મૂળ રાજસ્થાનના અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના મોત મામલે આજે યુવકના પિતા રતનલાલ જાટ દ્વારા દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સમગ્ર મામલે હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ આક્ષેપ કરતા તેઓએ જણાવ્યું હતું કે, બનાવ હત્યાનો છે અને તેને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો છે. મારી એક જ માગ છે. મારા દીકરાને ન્યાય મળવો જોઇએ. હું ન્યાય માટે લડી રહ્યો છું અને સુપ્રીમ કોર્ટ સુધી લડીશ. આ તપાસમાં CBIને તપાસ સોંપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માગ છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા અકસ્માત સર્જી નાસી છૂટનાર બસ ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ જામીન પર મુક્ત થઈ ચૂક્યો છે. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારી તૈયારી
રતનલાલ જાટ એ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદની નકલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઈન્કવેસ પંચનામા નકલ સહિતના કાગળો લેવા માટે આવ્યો હતો. બોડીના ઈન્કવેસ પંચનામાની નકલ માંગવામાં આવી છે, જે લેવાની બાકી છે, જે હવે મળશે. ન્યાય માટે હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારી તૈયારી છે. CBI તપાસ થાય એ જ અમારી મુખ્ય માગ છે. CBI તપાસમાં જ સત્ય સામે આવી શકશે. બાકી પહેલાં શરૂઆતથી જ દીકરાને ઘરેથી નીકાળ્યો ત્યાંથી આગળ જે જે રસ્તા પર ચલાવવામાં આવ્યો ત્યાંના સીસીટીવી સામે આવ્યા, તેમાં તેને ગાડીમાં બેસાડીને લઇ જવામાં આવ્યો છે. કારણ કે એ વાત શક્ય જ નથી કે, દીકરો આટલે દૂર સુધી ચાલીને જઇ શકે. 60 કિલોમીટર ચાલી શકે એ શક્ય જ નથી. પગમાં ચપ્પલ પણ નથી. આટલા તડકામાં આ એટલું ચાલી જ ન શકે. 42 ઇજાના નિશાન છે તો એ ઇજા ક્યાંથી થઇ?
તેમને વધુમાં જણાવ્યું હતું કે, ઘણી બધી વાતો છે જે તપાસનો વિષય છે જેની તપાસ થાય તો જ સાચી વાત બહાર આવી શકે. મારા મનમાં એક જ સવાલ છે કે દીકરો UPSC તૈયારી કરતો હતો. હોશિયાર હતો. સીસીટીવી સામે જે રીતે ચાલે છે એ રીતે ચાલી ન શકે. એને ચલાવવામાં આવ્યો છે. માર મારીને ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યો છે. કપડાં ત્રણ વાર બદલવામાં આવે છે. ઘરેથી નીકળે ત્યારે અલગ કપડાં હતા. તે કપડાં ક્યાં છે એ હજુ સુધી સામે આવ્યું નથી. એ કપડાં મળ્યા નથી. વચ્ચે નિર્વસ્ત્ર હાલતમાં હતો. મંદિરમાં જે કપડામાં દેખાતો હતો એ કપડાં ક્યાં છે એ ખબર નથી. અમને કોઈ કપડાં બતાવ્યા નથી કે આપ્યા નથી. 42 ઇજાના નિશાન છે તો એ ઇજા ક્યાંથી થઇ સવાલ ઘણા બધા છે. આમાં અકસ્માત થયો તેવું કહેવામાં આવી રહ્યું છે. હું એનાથી સંતુષ્ટ નથી. હત્યા કરી તેને અકસ્માતનો રૂપ દેવામાં આવી રહ્યો છે. એટલે હું CBI તપાસની માગ કરું છું. ‘જયરાજસિંહના ઘરના સીસીટીવી અધૂરા છે’
પહેલાં દિવસથી મારી માગ છે કે, જયરાજસિંહના ઘરના સીસીટીવી જાહેર કર્યા એ અધૂરા છે. પુરા આપે એવી અમારી માગ છે. અમે એ ઘટના ભૂલી ગયા હતા અને અમે ઘરે આવી સૂઈ ગયા હતા. અમારે એમની સાથે કોઈ દુશમની નથી. દીકરો પણ સૂઈ ગયો હતો અને રાત્રે દીકરો ગાયબ થઇ જાય છે. કોઈના કોઈ વ્યક્તિએ તેને ઉઠાવી રાત્રે ચલાવ્યો છે. આટલે દૂર લઇ જઇ માર મારી અકસ્માતનો રૂપ આપ્યો છે. UPSCનો સ્ટુડન્ટ છે, 8 ધોરણ સુધી ગોંડલમાં ભણ્યો છે એમાં તે ટોપર હતો. જોધપુરની મિલેટ્રી હોસ્પિટલમાં એને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે તો કઈ રીતે તેની માનસિક સ્થિતિ ખરાબ છે એવું કહી શકાય. જે લોકો ન્યાયમાં મને સાથ આપી રહ્યા છે તે બધાનો હું આભાર માની રહ્યો છું. ‘હું પર્સનલી નિખિલ દોંગાને ઓળખતો નથી’
ઉલ્લેખનીય છે કે, ગુજસીટોકના ગુનામાં જામીન પર મુક્ત ગોંડલના નિખિલ દોંગા આ કેસમાં પાછળથી જાટ પરિવારને સપોર્ટ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ મામલે રતનલાલ જાટ એ જણાવ્યું હતું કે, મેં ન્યાય માટે બધાની મદદ માગી છે. મેં ન્યાયમાં જે લોકો સપોર્ટ કરે તેનો હું આભાર માનું છું. બાકી હું પર્સનલી નિખિલ દોંગાને ઓળખતો નથી. શું હતો સમગ્ર મામલો?
મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. યુવકના મોતને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, રાજકુમારનું અકસ્માતે મોત નહિ પણ હત્યા કરવામાં આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઈક ઊભું રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. ઉપરાંત તેના પુત્રની ગણેશ અને જયરાજસિંહે હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી. જાણો આ કેસ વિશે સંપૂર્ણ સમાચાર સિસ્ટમ સાચી કે મૃત પુત્રનો રોતો બાપ:PI-SPનાં નિવેદન અલગ, પિતાએ કહ્યું- ગણેશે બે લાફા માર્યા પછી ઓર્ડર આપ્યો ચાલુ પડી જાવ; પૂર્વ MLAનો રોલ નથીઃ પોલીસ ગોંડલથી રામધામ આશ્રમ પહોંચ્યો ત્યાં સુધીના CCTVની ટાઇમલાઇન CCTV-1 ઘરેથી નીકળ્યો CCTV-2 ભરૂડી ટોલનાકા પહોંચ્યો CCTV-3 રીબડા ચોકડી પહોંચ્યો CCTV-4 શાપર પહોંચ્યો CCTV-5 રાજકોટ-અમદાવાદ હાઈ-વે CCTV-6 આશ્રમમાં પહોંચ્યો CCTV-7 આશ્રમમાંથી બહાર નીકળ્યો અને 500 મીટર દૂર અક્સ્માત થયો