back to top
HomeભારતEditor's View: કુછ તો ગરબડ હૈ:ભાજપ સામેનું ખેડૂત આંદોલન કેજરીવાલની પાર્ટીએ અટકાવ્યું,...

Editor’s View: કુછ તો ગરબડ હૈ:ભાજપ સામેનું ખેડૂત આંદોલન કેજરીવાલની પાર્ટીએ અટકાવ્યું, માનની મજબૂરી કે માસ્ટર સ્ટ્રોક? 13 મહિના પછીના ધી એન્ડની ઇનસાઇડ સ્ટોરી

25 સપ્ટેમ્બર 2020
ખેડૂતોએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. હરિયાણાના ખેડૂતોએ દિલ્હી ચલો…ના નારા લગાવ્યા. દેશભરમાં ખેડૂતો વિરોધ કરવા લાગ્યા. 26 નવેમ્બર 2020
પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ. હરિયાણા બોર્ડર સીલ કરી દેવાઈ. ખેડૂતો બેરિકેડ્સ તોડીને ઘૂસી ગયા. 26 જાન્યુઆરી 2021
કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે હજારો ખેડૂતોએ ટ્રેક્ટરમાં દિલ્હીમાં કૂચ કરી. લાલ કિલ્લા પરથી તિરંગો ઉતારીને નિશાન સાહિબનો ધ્વજ ફરકાવ્યો. ત્યારે ખેડૂત આંદોલનના નેતા હતા રાકેશ ટિકૈત. 13 ફેબ્રુઆરી 2024
હરિયાણા અને પંજાબની શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર પંજાબના ખેડૂતો એકઠા થયા. ત્યાં જ તંબુ બાંધ્યા. પોલીસે દિલ્હી તરફ જતાં રોકી લીધા. આ વખતે કિસાન આંદોલનના નેતા છે જગદીશસિંહ ડલ્લેવાલ અત્યારે નવેસરથી જે ખેડૂત આંદોલન શરૂ થયું હતું એ 13 મહિના એટલે કે 401 દિવસથી ચાલી રહ્યું છે. ખેડૂતોની ડિમાન્ડ કેન્દ્રની ભાજપ સરકાર પાસે છે, ખેડૂતોનો વિરોધ કેન્દ્રની ભાજપ સરકાર સામે છે છતાં ખેડૂતોને બંને બોર્ડર પરથી હટાવવાનું કામ પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે કર્યું છે. કેજરીવાલ અત્યારે પંજાબમાં છે અને ભગવંત માન તેના ઈશારે આ ઓર્ડર આપી રહ્યા હોય એવું માનવામાં આવે છે, પણ આવું થયું કેમ? નમસ્કાર,
એક વર્ષ કરતાં પણ વધારે સમયથી પંજાબની શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરવા બેઠા હતા. રસ્તામાં જ તંબુઓ બાંધીને અને પતરાં ઊભાં કરીને ત્યાં જ પડાવ નાખ્યો હતો. આ આંદોલનના નેતા જગદીશસિંહ ડલ્લેવાલ ભૂખહડતાળ પર ઊતરી ગયા. તબિયત બગડતી ગઈ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નહીં. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છેલ્લા એક વર્ષમાં છ મિટિંગ કરી ચૂક્યા છે અને સાતમી મિટિંગ લુધિયાણામાં કરી છતાં સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન થયું નહીં. દિલ્હી સરકાર કાંઈ કરે કે ન કરે, પંજાબ સરકારે માસ્ટર પ્લાન બનાવીને ખેડૂતોને હટાવી દીધા છે. 19 માર્ચે શું થયું?
19 માર્ચે અચાનક પંજાબની શંભુ બોર્ડર અને ખનૌરી બોર્ડર પર બેઠેલા ખેડૂતોને પંજાબ પોલીસે હટાવી દીધા. ખેડૂત આંદોલનકારીઓના મોટા નેતાઓની અટકાયત કરી. આ નેતાઓને બહાદુરગઢ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. કેટલાક નેતાઓને બીજી જગ્યાએ લઈ જવાયા છે, એટલે ખેડૂતનેતાઓને પણ એકસાથે નથી રાખવામાં આવ્યા. જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે તે બધા દેખાવ કરી રહ્યા છે. પંજાબ પોલીસે જેસીબી મગાવીને ખેડૂતોના તંબુ, પતરાં તોડી નાખ્યાં. ટ્રેક્ટરો દૂર કરાવ્યાં. શંભુ અને ખનૌરી બોર્ડર ખુલ્લી કરાવી. પંજાબ પોલીસે શું પ્લાનિગ કર્યું?
