એવું જ ઈચ્છે છે કે તેમનાં ઘર તૂટે, સરઘસ નીકળે અને જાહેરમાં માર પણ મારવામાં આવે, પરંતુ પબ્લિક સેન્ટિમેન્ટથી નહીં, કાયદાથી દેશ ચાલવો જોઇએ. અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓએ જાહેરમાં આતંક મચાવી પોલીસનું નાક કાપ્યું. પોલીસ હવે આ આઘાતમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહી છે અને રાજ્યમાં તાબડતોડ એક પછી એક નિર્ણયો લઈ જાણે કે પોલીસ ખૂબ જ સક્રિય હોવાનું સાબિત કરાઈ રહ્યું છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે આ બધી કડક કામગીરી માટે પોલીસે વસ્ત્રાલની કોઈ એક ઘટનાની રાહ જોવાની જરા પણ જરૂર નહોતી…..ખેર…છોડો…. સરકારે ગુજરાતના ગુંડાઓની એક યાદી તૈયાર કરી છે અને તેમણે કરેલાં ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વસ્ત્રાલમાં એક ગેરકાયદે મકાન પાડવા જતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઇકોર્ટે આ મામલે ફરિયાદીને જરૂરી સમય પણ આપ્યો છે. હવે આ મામલે દિવ્ય ભાસ્કરે ગુજરાતના જાણીતા 11 વકીલના અભિપ્રાય જાણ્યો, જેમાં 8 વકીલે દેશ કાયદાથી ચાલવો જોઇએ એ વાતને સમર્થન કર્યું તો 2 વકીલે લોકલાગણીને સર્વોપરિ જણાવી. તો આવો… સૌપ્રથમ એ જાણીએ કે ડિમોલિશન અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું…
6 નવેમ્બર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારની કામગીરીને “ગેરકાયદે” જણાવીને કહ્યું હતું કે કોઈપણ ડિમોલિશનની કામગીરી પ્રક્રિયા અનુસાર કરવામાં આવવી જોઈએ અને પરિવારને એ મિલકત ખાલી કરવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે. કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને દરેક અસરગ્રસ્ત પરિવારને રૂ. 25 લાખ દંડ પેટે ચૂકવવા માટે આદેશ આપ્યો હતો, જે આ પ્રકારના ડિમોલિશન માટે કાયદેસરની સત્તા ન હોવાને હાઇલાઇટ કરે છે. ડિમોલિશન અંગે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન સુપ્રીમ કોર્ટેના ચુકાદા સામે ઉત્તરપ્રદેશ સરકારે દલીલ કરી હતી કે આવાં ડિમોલિશન ગુનાખોરીને રોકવા અને કાયદો-વ્યવસ્થાને જાળવવા માટે જરૂરી છે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે સરકાર ન્યાયિક ભૂમિકા ભજવી શકતી નથી અને ગેરકાયદે રીતે સંપત્તિ ડિમોલિશન કરીને વ્યક્તિઓને દંડિત કરી શકતી નથી. તો આવો… હવે એ જાણીએ કે ગુજરાતના જાણીતા 11 એડવોકેટનું ગુજરાત પોલીસની આ કામગીરી અંગે શું કહેવું છે. રોહિત પટેલ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ
આ અંગે એડવોકેટ રોહિત પટેલે જણાવ્યું હતું કે અગાઉ નોટિસ અપાઈ હોય અને એનો જવાબ ના અપાયો હોય તો ઓથોરિટી મકાન તોડી શકે છે, પરંતુ તેમને સમય આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 15 દિવસનો સમય આપવો જોઈએ. આટલા સમય સુધી ગેરકાયદે મકાનમાં રહ્યા હોય તો અધિકારીઓએ કેમ પગલાં ના લીધા. તેવા અધિકારીઓ પર પણ પગલાં લેવા જોઇએ. વસ્ત્રાલવાળા કેસમાં પણ એક નાગરિકે વીડિયો ઉતાર્યો હતો, ત્યારે સરકારી CCTV મોનિટરિંગ શું કરતું હતું? મકાન તૂટવાથી આસપાસના લોકો અને નિર્દોષ લોકોને પણ અસર થાય છે. શૈલેષ અમીન, એડવોકેટ
