મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું ગામ પાસે રોડના નબળા કામને લઈને સ્થાનિક ગ્રામજનોએ આજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ગામના સરપંચ ગૌતમભાઈ કૈલાની આગેવાનીમાં લોકોએ બે કલાક સુધી હાઈવે જામ કર્યો હતો. મોરબીથી હળવદ સુધીના સ્ટેટ હાઈવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઘૂટું ગામ પાસે રોડની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી ગટરમાં કોન્ટ્રાકટર દ્વારા નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે. ગામના આગેવાન દેવજીભાઇ પરેચાએ જણાવ્યું કે, નવી બનાવેલી ગટર એટલી નબળી છે કે તેના પરથી બાઇક કે પગપાળા નીકળવું પણ જોખમી છે. ગ્રામજનોએ “ભ્રષ્ટાચાર બંધ કરો” અને “સારું કામ કરો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સુધારો ન થતાં લોકોએ આંદોલન કર્યું હતું. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુણવત્તાયુક્ત કામ કરવાની ખાતરી આપ્યા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા રોડ નિર્માણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાકટરની મનમાની કામગીરીને કારણે લોકોને ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓથી વંચિત રહેવું પડે છે.