પંજાબ સરકારનો ઓર્ડર મળતાં જ પોલીસ એક્શનમાં આવી. આ માટે ગુપ્તચર એજન્સીઓની મદદ લેવામાં આવી. 3500 જેટલા પોલીસ જવાનો તહેનાત કરાયા. ખેડૂત આંદોલન વિખેરવા માટે પંજાબ પોલીસે 72 કલાકનું સળંગ પ્લાનિંગ કર્યું હતું ને પછી પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે લુધિયાણામાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે ખેડૂતનેતાઓ જગદીશસિંહ ડલ્લેવાલ, અભિમન્યુ કોરાટ, કાકાસિંહ કોટલા અને સરવણસિંહ પંધેર મિટિંગ કરવાના છે. આ મિટિંગમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પંજાબ સરકારના કેબિનેટ મંત્રી હરપાલ ચીમા પણ હાજર હતા. પંજાબ પોલીસે એવો પ્લાન બનાવ્યો કે મંત્રીઓ સાથે મિટિંગ કરીને આ ખેડૂતનેતાઓ બોર્ડર તરફ આવી રહ્યા હોય ત્યારે રસ્તામાંથી અટકાયત કરી લેવી. થયું પણ એવું જ. પોલીસે ખેડૂતનેતાઓની અટકાયત કરી લીધી. આ વાત ફેલાય નહીં એટલે શંભુ અને ખનૌરી બોર્ડર પરના તમામ મોબાઈલના નેટવર્ક અને ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા. શંભુ અને ખનૌરી બોર્ડર પર પોલીસ ફોર્સ તહેનાત કરી દેવાઈ અને 200થી વધારે ખેડૂતોની અટકાયત કરી લેવાઈ. રાતોરાત જેસીબી મશીન આવી ગયાં અને ખેડૂતોએ જે ટેન્ટ, પતરાંના શેડ ઊભા કર્યા હતા એ તોડી પાડવામાં આવ્યા. સવાલ એ છે કે ખેડૂતોની સમસ્યા દિલ્હીની ભાજપ સરકારની હતી તો પંજાબ સરકાર હરકતમાં કેમ આવી? આ સવાલનાં બે કારણ બતાવવામાં આવે છે. આમાંથી પણ એક સવાલ એ ઉદભવે છે કે પંજાબની AAP સરકારે રહી રહીને પગલાં કેમ લીધાં? આનાં કેટલાંક કારણો છે. માર્ચની શરૂઆતમાં જ પંજાબ સરકાર અને ખેડૂતનેતાઓ વચ્ચે મિટિંગ થઈ હતી, પણ કોઈ પરિણામ આવ્યું નહીં. પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ખેડૂતો એ વાતે અડગ હતા કે પંજાબ વિધાનસભાના સત્ર વખતે ચંદીગઢ પહોંચીને વિધાનસભાને ઘેરાવ કરીશું. ભગવંત માને આવું ન કરવા માટે ખેડૂતોને સમજાવી જોયા, પણ ખેડૂતો ન માન્યા તે ન જ માન્યા. મુખ્યમંત્રી ભગવંત માન ગુસ્સે થઈને બોલ્યા, ‘જાઓ કરતે રહો ધરના, અબ કુછ નહીં હોનેવાલા.’ આટલું કહીને તેઓ મિટિંગમાં વચ્ચેથી ઊભા થઈ ગયા અને ચાલતી પકડી. એ પછી પંજાબ પોલીસે ખેડૂતનેતાઓનાં ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું. ઘણા ખેડૂતનેતાઓ ઘરે મળ્યા નહોતા, પણ કેટલાકને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
બીજા જ દિવસે મીડિયા સાથે વાત કરતી વખતે ભગવંતે કહ્યું, ‘હા, હું મિટિંગ છોડીને નીકળી ગયો. અમે બીજાને પણ કસ્ટડીમાં લઈશું. અમે ખેડૂતોને રેલવેટ્રેક કે રસ્તા પર બેસવા દઈશું નહીં. હું પંજાબના ત્રણ કરોડ લોકોનો રક્ષક છું.’
હવે અહીં સવાલ એ છે કે ખેડૂતો માત્ર ભગવંત માનના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે કે કોઈ રાજનીતિનો ભોગ બની રહ્યા છે? સમસ્યા કેન્દ્ર સરકારની છે તો પંજાબ સરકારે કેમ પોતાના માથે લીધી?