આ અંગે વડોદરાના જાણીતા વકીલ શૈલેષ અમીને જણાવ્યું હતું કે ઘણા બધા જજમેન્ટો ગુજરાત હાઇકોર્ટના છે કે સુપ્રીમ કોર્ટના છે. સૌથી પહેલા 2005નું ડીજે વગાડવા ઉપર પ્રતિબંધનું જજમેન્ટ, એનું કોઈ પાલન થતું નથી, હાઇકોર્ટનું હોર્ડિંગ લગાવવાનું જજમેન્ટ, એનું કોઈ પાલન થતું નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે હવે આ એકદમ મતોનું ધ્રુવીકરણ કરવાના ઈરાદે કરાતી કાર્યવાહી છે. બંધારણના આર્ટિકલ 14થી 19 અને 21માં લખેલું છે કે માણસને રહેવાનો રાઇટ છે. યુપીમાં ઘણા બધા આવા ગુનેગારોનાં ઘર તોડી નાખ્યાં. ગુનો ઘરમાં એક કરે છે, તેનાં મા-બાપ હોય, તેનાં બાળકો હોય, જેમણે ગુનો કર્યો નથી. એવા લોકોને ઘરની બહાર તગેડી નાખવાના આ સરકારનું જે કાર્ય છે, જે ગાઇડલાઇન બહાર અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. આના માટે જો બધા ભેગા થઈને નામદાર સુપ્રીમ કોર્ટને અરજી કરે તો આ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી તેમની ઉપર થઈ શકે છે. આ કાર્યવાહી કરવા માટે બિલકુલ તેમના મતોનું ધ્રુવીકરણ અને ચોક્કસ લોકોને ખુશ કરવા આ બે જ વસ્તુ દેખાય છે. બાકી એવાં મોટાં મોટાં ખૂબ દબાણો છે, જેનાથી વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું. એવાં મોટાં મોટાં દબાણો આજે પણ દૂર કરવામાં આવતાં નથી. અભિષેક સિંહ, ડિસ્ટ્રિક્ટ એન્ડ હાઇકોર્ટ વકીલ
એડવોકેટ અભિષેક સિંહે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈપણ ગાઈડલાઈન આપે છે એ એક કાયદો બની જાય છે. એ કાયદાનું પાલન દરેક નાગરિક અને અધિકારીઓને કરવું એ જરૂરી બની જાય છે. હાલ જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે એ ન્યાયિક રીતે કરવી ખૂબ જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન થવું પણ જરૂરી છે. ગુંડા અને અસામાજિક તત્ત્વોને કાબૂમાં કરવા એનો કોઈ નીતિ કે નિયમ નથી. પોલીસ કે પાલિકા અધિકારીઓ આવાં અસામાજિક તત્ત્વોને દબાવવા માટે પ્રયાસ કરે છે ે જરૂરી પણ છે સમાજ માટે, કેમ કે આવા આરોપીઓ છે એ કાયદાની ઉપરવટ જઈને ગેરકાયદે કામ કરે છે. આવા આરોપીઓ કાયદાની છટકબારી વિશે જાણતા હોય છે, જેથી તેઓ એનો દુરુપયોગ કરીને ગેરકાયદે કામ કરતા હોય છે. દીપક કોકાસ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ વકીલ
એડવોકેટ દીપક કોકાસે જણાવ્યું હતું કે અત્યારે જે ટ્રેન્ડ ચાલુ થયો છે કે ડીજીપી વિકાસ સહાયે 100 કલાકમાં ક્રિમિનલોનું લિસ્ટ બનાવી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટની એક પ્રોસિજર હોય છે, જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. એનું કોઈ પાલન થતું નથી. આ કાર્યવાહી બંધ કરવી જોઈએ. ગુનો એક વ્યક્તિ કરે છે અને ઘર તોડવામાં આવે છે. ઘર મહામહેનતે બનાવવામાં આવે છે. લાખો કરોડો ખર્ચીને ઘર બનાવવામાં આવે છે, જેની અંદર તેનો આખો પરિવાર રહે છે. એકને કારણે તેનો આખો પરિવાર ઘરવિહોણું થઈ જાય એ વધુપડતું છે, સરકારે આમાં લગામ લગાવી જોઈએ. આફતાબ હુસૈન અન્સારી, એડવોકેટ
