તેજસ રાવળ
આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળનું મહત્વ સમજાવવા દિવ્ય ભાસ્કર દ્વારા રણમાં નહાવા માટેનું જળ તો દૂર રહ્યું પીવા માટે 20 થી 25 કિ.મી દૂરથી 20 લિટર પાણી ભરી લાવી બે દિવસ સુધી તરસ છીપાવતા અગરિયાઓ ટીંપુ પાણી પણ બગાડતા ન હોય તેમના જળના સંઘર્ષને ઉજાગર કરી જળ બચાવોનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
સરહદી બોર્ડર વિસ્તારના પાટણ હદના નાના રણમાં 150 જેટલા અગરિયાઓ હાલમાં 42 થી 44 ડિગ્રી કાળઝાળ ગરમી વચ્ચે સંઘર્ષ વેઠી મીઠું પકવી રહ્યા છે. સંઘર્ષ ભરી જિંદગીની વાત કરીએ તો રણમાં રહેવા માટે માત્ર એક ઘાસનું ખુલ્લું ઝુંપડું જ ગરમીથી બચવા માટેનો સહારો છે.તેમનાં માટે રહેઠાણ કરતા સૌથી મોટી મુશ્કેલી પીવાના પાણીની છે. રણમાં વરસાદી ખારું પાણી અઢળક ભરેલ છે.પરતું ક્યાંય પીવાનું મીઠું પાણી મળતું નથી. જેથી 20 – 25 કી.મી આસપાસના કોઈ ગામ કે સાંતલપુર થી પાણી લાવવું પડતું હોય રણમાં વાહન મારફતે લાવવું મુશ્કેલ હોય બાઇક મારફતે માત્ર 20 લિટરનો જ કેલબો ભરીને લાવી શકે છે.આ 20 લીટર પાણી બે ત્રણ લોકો વચ્ચે બે દિવસ સુધી ચલાવવાનું હોય સંપતિ સમાન તેને ઝૂંપડામાં સાચવીને રાખે છે.તરસ લાગે એટલે જ એમાંથી વાટકો ભરીને પાણી કાઢી તરસ છપાય એટલું પાણી પીએ તરસ છીપાતા જો વાટકામાં થોડું પણ પાણી વધે તો તેને પરત કેલબામાં ભરી દે છે.આ પાણીનો રસોઈમાં ઉપયોગ કરવાનો હોય ટીપુ પણ પાણી બગાડ કરતા નથી. ઓછામાં ઓછું પાણી ઉપયોગ કરી બે દિવસ તો ચલાવી ત્રીજા દિવસે બપોર બાદ ફરી કોઈ એકાદ યુવક ઘરે કે કામ અર્થે કોઈ ગામ કે સાંતલપુર તરફ જાય એટલે પરત ભરીને લાવે છે.
મીઠાના અગરમાં કામથી શરીરે ખંજવાળ આવે છતાં ત્રણ દિવસે ન્હાય છે :
અગરિયા રાજા અબ્દુલે જણાવ્યુ હતું કે રણમાં જે પાણી હોય તે ખૂબ ખારું હોય છે. પી શકતાં નથી. જેથી પીવાનું પાણી બાઈક લઈને ભરવા 20 કિ.મી. દૂર જવું પડે છે.પાણી બે દિવસ ચાલે માટે પાણી બચાવવા તેનાથી હાથ પગ કે મોઢું પણ ધોતા નથી. માત્ર તરસ લાગે એટલે પાણી પીવાનું જ એમાંથી ઍક ટીંપુ બગાડતાં નથી. ન્હાવાનું તો ત્રણ દિવસે પાણી ભરવા જઈએ ત્યાં થાય છે. જેના કારણે શરીરે ખંજવાળ પણ બહુ આવે છે. પણ હવે ટેવાઈ ગયા છીએ.એટલે ચાલે જાય છે.
બપોરે ગરમીથી બચવા મોઢું ધોવાના બદલે રૂમાલ ભીનો કરી માથે ઓઢીને સુવે છે :
અગરિયા શંકરભાઈ કોલીએ જણાવ્યું હતું કે રણમાં ભયાનક ગરમી વચ્ચે બપોરે રહેવું મુશ્કેલ પડી જાય છે.ઝુપડા નીચે જઈને આરામ કરીએ છીએ. ગરમ પવન ફૂંકાતા હોય ગરમીથી બચવા માટે પાણીથી હાથ પગ કે મોઢું ધોવાના બદલે અમે રૂમાલ પાણીથી ભીનો કરીને માથે ઓઢીને સૂઈ જઈએ છીએ. જેના કારણે શરીરને થોડી ઠંડક અનુભવાય અને પાણી બચે છે.
સરકાર દ્વારા ટેન્કર મારફતે પાણી અપાતું પરંતુ બે વર્ષથી બંધ કર્યું :
રણમાં મીઠાના વેપારી ચિરાગ રાજગોરે જણાવ્યું હતું કે રણમાં સરકાર દ્વારા ટેન્કર મારફતે અગરિયાઓને પાણી આપવામાં આવતું હતું. પરંતુ બે વર્ષથી બંધ કરાયું છે.હાલમાં કેટલાક સગવડ વાળા અગરિયા 2500 રૂ. ખર્ચી ટેન્કરથી પાણી મંગાવે છે.પરંતુ મોટા ભાગના આગરીયા આર્થિક સધ્ધર ના હોય ઉપયોગ માટે કેલબો પાણી ભરીને લાવી રહ્યા છે. સરકાર દ્વારા ફરી ટેન્કર મારફતે પાણી આપવાનું શરૂ કરે તો સમસ્યા હલ થઈ શકે છે.તંત્રમાં રજૂઆત કરાયેલ છે.