આમિર ખાને પોતાના 60માં જન્મદિવસ પહેલા પોતાની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટને મીડિયા સાથે મુલાકાત કરાવીને પોતાના સંબંધને સત્તાવાર જાહેર કર્યો હતો. આમિરે જણાવ્યું કે, તે છેલ્લા દોઢ વર્ષથી ગૌરીને ડેટ કરી રહ્યા છે અને હાલમાં બંને લિવ-ઈન-રિલેશનશીપ છે. આમિરે પોતાની બહેન નિખત સાથે ગૌરીની મુલાકાત કરાવી છે, જેના પર તેણીની પ્રતિક્રિયા સામે આવી છે. આમિરની બહેન નિખત હેગડેએ તાજેતરમાં મુંબઈમાં તેની આગામી ફિલ્મ ‘L2:એમ્પુરન’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. દરમિયાન એક વાતચીતમાં તેણીએ જણાવ્યું કે, આમિરે તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે મુલાકાત કરાવી હતી. અમે આમિર અને ગૌરી માટે ખૂબ ખુશ છીએ, કારણ કે તેણી ખૂબ જ સારી વ્યક્તિ છે અને અમે ખરેખર ઈચ્છીએ છીએ કે આ બંને હંમેશા ખુશ રહે. ગૌરી સ્પ્રેટ કોણ છે?
બેંગ્લોરની ગૌરી સ્પ્રેટ આમિર ખાન પ્રોડક્શનમાં કામ કરે છે અને હેરડ્રેસિંગ બિઝનેસ પણ ચલાવે છે. તે અને આમિર છેલ્લા 25 વર્ષથી એકબીજાને ઓળખે છે. જોકે, દોઢ વર્ષ પહેલા આમિરના કઝીને તેમની મુલાકાત કરાવી ત્યારથી બંને નજીક આવ્યાં. ગૌરી સ્પ્રેટને પોતાના પહેલા લગ્નથી 6 વર્ષનો પુત્ર પણ છે. પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મમાં જોવા મળશે આમિરની બહેન નિખત
આમિર ખાનની બહેન નિખતે લાંબી મોડેલિંગ કારકિર્દી પછી વર્ષ 2019માં ફિલ્મ ‘મિશન મંગલ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તે ‘સાંડ કી આંખ’, ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ અને ‘પઠાણ’ જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે. ટૂંક સમયમાં તે પૃથ્વીરાજ સુકુમારન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘L2: એમ્પુરન’માં જોવા મળશે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં, પૃથ્વીરાજ સુકુમારને ખુલાસો કર્યો કે, નિખતને કાસ્ટ કરતી વખતે તેમને ખબર નહોતી કે આમિર ખાન નિખતનો ભાઈ છે. ઓડિશન ટેપ જોયા પછી તેણે તેના કાસ્ટિંગ ડિરેક્ટર પ્રિયતમાને કહ્યું કે, તે ઇચ્છે છે કે આ ભૂમિકા નિખતને આપવામાં આવે. આના જવાબમાં પ્રિયતમાએ તેને કહ્યું કે નિખત આમિરની બહેન છે. આ જાણ્યા પછી, પૃથ્વીરાજે આમિર ખાનને ફોન કર્યો હતો. આમિરે તેને મેસેજ કર્યો અને પૂછ્યું કે, ફિલ્મમાં તેની બહેન કેવું કામ કરી રહી છે? જવાબમાં, તેમણે કહ્યું હતું કે, તે ખૂબ સારું કરી રહી છે. ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો, આમિર ખાનની છેલ્લી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી, ત્યારબાદ તેણે પોતાની અભિનય કારકિર્દીમાંથી બ્રેક લીધો હતો. જોકે, ફિલ્મ સ્ટાર ટૂંક સમયમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ વર્ષે તેની ફિલ્મ રિલીઝ થશે. ઉપરાંત આમિર પાસે ‘લાહોર 1947’ પણ છે.