પંજાબ સરકાર જાણે છે કે ખેડૂતોની માગણીઓ ફક્ત કેન્દ્ર સરકાર જ પૂરી કરી શકે છે, ખેડૂતોનો વિરોધ પણ કેન્દ્ર સરકાર સામે છે તો પછી ભગવંત માન પોતાના પગ પર કુહાડી કેમ મારી રહ્યા છે? કેપ્ટન અમરિંદર સિંહ જ્યારે પંજાબના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ સ્થિતિ ઊભી થઈ હતી, પણ અમરિંદરસિંહની ટીમ ખૂબ જ ચાલાકીપૂર્વક ખેડૂતોને દિલ્હી બોર્ડર પર લઈ ગઈ અને કેન્દ્ર સરકાર સામે હાથ ઊંચા કરી દીધા. પંજાબ સરકારે ત્યારે કહ્યું હતું કે ખેડૂતો કેવી રીતે દિલ્હી સુધી પહોંચી ગયા એ એમને ખબર નથી. હવે તમે જાણો. એ વખતે બધાએ જોયું કે કેન્દ્રની ભાજપ સરકારને કેવી રીતે અપમાનનો સામનો કરવો પડ્યો. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની ફરજ પડી હતી.
હવે, ઊલટું થઈ રહ્યું છે. એવું લાગે છે કે પંજાબ સરકાર કેન્દ્ર સરકારની સમસ્યાઓ પોતાના માથે લઈ રહી છે. કોઈ વ્યક્તિ આવું કામ ત્યારે જ કરે છે જ્યારે તેનાથી કોઈ મોટો ફાયદો થતો હોય અથવા મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોઈ ચોક્કસ વ્યૂહરચના પર કામ કરી રહ્યા હોય.
આમ આદમી પાર્ટીના પંજાબ વડા અમન અરોરાએ સ્પષ્ટતા કરી કે સરકારના વલણમાં કોઈ ફેરફાર નથી, પણ અમે ખેડૂતોને અમારા પર હાવી થવા દઈશું નહીં. લુધિયાણાની પેટાચૂંટણીને કારણે પણ આવું બન્યું હોય
પંજાબ પોલીસ હરકતમાં આવી એનું એક લુધિયાણા પશ્ચિમ બેઠકની પેટાચૂંટણી હોઈ શકે છે. અરવિંદ કેજરીવાલને લુધિયાણાના વેપારીઓએ એવી ચીમકી આપી હતી કે જો ખેડૂતોને દૂર કરવામાં નહીં આવે તો તેઓ આમ આદમી પાર્ટીને મત નહીં આપે, કારણ કે તેમના વ્યવસાય પર અસર પડી રહી છે. જો એવું હોય ને ખેડૂતોને ખદેડ્યા હોય તો આમ આદમી પાર્ટી ખેડૂતોના મત ગુમાવી શકે છે. બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે લુધિયાણા પશ્ચિમ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ શકે એવી શક્યતા છે. પંજાબ સરકારે જે ઉતાવળથી ખેડૂતો સામે કાર્યવાહી કરી છે, એ જોતાં મામલો બીજે ક્યાંક ગૂંચવાયો હોય એવું લાગે છે. ખેડૂત આંદોલન 2.0માં ક્યારે શું થયું?
13 ફેબ્રુઆરી, 2024 : ખેડૂતો દિલ્હી જવા રવાના થયા. પોલીસે શંભુ અને ખનૌરી બોર્ડર પર બેરિકેડિંગ કરીને રોક્યા.
21 ફેબ્રુઆરી, 2024 : પોલીસ અને ખેડૂતોમાં ઘર્ષણ થયું. ભટિંડાના શુભકરણનું મોત થયું.
17 એપ્રિલ, 2024 : ખેડૂતોએ રેલવેટ્રેક પર બેસીને ટ્રેનો રોકી.
2 સપ્ટેમ્બર, 2024 : શંભુ બોર્ડર ખોલવાથી લઈને સુપ્રીમ કોર્ટે કમિટી બનાવી.
26 નવેમ્બર, 2024 : ખેડૂતનેતા જગજીત ડલ્લેવાલની પોલીસે અટકાયત કરી. તેમણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા.
6 ડિસેમ્બર, 2024 : શંભુ બોર્ડરથી ખેડૂતે દિલ્હી કૂચ કરવાની કોશિશ કરી. હરિયાણા પોલીસે ટિયરગેસના શેલ છોડીને ભગાડ્યા.
30 ડિસેમ્બર, 2024 : આંદોલનના સમર્થનમાં ખેડૂતોએ પંજાબ બંધનું એલાન આપ્યું. પંજાબ બંધ રહ્યું.