આવી રીતે કોઈ ગુનેગારોના ઘર તોડી શકાય નહીં. વર્તમાનમાં જે ઘર તોડવામાં આવી રહ્યાં છે એમાં બે આધાર રજૂ કરવામાં આવ્યા છે. પહેલું કે ઘરનું બાંધકામ કરવા માટે સંલગ્ન ઓથોરિટીની પરમિશન લેવામાં આવી નહોતી અને બીજું કે સરકારી જમીન ઉપર અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું, પરંતુ આમ છતાં સરકાર પસંદગીયુક્ત ભેદભાવ કરી શકે નહીં. ન્યાય કરવાનું કામ પોલીસનું નથી. કાયદો-વ્યવસ્થા ન્યાયિક પ્રક્રિયા મુજબ ચાલવી જોઈએ. એડવોકેટ આફતાબ હુસૈન અન્સારીએ એક ઉદાહરણ આપ્યું હતું કે જો એક જજ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને તેમની સામે મારામારી થઈ રહી હોય. એમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને મારી રહી હોય તોપણ જજ જાતે મારનારી વ્યક્તિને સ્પોટ ઉપર સજા સંભળાવી શકે નહીં. તેને ન્યાયાલયમાં રજૂઆતનો પૂરો સમય આપવો પડે. બ્રિજેશ ત્રિવેદી, પ્રમુખ, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશન
ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ ગુનેગારોનાં મકાન તોડી પાડવા અંગે અભિપ્રાય આપ્યો હતો કે જો ગુનેગારનું મકાન ગેરકાયદે હોય તોપણ કાયદા પાળવા જ રહ્યા અને કાર્યવાહી કાયદા મુજબ જ થવી જોઈએ. ઘરમાં બીજા પણ મેમ્બર હોય છે. સરકાર કાયદો હાથમાં લઈ શકે નહીં. સૌપ્રથમ તો ગેરકાયદે ઘર હોય તો કાનૂની નોટિસ આપવી પડે. તેને રજૂઆત કરવાની અને સાંભળવાની પૂરતી તક આપવી પડે. ક્રિષ્નરામ મહાદેવના સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં આ વિશે સ્પષ્ટતા કરેલી છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2024 અને 2025માં પણ આ સંદર્ભે નિર્દેશો આપેલા છે. સુપ્રીમ કોર્ટે અધિકારીઓને વોર્નિંગ આપી હતી કે આ પ્રમાણેના પગલાં લેવામાં આવશે તો એનો ખર્ચ અધિકારીઓના ગજવામાંથી વસૂલવામાં આવશે. આ એક સરકાર પ્રમોટેડ કાર્ય છે. સરકાર પર પણ સમાન કાયદા લાગુ પડે છે. યશ પટેલ, એડવોકેટ
ઉત્તરપ્રદેશના કેસમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2024માં તોડફોડ કરી શકાય, પરંતુ એમાં કાયદાનું પાલન કરવા અને જેની અનઅધિકૃત મિલકત તોડવાની છે તેને પહેલા નોટિસ અને રજૂઆતની પૂરી તક આપવા માટે જણાવવામાં આવ્યું છે. આવી મિલકતો તોડતી વખતે માનવીય ધોરણો અને માનવહકોનું પણ ધ્યાન રાખવું પડે. જો ઘરમાં ઘરડી વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ હોય તો એ પણ ધ્યાને લેવું પડે. ગુનેગારોને કંટ્રોલમાં રાખવા આવાં પગલાં જરૂરી છે, પરંતુ કાયદાના પાલન સાથે આવાં પગલાં લેવાં જોઈએ. કોઈપણ ડિમોલિશન ક્રિયાઓ વાજબી, પારદર્શક અને કાયદા અનુસાર હાથ ધરવામાં આવે તો આ પગલાં આવકારવા લાયક છે, કારણ કે આનાથી રીઢા ગુનેગારો ડરશે અને ગુનાહિત કૃત્યો ઓછાં થવા અથવા અટકવાની શક્યતા છે. અર્જુન પટેલ, પૂર્વ પ્રમુખ, રાજકોટ બાર એસોસિયેશન
