હોરર ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત ડિરેક્ટર વિક્રમ ભટ્ટ આ વખતે એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી વાર્તા લઈને આવ્યા છે. ‘તુમકો મેરી કસમ’ ફિલ્મ IVF ટેકનોલોજીના પ્રણેતા ડૉ. અજય મુર્ડિયાના જીવન પર આધારિત છે. આ ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પ્રેમ, સંઘર્ષ, વિશ્વાસઘાત અને કોર્ટરૂમ ડ્રામાનું જબરદસ્ત મિશ્રણ છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, ઇશ્વાક સિંહ, અદા શર્મા અને એશા દેઓલે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 45 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3 સ્ટાર રેટિંગ આપ્યું છે. ફિલ્મની વાર્તા શું છે? ડૉ. અજય મુર્ડિયા (અનુપમ ખેર) એ ભારતમાં IVF ટેકનોલોજીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી. આ ફિલ્મ તેમના સંઘર્ષ, મહેનત અને સફળતાની વાર્તા દર્શાવે છે. ઇશ્વાક સિંહે તેમના યુવાનીના દિવસોની ભૂમિકા ભજવી છે, જ્યાં તેમનો જુસ્સો અને મહેનત દેખાય છે. વાર્તામાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે ડૉ. મુર્ડિયા પર એક ગંભીર આરોપ મૂકવામાં આવે છે, જેનાથી તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી જોખમમાં મુકાય છે. ત્યારબાદ વાર્તા કોર્ટરૂમ ડ્રામાનું સ્વરૂપ લે છે, જ્યાં વકીલ (એશા દેઓલ) તેને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. આ ફિલ્મ ન્યાય અને સત્ય માટેની લડાઈને અસરકારક રીતે દર્શાવે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે? અનુપમ ખેરે પોતાના પાત્રમાં ઊંડાણ અને પ્રામાણિકતા દર્શાવી છે. તેમનો અભિનય દરેક દૃશ્યમાં પોતાની છાપ છોડી જાય છે. યુવાન ડોક્ટર મુર્ડિયા ભૂમિકામાં ઇશ્વાક સિંહે સારું કામ કર્યું છે. અદા શર્મા ડૉ. મુર્ડિયાની પત્ની ઇન્દિરાની ભૂમિકા ભજવે છે, જે હંમેશા તેમના પતિના સંઘર્ષમાં તેમની સાથે રહે છે. તેમનું પ્રદર્શન સારું રહ્યું છે. એશા દેઓલ એક મજબૂત વકીલ તરીકે દેખાય છે અને લાંબા સમય પછી પડદા પર પોતાની ઓળખ બનાવે છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે? વિક્રમ ભટ્ટે આ ફિલ્મને ભાવનાત્મક અને સસ્પેન્સથી ભરપૂર બનાવી છે. કોર્ટરૂમના દૃશ્યો પ્રભાવશાળી છે અને દર્શકોને જકડી રાખે છે. જોકે, કેટલાક દૃશ્યો ખૂબ લંબાવવામાં આવ્યા છે, જે ફિલ્મની ગતિ થોડી ધીમી પાડે છે. સિનેમેટોગ્રાફી સારી છે, પણ વાર્તાને વધુ કડક બનાવી શકાઈ હોત. કેટલાક દૃશ્યો લાંબા સમય સુધી ચાલે છે, ખાસ કરીને ફ્લેશબેક, જે ફિલ્મની ગતિને અસર કરે છે. કોર્ટરૂમ ડ્રામા રસપ્રદ છે, પરંતુ કેટલીક જગ્યાએ કાનૂની પ્રક્રિયાઓ વાસ્તવિકતાથી થોડી અલગ લાગે છે. ફિલ્મનું સંગીત કેવું છે? ફિલ્મનું સંગીત વાર્તા સાથે સારી રીતે મેળ ખાય છે પણ એક પણ ગીત એવું નથી જે લાંબા સમય સુધી યાદ રહે. વિક્રમ ભટ્ટની ફિલ્મોની ખાસિયત એ છે કે તેમની ફિલ્મોનું સંગીત યાદગાર રહે છે, પરંતુ આ ફિલ્મમાં આ વાતનો અભાવ છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. અંતિમ નિર્ણય: ફિલ્મ જોવાય કે જોવાય જો તમને પ્રેરણાદાયી વાર્તાઓ અને કોર્ટરૂમ ડ્રામા ગમે છે, તો ‘તુમકો મેરી કસમ’ જોવા જેવી ફિલ્મ છે. અનુપમ ખેર અને એશા દેઓલનો મજબૂત અભિનય, વિક્રમ ભટ્ટનું પ્રભાવશાળી ડિરેક્શન અને પ્રેરણાદાયી વાર્તા તેને રસપ્રદ બનાવે છે. જોકે તેની ધીમી ગતિ અને કેટલીક ખામીઓ તેને માસ્ટરપીસ બનતી રોકે છે, તેમ છતાં આ એક સારી ફિલ્મ છે.