શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચમહાલની સરકારી લૉ કોલેજના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું છે. વિદ્યાર્થીઓએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સનદ ન ફાળવવામાં આવતી હોવાની ફરિયાદ કરી છે. આ મામલે જાણવા મળ્યા મુજબ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ની નિરીક્ષણ ફી રૂ. 3,50,000 ભરપાઈ ન કરી શકવાને કારણે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. આ કોલેજ સરકારી ગ્રાન્ટેડ હોવાથી એડમિશન ફી ઓછી છે. જો કે, કોલેજ આટલી મોટી નિરીક્ષણ ફી ભરવાની ક્ષમતા ધરાવતી નથી. 2023-24ના વર્ષમાં LL.B પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ BCGમાં એનરોલમેન્ટ ફી ભરી હોવા છતાં તેમને પ્રોવિઝનલ સનદ નંબર આપવામાં આવ્યા નથી. આ વિદ્યાર્થીઓને AIBE-19ની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળી છે, જેનું પરિણામ ટૂંક સમયમાં આવનાર છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની આ એકમાત્ર સરકારી લૉ કોલેજ બંધ થવાની અણી પર છે. આના કારણે 600થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વિદ્યાર્થીઓએ માગ કરી છે કે, BCI અને BCG સાથે સંકલન કરીને એવો નિર્ણય લેવામાં આવે કે, જેથી તેમને સનદ મળે અને તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાઈ શકે. હવે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઊંચી ફી ભરીને અભ્યાસ કરવાની ફરજ પડશે. યુનિવર્સિટી અને કોલેજની ભૂલને કારણે વિદ્યાર્થીઓના કરિયરનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.