અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ-અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે 19 માર્ચ, 2025ને બુધવારથી જ સરકારે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. સરકારની આ કામગીરી સામે કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સવાલ ઉઠાવ્યા છે અને ગૃહમંત્રીને ચેલેન્જ ફેંકી જાહેરમાં ચર્ચા કરે તો ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ તેઓ આપશે. એટલું જ નહિ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી આ કામગીરી માત્ર દેખાડો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગતવર્ષે વ્યાજખોરોના દરબાર આખા ગુજરાતમાં કર્યા હતાઃ ઇન્દ્રનીલ
કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું કે અમે ગુજરાતમાંથી ગુંડાગીરીને મટાવીને રહેશું. આ ભાજપનો ફરીવાર દેખાવાનો ખેલ છે. ગતવર્ષે વ્યાજખોરો માટેના દરબાર આખા ગુજરાતમાં કર્યા હતા પરંતુ હજુ વ્યાજખોરો બેફામ ફરી રહ્યં છે. આ કામગીરી ભાજપનો માત્ર દેખાડો છે. ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે. ભાજપને મત નથી લાવી દેતા, હપ્તા નથી આપતા, ભાજપ સરકાર કહે તે નથી કરી રહ્યા તેવા લોકો સામે કાર્યવાહી કરી સરકાર દેખાડો કરી રહી છે. ‘ભાજપને હપ્તા અને વોટ નથી આપતા માત્ર તેઓ સામે કાર્યવાહી’
વધુમાં ઉમેર્યું કે, આટલા બધા ગુનેગારો ગુજરાતમાં છે, આ વાત એ લોકોને ખ્યાલ હતો તો અત્યાર સુધી કેમ કાર્યવાહી ન થઇ? ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે. પોલીસને છુટ્ટો હાથ દે તો કોઈની હિંમત નથી કે ગુડાંગીરી કરે. રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઇ જાય. ‘ગૃહમંત્રીને જાહેરમાં ચર્ચા કરે તો લિસ્ટ આપવા તૈયાર છું’
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુંડાઓનું લિસ્ટ જોતું હોય તો ભાજપમાં જ નજર નાખે તો સાચા ગુંડા જોવા મળશે. જો ગૃહમંત્રી મારી સાથે જાહેરમાં ચર્ચા કરશે તો હું સાચા ગુનેગારોનું લીસ્ટ આપીશ. સાચી કામગીરી ત્યારે જ કહેવાય જ્યારે પોલીસ સ્ટેશનમાં સાચા હોય. સાચું હોય તેને સાચુ અને ખોટા હોય તેને ખોટું કહેવામાં આવે. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટ્રાચાર બંધ થશે, ત્યારે સાચી કામગીરી કરવામાં આવી કહેવાય. હાલમાં જે થાય છે એ માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રીને ચેલેન્જ આપુ છું મારી સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે આવો હું તમને ભાજપમાં રહેલા ગુંડાઓનું લીસ્ટ આપવા માટે તૈયાર છું. તમે તેમાં તપાસ કરીને આવા ગુંડાઓ સામે કાર્યવાહી કરો.