ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ઓપનિંગ સેરેમની 22 માર્ચે યોજાશે. આ વખતે IPL 2025ની સિઝન વધારે ખાસ બનવાની છે, કારણ કે માત્ર એક નહીં 13 સ્ટેડિયમ પર ઓપનિંગ સેરિમનીનું આયોજન કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, IPLના 18 વર્ષના સેલિબ્રેશન સંદર્ભે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ વર્ષે તમામ 13 સ્થળોએ ખાસ ઓપનિંગ સેરિમનીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. 13 સ્ટેડિયમ પર યોજાશે IPL સેરિમની!
IPL 2025ની નવી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તેની ઓપનિંગ સેરિમની શનિવારે સાંજે 6 વાગ્યાથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. ‘સ્પોર્ટસ્ટાર’ના એક અહેવાલ મુજબ, ઓપનિંગ સેરેમની બોલિવૂડના સુપરસ્ટાર્સ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે શરૂ થશે. આખી સિઝન દરમિયાન ક્રિકેટ ઉત્સવ સાથે મનોરંજનો ઉત્સાહ શરૂ રહેશે, કારણ કે દરેક સ્થળ પરની પ્રથમ મેચમાં ફેમસ કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ક્યા-ક્યા સ્ટાર પર્ફોર્મ કરશે?
‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, શ્રેયા ઘોષાલ, શ્રદ્ધા કપૂર, દિશા પટણી, કરણ ઔજલા, અરિજિત સિંહ અને વરુણ ધવન ઓપનિંગ સેરિમનીમાં પર્ફોર્મ કરશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકન પોપ બેન્ડ વન રિપબ્લિકને પણ સેરિમનીમાં પર્ફોર્મ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. પોપ બેન્ડ વન રિપબ્લિકે તાજેતરમાં કરણ ઔજલા અને દિશા પટણી સાથે મળીને ‘ટેલ મી’ સોન્ગ બનાવ્યું છે. શાહરુખ-સલમાનની જોડી ચમકશે
ઉપરાંત, શાહરુખ અને સલમાન પણ IPLની સેરિમનીમાં જોવા મળી શકે છે. શરૂઆતના દિવસે પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. શાહરુખ ખાન તેની ટીમને સપોર્ટ કરવા અને સલમાન પણ તેની ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશન માટે આવી શકે છે. સંજય દત્ત, સારા અલી ખાન, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, કેટરિના કૈફ, તૃપ્તિ ડિમરી, અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, માધુરી દીક્ષિત, પૂજા હેગડે, ઉર્વશી રૌતેલા અને આયુષ્માન ખુરાના પણ આવી શકે છે. ઓપનિંગ સેરિમની લગભગ 25થી 35 મિનિટ ચાલશે
IPL 2025ની પહેલી મેચ પહેલાં ઓપનિંગ સેરિમનીનું આયોજન થશે જેની પુષ્ટિ ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળ એટલે કે CAB ચેરમેન સ્નેહાશિષ ગાંગુલીએ કરી છે. આ મેચની ટિકિટોની ડિમાન્ડ વધારે છે અને લાંબા સમય બાદ કોલકાતામાં IPLની ઓપનિંગ સેરિમની યોજાવા જઈ રહી છે. સેરિમની લગભગ 25થી 35 મિનિટ સુધી ચાલશે. ફાઈનલ પણ કોલકાતામાં યોજાશે
ઓપનિંગ મેચ 22 માર્ચે કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે. આ વખતે 65 દિવસમાં 74 મેચ રમાશે. 18 મે સુધી 70 લીગ સ્ટેજ મેચ રમાશે, જેમાં 12 ડબલ હેડરનો સમાવેશ થશે. એટલે કે 1 દિવસમાં 2 મેચ 12 વખત રમાશે. ફાઈનલ 25 મેના રોજ કોલકાતામાં યોજાશે.