ઘણીવાર અમિતાભ બચ્ચનની ટ્વિટ તેમના ફેન્સની ચિંતા વધારી દે છે. થોડા સમય પહેલા, ‘બિગ બી’એ ટ્વીટ કરી હતી કે- હવે જવાનો સમય આવી ગયો છે. આ જોઈને તેમના ફેન્સ ચિંતિત થઈ ગયા હતા. આ વખતે અમિતાભ બચ્ચને તેમના પુત્ર સંદર્ભે ભેદી પોસ્ટ કરી. જેનાથી ફેન્સ ફરી મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને સાથે રમતિયાળ અંદાજમાં પૂછી રહ્યા છે કે- કહેના ક્યા ચાહતે હો? અમિતાભ બચ્ચનની વધુ એક ભેદી પોસ્ટ
અમિતાભ બચ્ચન ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના પુત્ર અભિષેકના વખાણ કરતા જોવા મળે છે. જો તેમને તેમના દીકરાની કોઈ ફિલ્મ ગમે છે, તો તે તેના વિશે લખવાનું અને પ્રેમ વરસાવવાનું ક્યારેય ચૂકતા નથી. આ બાપ-દીકરાની ચર્ચા સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં થાય છે. પરંતુ અમિતાભના તાજેતરના ટ્વીટ જોયા પછી, ફેન્સ મૂંઝવણમાં મૂકાયા છે. ‘બિગ બી’એ ટ્વીટર પર લખ્યું- મેરે બેટે, બેટે હોને સે મેરે ઉત્તરાધિકારી નહીં હોંગે, જો મેરે ઉત્તરાધિકારી હોંગે વો મેરે બેટે હોંગે. આગળ તેમણે કહ્યું કે- મારા પિતાના શબ્દો છે. અને આજે અભિષેક તે ભજવી રહ્યો છે. ‘બિગ બી’એ આ પ્રકારની પોસ્ટ કેમ કરી?
અભિષેકે તાજેતરમાં યુરોપિયન T-20 ક્રિકેટ લીગ સાથે હાથ મિલાવ્યો છે. તેઓ આ લીગના કો-ફાઉન્ડર અને પ્રમોટર છે. આ લીગ 15 જુલાઈથી યુરોપમાં શરૂ થઈ રહી છે, જેમાં ત્રણ દેશોની 6 ટીમો ભાગ લેશે. અમિતાભે આ નવી શરૂઆત અંગે તેમના પુત્ર અને ઉત્તરાધિકારી વિશે પોસ્ટ કરી. પરંતુ આ જોઈને યુઝર્સ મૂંઝવણમાં મુકાઈ જાય છે. યુઝર્સે ગ્રોકને પૂછ્યાં રમતિયાળ પ્રશ્નો
કેટલાક યુઝર્સે અમિતાભ બચ્ચનને તેમના ટ્વીટનો અર્થ પૂછ્યો, તો કેટલાકે Xના AI ચેટબોટ ‘ગ્રોક’ને ટ્વીટનો અર્થ પૂછ્યો. એક યુઝરે કહ્યું, ગ્રોક, શું તમે મને કહી શકો છો કે આ ટ્વીટનો અર્થ શું છે? બીજા યુઝરે લખ્યું કે, ગ્રોક અમિતાભ બચ્ચનના ઉત્તરાધિકારી બનવા માટે મારે શું કરવું જોઈએ? અન્ય યુઝરે ટ્વીટ કરી કહ્યું- કહેના ક્યા ચાહતે હો? ‘સર, તમે પુરુષપ્રધાન સમાજને મહત્ત્વ આપો છો!’
તે જ સમયે, એક યુઝરે અમિતાભને પૂછ્યું, સાહેબ, તમે શું કહેવા માંગો છો? તમે હરિવંશરાય બચ્ચન સરના ઉત્તરાધિકારી છો, તમારા ઉત્તરાધિકારી અભિષેક સર છે..!! અહીં સુધી બધું બરાબર છે, પણ ક્યાંક તમે હતાશ છો કે અભિષેક બચ્ચન સર તમારા ઘરમાં તમારા વંશને ક્યાં સુધી આગળ લઈ જશે કારણ કે તેમની એક પુત્રી છે. તમારા માટે, આજે પણ તમે પુરુષપ્રધાન સમાજને મહત્ત્વ આપો છો, આજે પણ તમે સ્ત્રીઓને પુરુષોની સમાન માનતા નથી… તમે અને તમારા વિચારો હજુ પણ એ જ યુગના છે જે યુગના તમે છો.