લંડનનું હીથ્રો એરપોર્ટ આજ રાત સુધી બંધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાં વીજળીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારે સવારે (ભારતીય સમય મુજબ) એક પોસ્ટમાં, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોને મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સાથે જ વધુ વિગતો માટે એ એરલાઇન્સનો સંપર્ક કરે, જેમા તેઓ મુસાફરી કરવાના હતા. એરપોર્ટ ઓથોરિટીએ પોસ્ટ કરી માહિતી આપી એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે એક X પોસ્ટ કરી
પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટને વીજળી પૂરી પાડતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે હીથ્રો ખાતે વીજળીની ભારે અછત છે. અમારા મુસાફરો અને સાથીદારોની સલામતી માટે હીથ્રો 21 માર્ચે રાત્રે 11.59 વાગ્યા સુધી બંધ રહેશે. એરપોર્ટ ઓથોરિટીએ વધુમાં લખ્યું છે કે, મુસાફરોને એરપોર્ટ ન જવાની અને વધુ માહિતી માટે તેમની એરલાઇનનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે. અસુવિધા બદલ અમને દુઃખ છે. એરપોર્ટના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, અગ્નિશામક દળ કામ કરી રહ્યો છે, પરંતુ વીજળી ક્યારે પુનઃસ્થાપિત થશે તે સ્પષ્ટ નથી. અમે પરિસ્થિતિને ઉકેલવા માટે અમારાથી બનતું બધું કરી રહ્યા છીએ. વીડિયો સામે આવ્યો… ઘણી ફ્લાઇટ્સ પહેલાથી જ ડાયવર્ટ કરવામાં આવી
ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 અનુસાર, ઘણી ફ્લાઇટ્સ પહેલાથી જ ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે એરપોર્ટ અધિકારીઓએ સમાચાર એજન્સી AFPને જણાવ્યું હતું કે તેમને આગામી દિવસોમાં નોંધપાત્ર વિક્ષેપની અપેક્ષા છે. દરમિયાન, સ્કોટિશ અને સધર્ન ઇલેક્ટ્રિસિટી નેટવર્ક્સે જણાવ્યું હતું કે, આગ નોર્થ હાઇડ સબસ્ટેશનમાં લાગી હતી અને કટોકટી સેવાઓ ઘટનાસ્થળે હાજર હતી. અમને ખબર છે કે હેયસ, હાઉન્સલો અને આસપાસના વિસ્તારોમાં (લંડનના) અમારા ઘણા ગ્રાહકો પર વ્યાપક વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. આગ લાગવાની જગ્યા ખાલી કરાવી દેવામાં આવી છે અને સ્થાનિક રહેવાસીઓ, અમારા સાથીદારો અને કટોકટી ટીમોની સલામતી અમારી ટોચની પ્રાથમિકતા છે. હીથ્રો યુરોપનું સૌથી વ્યસ્ત એરપોર્ટ
તમને જણાવી દઈએ કે હીથ્રો વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે. વૈશ્વિક ટ્રાવેલ ડેટા પ્રદાતા OAG દ્વારા 2024ના રેન્કિંગમાં તે 51 મિલિયનથી વધુ એર સીટ બુકિંગ સાથે ચોથા ક્રમે છે, જે પાછલા વર્ષ કરતા ચાર ટકા વધુ છે. ગયા વર્ષે પણ હીથ્રો યુરોપનું સૌથી વ્યસ્ત એરપોર્ટ હતું. ચિંતિત મુસાફરોએ ફરિયાદો કરી
દિવસભર વીજળી ગુલ થવાના અહેવાલોથી ચિંતિત મુસાફરોએ ફરિયાદો કરી હતી, જેમાંથી કેટલાકે વીજળી ગુલ થવાની ટીકા કરતા કહ્યું હતું કે એક મુખ્ય એરપોર્ટ આખો દિવસ બંધ રહે તે શરમજનક છે. બીજા એક મુસાફરે પાવર બેક-અપ અથવા જનરેટરના અભાવ અંગે સવાલ ઉઠાવ્યો, અને ત્રીજાએ રમૂજી રીતે બ્રુસ વિલિસ અભિનીત આઇકોનિક એક્શન ફિલ્મ શૃંખલા ‘ડાઇ હાર્ડ’ સાથે સમાનતા દર્શાવી.