એક સાથે નજીકમાં આવતાં 2થી 3 ટ્રાફિક સિગ્નલોમાંથી સળંગ વાહન પસાર થાય તેમ ટાઇમસેટ કરવા રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે અધિકારીઓને સૂચના આપી છે. સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ શહેરમાં 51 કરોડના ખર્ચે 215 અદ્યતન ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરાયા છે. જો કે, હાલમાં સૌથી મોટી સમસ્યા એક સાથે નજીકના અંતરમાં આવતા 2થી 3 ટ્રાફિક સિગ્નલો છે, જેના કારણે લોકોએ વારંવાર વાહનો ઊભા રાખવા સાથે માનસિક યાતના પણ ભોગવવી પડે છે. ઉપરાંત સમય અને ઇંધણનો બગાડ થતો હતો, જેથી આવા સિગ્નલો એક સાથે પસાર થઈ શકે તે રીતે ટાઇમ રિસેટ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી. ઉપરાંત ઓ.એન.જી.સી. બ્રિજ પર શનિ-રવિ કે રજાઓમાં લોકો વાહનો પાર્ક કરતા હોય છે, જેથી આ બ્રિજ પર ભારે વાહનો પસાર થતા હોવાથી મોટા અકસ્માતનો ભય રહે છે, જેથી આ અંગે સાઈન બોર્ડ લગાવીને લોકોને વાહનો પાર્ક ન કરવા તાકીદ કરવામાં આવી છે. આ બેઠકમાં પોલીસ કમિશનરે શહેરના દરેક ઝોન વિસ્તારમાં રિક્ષાઓ માટે નિયત કરેલા સ્ટેન્ડમાં સાઈન બોર્ડ, પાર્કિંગના પટ્ટા લગાવવા માટે પણ પાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી. રિક્ષાઓમાં હેવી સાઉન્ડ સિસ્ટમ રાખનારા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં પ્રતિબંધિત વિસ્તારોમાં ભારે વાહનો માટે સાઈન બોર્ડ લગાવવા પણ પાલિકાના અધિકારીઓને સૂચના અપાઈ હતી. ઘોડદોડ, પાલ ગેલેક્સી સર્કલ, અઠવાના સિગ્નલ રિસેટ કરી દેવાયા
શહેરમાં 215 ટ્રાફિક સિગ્નલ છે, જેમાં અત્યંત નજીકમાં 2થી 3 આવતા હોય તેવા ઘોડદોડ રોડ, પાલ ગેલેક્સી સર્કલ, અઠવાલાઇન્સ સર્કીટ હાઉસથી સીપી ઓફિસ સુધીના ટ્રાફિક સિગ્નલ પર ટાઇમીંગ સેટ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરની સુચના પછી ટ્રાફિક પોલીસ અને પાલિકાની ટીમ સર્વે કરી અન્ય સ્થળો પર નજીકમાં આવતા સિગ્નલો પર ટાઇમીંગ સેટ કરવાની કામગીરી હાથ ધરશે. જેથી શહેરીજનોને ભવિષ્યમાં થોડી રાહત મળશે. આગામી મહિનામાં ગભેણી-બુડિયા બ્રિજ ખુલ્લો મુકાશે
રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં નેશનલ હાઇવેના અધિકારીઓએ બુડિયા અને ગભેણી ઓવરબ્રિજની કામગીરી આગામી મહિનામાં પૂર્ણ થતાં ખુલ્લા મુકવામાં આવનાર હોવાની વિગતો આપી હતી, જેથી હાલ બ્રિજના કામને લઇ થતી તેમજ બ્રિજ શરૂ થતા હાલની ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જશે. જ્યારે કમિશનરે શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વિરુદ્ધ લેનમાં ચાલનારા ભારે વાહનો સામે પણ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.