તેજલ અરવિંદ શુકલ
ગુજરાતમાં મહિલાઓ ઘરની અંદર પણ સુરક્ષિત નથી. ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 46008 મહિલા સામે ઘરેલુ અત્યાચાર કરાયાના આંકડા બહાર આવ્યા છે. તે પૈકી અમદાવાદમાં 6 મહિનામાં 9246 મહિલા સાથે ઘરેલુ અત્યાચાર કરાયા છે. પરિવારના પુરુષ સભ્ય દ્વારા પોતાના જ પરિવારની મહિલા કે સગીરાનું શારીરિક શોષણ કરાયું હોવાના નોંધાયેલા હોય તેવા દર વર્ષે 1000 જેટલા કેસ આવે છે. પરિવારની આબરૂ ના જાય તે માટે આવા કેસ ઘરમેળે પતાવી દેવાતા હોય તેવા અનેક કેસ હશે. પોકસો કોર્ટમાં સગીરાઓ સાથે થતા અત્યાચારના કેસમાં મોટાભાગના કેસની ટ્રાયલ પૂર્ણ થવા આવે ત્યારે પરિવારના પુરૂષની સંડોવણી હોવાનું બહાર આવે છે.
હાઇકોર્ટમાં એક યુવકે દુષ્કર્મના કેસમાં 2 વર્ષની જેલ ભોગવ્યા બાદ તેની સામે ખોટો આક્ષેપ કરાયાનું બહાર આવ્યું હતું. સગીરાએ જન્મ આપેલા બાળકનો ડીએનએ કરાતા તે યુવક સાથે નહી પરંતુ તેના પિતરાઇ સાથે મેચ થયો હતો. પરિવારના દીકરાની આબરૂ ના જાય તે માટે સગીરાના પરિવારે તેના મિત્રનું ખોટું નામ આપ્યું હતું. આ કેસમાં નિર્દોષ યુવકને કોઇ વાંક-ગુના વગર જેલમાં જવું પડ્યું અને તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકશાન પહોચ્યું હતું.
યુવકે પોતાની સામેના આરોપને રદ કરવા હાઇકોર્ટમાં અપીલ કરવી પડી અને કાનૂની ખર્ચ ભોગવવો પડ્યો હતો. પરંતુ સાચો આરોપી ઘરનો સભ્ય હોવાથી સગીરાના પરિવારે આગળ કેસ કરવાનું માંડી વાળ્યું હતું. આવા અનેક કેસ છે જેમાં પોકસોની ફરિયાદ કરાય છે, પરંતુ ટ્રાયલ શરૂ થયા બાદ અને ડીએનએના રિપોર્ટ બાદ એવી હકીકત જાણવા મળે છે કે બહારના નહી પણ ઘરના સભ્ય દ્વારા જ મહિલાનું શોષણ કરાયું હતું.
થોડા સમય અગાઉ દાહોદમાં એક મહિલાને પરિવારના સભ્યોએ જ અર્ધનગ્ન કરી સરઘસ કાઢી માર માર્યાનો ઘ્રુણાસ્પદ કિસ્સો બન્યો હતો. જેને પગલે હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી લીધી છે. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, મહિલા ઘરની બહાર સુરક્ષિત નથી પરતું ઘરની અંદર પણ સલામત નથી.
ગુજરાતમાં મહિલા સાથે થતા અત્યાચાર પૈકીના 50 ટકાથી વધુ કિસ્સા તો ઘરના સભ્ય દ્વારા જ કરાય છે. સરકારને આવા કેસમાં મહિલાઓ માટે યોજના કરવા શું નીતિ છે તે રજૂ કરવા આદેશ
કરાયો છે. તો બીજી તરફ હાઇકોર્ટની જુદી જુદી કોર્ટમાં મહિલાઓએ કરેલી અરજીઓમાં મોટા ભાગના કેસમાં તેના પરિવાર દ્વારા હેરાનગતિ થતી હોવાનું બહાર આવ્યું છે.