4 જાન્યુઆરી, 2025 : ખનૌરી બોર્ડર પર ખેડૂતોની મહાપંચાયત થઈ. ડલ્લેવાલને સ્ટ્રેચર પર લાવવામાં આવ્યા.
14 ફેબ્રુઆરી, 2025 : કેન્દ્રની પહેલી મિટિંગ થઈ, પણ પરિણામ શૂન્ય.
19 માર્ચ, 2025 : કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 7મી મિટિંગ થઈ. પંજાબ પોલીસે પંધેર અને ડલ્લેવાલ સહિતના નેતાઓની અટકાયત કરી. ખેડૂત સંગઠનોની મુખ્ય માગણીઓ શું છે? પંજાબ સરકારનાં પગલાં મામલે કોણે શું કહ્યું?
પંજાબના મંત્રી હરપાલસિંહ ચીમા : શંભુ અને ખનૌરી બોર્ડર છે એ બંધ હોવાના કારણે પંજાબના રૂટનો વેપાર ઠપ જેવો થઈ ગયો હતો અને એના કારણે નુકસાન થઈ રહ્યું હતું. જો વેપારીઓ સારો વેપાર કરી શકશે તો યુવાનોને રાજગારી મળતી થશે અને એ યુવાનો નશાથી દૂર રહેશે. અમે ઈચ્છીએ છીએ કે યુવાનોને રાજગાર મળે અને ખેડૂતની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ છે તો ખેડૂતોએ દિલ્હી બાજુ ધરણાં કરવા જોઈએ. અહીં પંજાબમાં કેમ બેઠા છે? લોકસભા સાંસદ હરસિમરત કૌર બાદલ : જગદીશસિંહ ડલ્લેવાલ ભૂખહડતાળના કારણે એટલા નબળા પડી ગયા છે કે તેઓ બેસી પણ શકતા નથી. આ લોકોએ તેમની પણ અટકાયત કરી. જ્યારે પંજાબમાં ચૂંટણી આવી ત્યારે MSPનાં ખોટાં વચનો આપ્યાં. ખેડૂતો પોતાનો ન્યાય માગવા એક વર્ષથી રસ્તા પર બેઠા છે, પણ જ્યારે ખેડૂતોએ ધમકી આપી કે 28 માર્ચથી પંજાબ વિધાનસભાનું સત્ર શરૂ થાય છે ત્યારે અમે વિધાનસભાને ઘેરો કરીશું એટલે સરકાર જાગી અને 28મીએ ઘેરો ન કરી શકે એટલે બોર્ડર ખાલી કરાવી, અટકાયતો કરી. પંજાબ ભાજપના નેતા ફતેહગંજ બાજવા : ખેડૂતોને શંભુ અને ખનૌરી બોર્ડર પર બેસીને બોર્ડર સીલ કરવા માટે કેજરીવાલ અને ભગવંતમાને કહ્યું હતું. એ બિચારા આમ આદમી પાર્ટીના કહેવાથી બેઠા રહ્યા. બીજી તરફ કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે તમામ પ્રકારની ચર્ચા કરી. તેમની સમસ્યા જાણી છે. એના ઉકેલ માટે પ્રયાસો પણ ચાલી રહ્યા હતા ત્યાં આ પગલું લીધું. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની : ખેડૂતોને બદનામ કરાય છે. રસ્તા ખેડૂતોએ નહીં, પણ સરકારે રોકી દીધા છે. ખેડૂતો તો દિલ્હી જવા માગે છે, પણ તેમને આગળ વધવા દેવાતા નથી. કોંગ્રેસનેતા રણદીપ સુરજેવાલા : ખેડૂતો પોતાની વ્યક્તિગત માગણી નહોતા કરતા. MSPની ગેરંટી માગતા હતા. ખેડૂતનેતાઓ કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે વાતચીત કરીને જેવા નીકળ્યા કે રસ્તામાં અટકાયત કરી લેવાઈ. ટેન્ટ તોડી નખાયા. છેલ્લે,
જે રીતે ભગવંત માનના કહેવાથી શંભુ બોર્ડર પર ઊભા થઈ ગયેલા ખેડૂતોના શેડ અને તંબુ તોડી પાડવામાં આવ્યા એ જોતાં એવું લાગે છે કે બુલડોઝર મામલે હવે આમ આદમી પાર્ટી પણ ભાજપના પગલે ચાલવા માગે છે. સોમવારથી શુક્રવાર દરરોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ (રિસર્ચઃ યશપાલ બક્ષી)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments