ગોંડલમાં સગીર પર થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. આગેવાનોએ આરોપીઓનો જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માગ કરી છે. જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. સમાજના આગેવાન રાજેશ સખીયાએ પોલીસ તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું કે, પોલીસના કારણે જ ગુંડાગીરી વધી છે. સગીર પર હુમલાને લઇ પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત
ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખસે ઘોકા વડે માર માર્યાની ઘટનાનાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઈકાલે બપોરે (19 માર્ચે) સમાજ આગેવાનો મોટી સંખ્યામાં એકત્રીત થઇ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જે બાદ ગતરાત્રીનાં જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું. પાટીદાર સમાજનો હુંકાર – ‘છેલ્લે સુધી લડી લેશું’
જેલ ચોક પટેલ વાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. મીટીંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે, છેલ્લે સુધી લડી લેશું, પીછેહઠ કરવામાં આવશે નહિ, ગાંધીનગર સુધી જવાની લડત આપીશું. વધુમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા માગ કરાઇ હતી. શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પુરી નહી કરાય તો અડધો દિવસ ગોંડલ બંધ પાળી વિરોધ કરાશે તેવું પણ જણાવ્યું હતું. એકઠા થયેલા સૌએ સ્વ.વિનુભાઈ શીંગાળાની પુણ્યતિથિને લઇને ઉભા થઈને 2 મિનિટનું મૌન પાડ્યું હતું અને હાથ ઊંચા કરી સાટોડિયા પરિવાર સાથે ઉભા રહેવાની હિંમત દાખવી હતી ઘટનાના સમર્થનમાં પાટીદાર સમાજ એક મંચ પર
મીટીંગમાં સમાજના આગેવાન રાજેશભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, આ અન્યાય સામે લડત કરવાની વાત છે. આ આરોપીઓ અનેક ગુના કરે છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને બળ ક્યાંથી મળે છે એ સૌને ખબર છે. પોલીસે જે અન્યાય અને ગુંડાગીરી કરવાનું સામ્રાજ્ય અહીંયા ઊભું કર્યું છે એવું બીજા કોઇએ નથી કર્યું. પોલીસના કારણે જ ગુંડાગીરી વધી છે. પણ, આ વખતે તેમણે સાટોડિયા પરિવાર પર હાથ નાખ્યો છે. સાટોડિયા પરિવાર એટલે ગોંડલની અંદર રાજકીય નેતૃત્વ અને બળ ધરાવતો પરિવાર. જો એના પર આ થતું હોય તો એકલ-દોકલ પરિવાર પર શું નહીં થાય? ‘પોલીસના પાપે ગુંડાગીરી વધી’ : રાજેશ સખીયા
જેણે આ ગુનો કર્યો છે એ દરરોજ સવારે મારા ડેલાની આગળથી નીકળે છે. આ મામલે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને બતાવીશું. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસના પાપે જ આ ગુંડાગીરી વધી છે. ગોંડલના પોલીસ જ મોટા આરોપી છે. એક છાપ ઉભી કરવાની છે કે, લેઉવા પટેલ સમાજના યુવાન પર હાથ ઉપાડવો હોય તો સોવાર વિચારવું પડે. ‘લુખ્ખાતત્વોની જાહેરમાં સરભરા કરવી જોઈએ’ : જગદીશ સાટોડિયા
પટેલ સમાજના આગેવાન જગદીશભાઇ સાટોડિયાએ જણાવ્યું હતું કે, લુખ્ખા તત્વોને જાહેરમાં સરભરા કરવી જોઈએ, વરઘોડો કાઢવો જોઈએ. ગુજરાત સરકાર પણ લુખ્ખા તત્વોનો જાહેરમાં વરઘોડો કાઢવાની વાત કરી રહી છે, તો કાઢો. 307ની કલમનો ઉમેરો કરવો જોઈએ. એટલું નહિ બન્ને આરોપીએ લુણીવાવમાં સરકારી જમીન પર દબાણ કર્યું છે, તે માટે લેન્ડગ્રેબીંગનો પણ ગુનો દાખલ કરવો જોઈએ. ‘શનિવાર સુધી નિરાકરણ ન આવે તો બંધનું એલાન’ : પિન્ટુ સાટોડીયા
પિન્ટુભાઈ સાટોડીયાએ જણાવ્યું હતું કે, શનિવાર સુધીમાં આ કાર્યવાહી નહિ થાય તો આગામી અડધો દિવસ ગોંડલ બંધ કરવાનું એલાન થશે. પાટીદાર સમાજની મીટીંગના પગલે ગોંડલમાં માહોલ ગરમ બન્યો છે. શું છે સમગ્ર મામલો?
ગોંડલ શહેરમાં આવેલા કોલેજ ચોક ખાતેના હનુમાન મંદિર નજીક એક સગીરને લાકડા અને ધોકાથી માર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સગીરના પિતા પહોંચતા તેમને પણ માર માર્યો હતો. જ્યારે છોડાવવા વચ્ચે પડેલી સગીરની માતાની ચૂંદડી ખેંચી ધક્કો મારી બળજબરી કરી હતી. જેને લઇ સમાજ હાથમાં પોસ્ટરો સાથે એકઠો થયો હતો. જેમાં લખ્યું હતું કે, ગોંડલમાં ગુંડારાજ, ગોંડલમાં યુપી-બિહાર જેવી સ્થિતિ. આ મુદ્દે બંને પક્ષે સામસામે ફરિયાદ થઇ છે. સામા પક્ષે કહ્યું છે કે, મારો 13 વર્ષનો દીકરો કોલેજ ચોક પાસે હતો. ત્યારે, બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકાપાટુંનો માર માર્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો…