ગત 13 માર્ચની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યા બાદ ગુનેગારોને ઘૂંટણિયે પાડવા રાજ્ય પોલીસ વડાએ નામચીનોની યાદી બનાવડાવી હતી. આ યાદી બનાવ્યા બાદ અસામાજિક તત્ત્વોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. જેમાં ગામો પટેલ, બોબી પટેલ, ટોમી ઊંઝા, પંકજ ખત્રી, રાજુ ગેંડી અને સાવન દીદાવાલા જેવા ખતરનાક ખેલાડીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં સાવન સૌથી મોટો દારૂ કટીંગ કરનારો છે, સેન્ટ્રલ એજન્સીની તપાસમાં આવેલો ટોમી ઊંઝા સિંધુ ભવન રોડ અને મહેસાણામાં મિલકતો ધરાવે છે. આ મિલકતોમાં સટોડિયા ટોમી ઉંઝાએ ગેરકાયદે બાંધકામ પણ કરેલું છે. 20 માર્ચ, 2025ના રોજ અમદાવાદમાં આવેલા મનપસંદ જીમખાનાનું ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. આ મનપસંદ જીમખાનામાં માત્ર ગામો જ નહીં તેમાં કબૂતરબાજ બોબી પટેલ અને મુન્નો ખત્રી પણ સૌથી મોટા પ્લેયર છે. સરકારે બહાર પાડેલી આરોપીઓની યાદીમાં તો મનપસંદ ક્લબનો એક ભાગીદાર કબૂતરબાજીના કેસમાં જેલમાં છે તો એકની સામે કબૂતરબાજીની તપાસ ખુલતા વિદેશ ભાગી ગયો છે. જેની સામે રેડ કોર્નર નોટિસ પણ નીકળી છે. ગુજરાતના ક્રિકેટ સટ્ટાના મોટા પ્લેયર જે કરોડોનો સટ્ટો રમાડે છે તે ટોમી ઊંઝા સાથે કેટલાક પોલીસ અધિકારીઓના સીધા સબંધ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મનપસંદ જીમખાનાના ત્રણેય પાર્ટનર કુખ્યાત
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં બોબી પટેલ, પંકજ ખત્રી ઉર્ફે મુન્નો , ગોવિંદ ઉર્ફે ગામો પટેલ ભાગીદાર છે. આ પણ વાંચો: સતત રેડ પડે છે એ ‘મનપસંદ જિમખાના’ છે શું? ટોમી ઊંઝા: 2011માં બન્યો ભાજપનો કોર્પોરેટર
ગિરીશ ઉર્ફે ટોમી પરસોત્તમદાસ પટેલ મૂળ ઊંઝાનો વતની છે. કોલેજ સુધીનો અભ્યાસ કરનારા 42 વર્ષીય ટોમીના પરિવારની સ્થિતિ એક સમયે સાવ સામાન્ય હતી. ત્યાર બાદ તેણે સૌથી પહેલા ઊંઝા ખાતે એક શેરબજારની ઓફિસમાં નોકરી શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે ક્રિકેટ સટ્ટાની ઓફિસ શરૂ કરી અને ધીમે ધીમે સટ્ટાની દુનિયાનો મોટો ખેલાડી બની ગયો. વર્ષ 2011માં ભાજપમાંથી ઊંઝા પાલિકાનાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યો હતો. જો કે ત્યાર પછી તેણે ઊંઝા છોડ્યું હતું. હાલ ઊંઝા ઉમિયા નગરી ખાતે તેના નવા મકાનનું કામકાજ ચાલી રહ્યું છે. અગાઉ તે ઊંઝા શહેરની ઐઠોર ચોકડી નજીક આવેલી ગિરધર નગર સોસાયટી ખાતે રહેતાં હતો. હાલ સામાજિક પ્રસંગ વાર તહેવારે તે ઊંઝા આવતા હોય છે. ટોમી સામે ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ)એ 800 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં તેની સામે તપાસ થઈ હતી. પરંતુ કરોડો રૂપિયા કમાઇને બેઠેલો લક્ઝુરિયસ લાઈફ માટે જાણીતો છે. એક દાયકા કરતા વધુ સમયથી ટોમી ઊંઝા ક્રિકેટ સટ્ટાનો મોટો પ્લેયર છે. SMCમાં તેની સામે 3 કેસની તપાસ ચાલી રહી છે. એક અંદાજ પ્રમાણે હાલમાં ગુજરાતના મોટા બુકી ઓનલાઈન સટ્ટા જેટલો જ કારોબાર ટોમી ઊંઝા કરે છે. સિંધુ ભવન રોડ પર તેનો ભવ્ય બંગલો છે. જેનું ગેરકાયદે બાંધકામ આજે(21 માર્ચ, 2025) ટોમીએ જ હટાવડાવી દીધું છે. આ ઉપરાંત 5500 વારનો પ્લોટ પણ તેનો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે તેને ત્યાં અગાઉ લોકલ પોલીસ પહોંચી ત્યારે એક પોલીસ અધિકારી ત્યાં બેઠા હતા. જ્યારે એક અધિકારી સાથે તેણે વાત કરાવી દેતા પોલીસ પરત આવી હતી જે અંગેની વિગતો સૂત્રો જણાવે છે. બોબી પટેલ: કબૂતરબાજીનો કિંગ
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવવા મામલે અલગ અલગ રાજ્યમાં નોંધાયેલા ગુનામાં ફરાર ભરત ઉર્ફે બોબી પટેલ મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધનપુરા ગામનો રહેવાસી છે. ધો.12 પાસ થયા બાદ ભરતને તેના મામાએ અમેરિકા મોકલી આપ્યો હતો. ત્યાં તે કેલિફોર્નિયામાં તેના મિત્ર ઘનશ્યામ પટેલને ત્યાં ત્રણેક મહિના રોકાયો હતો. ત્યાંથી તે ન્યૂયોર્કમાં રહેતા ફોઇના દીકરા વિક્રમ ગણપતભાઇ પટેલને ત્યાં રહેતો હતો અને નોકરી કરતો હતો. ત્યાર બાદ તેણે ફલોરિડામાં મામીના મામા ભોગીલાલ શંકરલાલ પટેલ સાથે ભાગીદારીમાં ગેસ સ્ટેશન અને કરિયાણાની દુકાન બે વર્ષ સુધી ચલાવી હતી. કબુતરબાજીનું સૌથી મોટું નેટવર્ક ધરાવનાર બોબી પટેલને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના અનેક લોકોને જાળમાં ફસાવીને કરોડો રૂપિયા લઈને અમેરિકા મોકલનારો બોબી પટેલ હાલ જેલના સળિયા પાછળ છે. મનપસંદ જીમખાનાની જ્યારે વાત આવે ત્યારે ભાગ્યે જ કોઈને ખબર હોય છે કે બોબી પટેલ તેમાં ભાગીદાર છે. પરંતુ બોબી પટેલ વતી આખો કારોબાર પંકજ ખત્રી ઉર્ફે મુન્નો ચલાવતો હતો. બોબી પટેલની કરોડની મિલકત હોવાનું ચર્ચામાં છે ત્યારે તે જુગારના જીમ ખાનામાં પણ ભાગીદાર છે. આ પણ વાંચો: બોબી પટેલની ફિલ્મને ટક્કર મારે એવી રિયલ કહાની પંકજ ખત્રી ઉર્ફે મુન્નો: બોબી સાથે કબૂતરબાજી કરતો હતો
પંકજ ખત્રી ઉર્ફે મુન્નો બોબી પટેલના કબૂતરબાજીના રૂપિયા સેટ કરવા માટે તે અલગ અલગ જગ્યાએ ગોઠવણ કરતો હતો. જે તે સમયે તેણે મનપસંદ જીમ ખાનામાં ભાગીદારી કરી. જ્યારે મનપસંદ ક્લબ ટેક ઓવર કરવાની હતી ત્યારે તેણે ગામા પટેલ સાથે મિત્રતા કરી અને બોબી પટેલને ક્લબમાં ભાગીદાર બનાવવાની ગોઠવણ કરી હતી. બોબી પટેલની કબૂતરબાજીની આવકથી રોકાણ કર્યું હતું .મુન્નો ખત્રી તેના ચારિત્ર્યના કારણે ખૂબ બદનામ હતો એટલું જ નહીં તેણે અશાંત ધારાના મકાનો વેચનારાને મારીને ભગાડ્યા હતા. હતો. મુન્નો ખત્રી મનપસંદ ક્લબમાં ભાગીદાર બન્યો પણ બોબી સાથે કબૂતરબાજી કરતો હતો. પોલીસ તપાસમાં આ વાત સામે આવતા તે દેશ છોડીને ભાગી ગયો છે અને તેની સામે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કોર્નર નોટિસ ઇસ્યૂ કરી છે. મુન્નો ખત્રી ઘણા આઇપીએસ અધિકારીનો બાતમીદાર હતો એટલે તે ગમે તેમ ગોઠવણ કરી રૂપિયા ભેગા કરી લેતો હતો. તેણે ઘણી વખત પોતાના મિત્રોની જ બાતમી આપીને રોકડી કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલ તે વિદેશમાં છે અને તેને ભારતની પોલીસ શોધી રહી છે. ગોવિંદ પટેલ ઉર્ફે ગામો: પોલીસના કાર્યક્રમો જ ફંડિંગ