એડવોકેટ અર્જુન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે તેને હું સારી રીતે જોઈ રહ્યો છું. સરકારની જવાબદારી છે અને સરકારે એની ફરજો અદા જ કરવી જોઈએ. જે લોકો ખોટું કરનારાઓ છે તેમને કોઈ બેનિફિટ આપવા ન જોઈએ. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે યુપીના કેસમાં એ અલગ એન્ગલ ઉપરનો છે. સરકારની જમીનોમાં ગેરકાયદે મકાન રાતોરાત બની જાય એમાં દારૂ-ડ્રગ્સનું વેચાણ થાય, માફિયાઓ ત્યાંથી ફૂટી નીકળે અને માફિયાઓની યુનિવર્સિટી પેદા થાય તો આવાં દબાણો દૂર કરવાં જોઈએ, તેને સાંભળવાની કોઈ જરૂર નથી. નોટિસ આપવાની કોઈ જરૂર નથી. એ ડિમોલિશન કરી શકાય એમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો વચ્ચે નહિ આવે, કારણ કે આવા લોકો રાતોરાત બાંધકામ કરી દેતા હોય છે. જય ઠાકર, એડવોકેટ, હાઇકોર્ટ
એડવોકેટ જય ઠાકરે જણાવ્યું હતું કે બાંધકામ તોડ્યા પહેલાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 15 દિવસની નોટિસ આપવી પડે. પીડિત વ્યક્તિ સિવિલ દાવો દાખલ કરી શકે છે. હાઇકોર્ટમાં દાદ માગી શકે છે. આવા કેસમાં ઓથોરિટીને વળતર ચૂકવવા કોર્ટ હુકમ કરી શકે છે. રીઢા ગુનેગારો સામે PASA અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. પી.સી.વ્યાસ, પૂર્વ કન્વીનર લીગલ સેલ અને પૂર્વ સેક્રેટરી રાજકોટ બાર એસોસિયેશન
એડવોકેટ પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે આખી પ્રક્રિયા જે રીતે થઈ એને જોતાં જ્યારે પણ આ રીતે ડિમોલિશન થાય ત્યારે કાયદાની પ્રક્રિયા અનુસરી ડિમોલિશન કરવું જ જોઈએ, કારણ કે જે જગ્યા છે એ સરકારની અથવા પ્રાઇવેટ માલિકીની છે. એની યોગ્ય પ્રક્રિયા અનુસરવી, ત્યાર બાદ આવી જગ્યા ઉપર ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય અને વારંવાર થતી હોય ત્યારે એને હળવાશથી ન લેવી જોઈએ, કારણ કે આનાથી આપણું યુવાધન નર્કની ખાડીમાં જતું હોય તો પોલીસે જે પગલાં લીધાં એ કાયદા પ્રક્રિયા અનુસરી લીધાં હોય તો એને આપણે બિરદાવવાં જોઈએ. નિયમ મુજબ ગેરકાયદે દબાણ હોય તો એને નોટિસ આપી નિયમ મુજબ કાર્યવાહી થતી હોય છે. રાજકોટમાં જે કામગીરી થઈ એ પણ બિરદાવવા લાયક છે. અનિલ કેલ્લા, સભ્ય, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત
ભારતીય નાગરિક સંહિતાના નવા કાયદા મુજબ ગુનાખોરી કરનારાઓની મિલકતને ટાંચમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. એ મુજબ પોલીસ અધિકારીને માનવાપાત્ર કારણ હોય કે ગુનાહિત પ્રવૃત્તિથી તેને મિલકત મેળવી છે. તો સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અથવા પોલીસ કમિશનરની મંજૂરીથી ન્યાયિક કાર્યવાહી કરીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરીને કાર્યવાહી થઈ શકે છે.