પોરબંદર નગરપાલિકાને 2.5 મહિનાથી મહાનગરપાલિકાનો દરજજો મળી ગયો છે. પરંતુ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા પાલિકાતંત્રની કામગીરી કરવાની ગતી ગોકળગાયની છે. જેને લીધે પાલિકા દ્વારા ગત વર્ષના અગાઉના બાકી અને ચાલુ વર્ષના બાકી હાઉસટેક્ષની રકમ રૂ. 41.56 કરોડની ઉઘરાણીમાંથી 16 મી માર્ચ સુધીમાં માત્ર રૂ. 10.92 કરોડ જ વસુલ કરાયા છે. જેની સીધી અસર પાલિકાને મળતી મહેકમ ગ્રાન્ટ પર થશે. મનપા હવે 19 દિવસમાં રૂ. 37.40 કરોડનો બાકી હાઉસટેક્ષ વસુલી લેશે તો જ તેને રૂ. 25.05 કરોડની મહેસુલ ગ્રાન્ટ મળશે. આ ગ્રાન્ટ 90 ટકાથી 60 ટકાની વસુલાતના સ્લેબ મુજબ મળતી મહેકમ ગ્રાન્ટ હોય છે. જે ટારગેટ મુજબ નહી વસુલવામાં આવે તો મનપાને માત્ર રૂ. 8.35 કરોડની મહેકમ ગ્રાન્ટ મળશે અને રૂ. 16.7 કરોડ ઓછી ગ્રાન્ટ મળતા પાલિકાના કર્મચારીઓના પગાર વેરાની આવકમાંથી ચૂકવવા પડશે જેથી પોરબંદરના વિકાસના કામોને બ્રેક લાગી જશે. મહાનગરપાલિકાના ચોપડે તા. 01-04-2024 થી તા. 31-03-2025 સુધીના વર્ષમાં મનપાએ વસુલવાના બાકી હાઉસટેક્ષની રકમ રૂ. 41.56 કરોડ છે. જેમાં અગાઉનો વસુલવાનો બાકી હાઉસટેક્ષની રકમ રૂ. 27.28 કરોડ છે અને ચાલુ વર્ષના વસુલવાના બાકી હાઉસ ટેક્ષની રકમ રૂ. 14.28 કરોડ છે. જે પૈકી મનપાએ તા. 16-03-2025 સુધીમાં અગાઉના બાકી અને ચાલુ બંને હાઉસટેક્ષની રકમમાંથી માત્ર રૂ. 10.92 કરોડની વસુલાત કરી છે. જેને લીધે પાલિકાને હવે બાકી રહેલા ફાઇનાન્સીયલ યરના 19 દિવસમાં 37.40 કરોડ જેવી માતબર રકમના હાઉસટેક્ષની રકમ વસુલવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેનો સરેરાશ કાઢવામાં આવે તો દરરોજ રૂ. 1.96 કરોડ વસુલવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આમ કરવામાં મનપા તંત્ર નિષ્ફળ જાય તો તેને સરકાર દ્વારા આપવામાં આવતી મહેકમની ગ્રાન્ટ ઓછી મળશે. તા. 16-03-2025ની સ્થિતિએ મનપાએ વસુલ કરેલ રૂ. 14.28 કરોડ ની રકમને બાદ કરીને હિસાબ કરવામાં આવે તો મનપાએ મહેકમની 26.27 ટકા હાઉસટેક્ષની વસુલાત કરી છે અને જે હિસાબે હાલની સ્થિતિએ મનપાને મહેકમની ગ્રાન્ટ 30 ટકાના સ્લેબથી એટલે કે રૂ. 8.35 કરોડ મળવાપાત્ર થાય છે. આ ગ્રાન્ટમાં જો 40 ટકાનો વધારો જોઇતો હોય તો મનપાએ 70 ટકા હાઉસટેક્ષનું વસુલાત કરવાની રહે છે અને તે હિસાબે જોવા જઇએ તો મનપાને મહેકમ ગ્રાન્ટની વધારાની રકમ રૂ. 16.7 જોઇતી હોય તો તેણે આગામી 19 દિવસમાં રૂ. 37.40 કરોડ બાકી હાઉસટેક્ષ વસુલવો પડશે અન્યથા પાલિકાને મહેસુલ ગ્રાન્ટની ઓછામાં ઓછી રકમ રૂ. 8.35 કરોડની ગ્રાન્ટ મળવાપાત્ર થશે અને નાછૂટકે પાલિકાએ ઉઘરાવેલા વેરામાંથી કર્મચારીઓના પગારની રકમનો ખર્ચ કરવો પડશે જેની સીધી આડઅસર વિકાસના કામો કરવામાં થશે અને શહેરનો વિકાસ રૂંધાશે. રોજ 4થી 5 સીલ મારી હાઉસ ટેક્ષની રકમ ઉઘરાવીએ છીએ
ખૂબ જ ઓછા દિવસમાં મોટી રકમનો હાઉસ ટેક્ષ ઉઘરાવવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. હાઉસ ટેક્ષમાં આગલા બાકી હાઉસ ટેક્ષની રકમ બહુ મોટી બાકી છે. જેમાં પોરબંદરની બંધ થઇ ગયેલી મહારાણા મીલ, એચ.એમ.પી. સીમેન્ટ ફેકટરી, એરપોર્ટ અને નિરમા ફેકટરીનો હાઉસ ટેક્ષ બાકી છે. તે રકમ બહુ મોટી છે. નિરમા ફેકટરીનો કેસ ચાલે છે અને તેની માપણી કરવાની કામગીરી ચાલુ છે. રોજ 4 થી 5 સીલ મારી હાઉસટેક્ષની રકમ ઉઘરાવીએ છીએ અને બાકી હાઉસટેક્ષ ઉઘરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. > મનન ચતુર્વેદી, ડેપ્યુટી કમિશ્નર, મહનગરપાલિકા પોરબંદર કેટલો હાઉસટેક્ષ ઉઘરાવીએ તો કેટલી મહેકમ ગ્રાન્ટ મળે ? ઉઘરાવવાનો હાઉસ ટેક્ષ મળવાપાત્ર મહેકમ ગ્રાન્ટ 90% થી વધારે વસુલાત 70% 70 થી 90 % 55% 60 થી 70 % 40% 60 % થી ઓછી વસુલાત 30%