અમદાવાદમાં મનપસંદ ક્લબનું નામ આવે ત્યારે લોકો ગામાને જ ઓળખે છે કારણ કે ગોવિંદ પટેલ ઉર્ફે ગામો પોલીસમાં ખૂબ જાણીતું નામ છે અને પોલીસના નાના-મોટા કાર્યક્રમમાં તે ફંડિંગ કરતો હોવાથી પોલીસના તેના પર ચાર હાથ હોય તેવી ચર્ચાઓ પણ ખૂબ ચાલતી આવી છે. થોડા સમય પહેલા તેને ત્યાં SMCની રેડ થઈ હતી અને હવે આ બિલ્ડીંગ પણ તોડી પડાયું છે. આ બધાની વચ્ચે ગોવિંદ પટેલ ભૂતકાળમાં ક્લિન છબિ ધરાવતા એક અધિકારીનો ખાસ માણસ કહેવાતો હતો. તેણે પોલીસ માટે ઘણી વખત મહત્વની બાતમી મેળવવાનું કામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી તે મનપસંદ ક્લબ અને જીમખાના ચલાવી રહ્યો છે. ગામા સામે રાયોટીંગ અને જુગાર ધારાની કલમ હેઠળ ગુના નોંધાયા છે. રાજુ ઉર્ફે રાજુ ગેંડી રુપચંદ ક્રિષ્નાની: 23 વખત થઈ છે પાસા
રાજુ ઉર્ફે રાજુ ગેંડી રુપચંદ ક્રિષ્નાની(રહે- મ.ન.360 બી બગીચા પાછળ,સિંધી કોલોની સરદારનગર)નું દારુના ગુનામાં નામ સામે આવતું જ રહ્યું છે. તેણે ઘણી વખત દારૂની અદાવતમાં મારામારી કર્યા હોવાના બનાવો પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. રાજુ ગેંડીએ અનેકવાર કોર્ટમાં પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યા છે અને તેના લીધે મોટાભાગે તે પોલીસથી બચવામાં સફળ રહ્યો હતો. પરંતુ અત્યાર સુધીમાં તેની સામે 50 જેટલા ગુના નોંધાયા છે તેની સામે 23 વખત પાસા કરવામાં આવી છે. જ્યારે ત્રણ જેટલા મારામારીના ગુના માટે પકડાયો પણ છે. અગાઉ જીવલેણ હુમલામાં અને આર્મ્સ એક્ટમાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. સાવન નાથુભાઇ દીદાવાલા: 31 દારુના કેસ થઈ ચૂક્યા છે
સાવન નાથુભાઇ દીદાવાલા(રહે-માનનીય વાસ, એસ.ટી વર્કશોપ સામે, નરોડા પાટીયા) દેશી અને ઇંગ્લિશ દારુનું હબ ગણાતા સરદાર નગરમાં દારૂનો વેપાર કરીને આર્થિક રીતે સંપન્ન બન્યા છે. સરદાર નગરના નામચીન બૂટલેગરોમાં સૌથી મોટું નામ સાવનનું છે, સાવન સાથે સોનુ સિયા પિયાનું દારૂ કટીંગ કરવામાં અનેક વખત નામ સામે આવ્યું છે. સાવન સામે અત્યાર સુધી 31 જેટલા દારૂના ગુના નોંધાયા છે. જેની સામે બે વખત પાસા પણ થયેલી છે. માત્ર એટલું જ નહીં તેણે અગાઉ પોલીસ સામે એન્ટીકરપ્શનની રેડ પણ કરાવી છે. જેથી તે ઘણા પોલીસ કર્મચારીઓને ધમકાવીને પણ પોતાનો કારોબાર ચલાવતો હતો. તાજેતરમાં સરદાર નગરમાં તેની ગેરકાયદે દુકાન અને મકાન તોડી પાડવામાં આવ્યા છે. તે મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળી રહે છે.