સુરતના બે યુવાનો યુક્તા મોદી અને સતિશ સુતરીયા લક્ઝુરિયસ લાઈફ જીવવા અને વિદેશમાં સેટ થવાના ચક્કરમાં કાયદાને હાથમાં લઈ રહ્યા હતા. પરંતુ જિંદગીને શોર્ટકટથી સુખી બનાવવાના ચક્કરમાં તેઓ ATSના સકંજામાં આવી ગયા હતા. દુબઇ મારફતે ગેરકાયદેસર કેમિકલ મોકલી, બોગસ ઇન્વોઈસ બનાવી કસ્ટમ અને નાર્કોટિક્સ વિભાગની આંખમાં ધૂળ નાખી રહ્યા હતા. જોકે, ગુજરાત ATSએ આ રેકેટનો પર્દાફાશ કરી બંનેની ધરપકડ કર્યા બાદ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા અને તપાસને આગળ વધારી છે. વિદેશ જવાની તલપ, દુબઇમાં ઓફિસ અને ‘ડબલ ગેમ’
યુક્તા મોદી સુરત જિલ્લાના ઓલપાડની રહેવાસી છે. ભવ્ય જીવનશૈલી જીવવા માગતી હતી. તે વિદેશ પણ ઘણીવાર જઈ ચૂકી હતી. સતિશ સુતરિયાએ તો વિદેશમાં એક ઓફિસ પણ ખોલી દીધી હતી. દુબઇથી માલ મોકલ્યા બાદ ઇન્વોઈસ અને લેબલ બદલવામાં આવતા હતા. જેથી અસલી માલ છૂપાઈ રહે અને ગેરકાયદેસર નિકાસ શક્ય બને. ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ગ્વાટેમાલા અને મેક્સિકોની કંપનીઓને ભારતમાંથી પ્રતિબંધિત કેમિકલ મોકલી રહ્યા હતા. જે ફેન્ટાનિલ જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવામાં વપરાય છે. છેલ્લા ઘણા સમયથી યુક્તા મોદી ATSની રડારમાં હતી
પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઓલપાડના નામાંકિત મોદી પરિવારની દીકરી પ્રતિબંધિત ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયા બાદ હવે જિલ્લાભરમાં આ મુદ્દાને લઈને ભારે ચર્ચા શરૂ થઈ છે. ઓલડપાડમાં રહેતી યુક્તા મોદીના પિતા વ્યાજ ઉપર રૂપિયા આપવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. યુક્તાના કાકા અમરિશ મોદી ઓલપાડ ગામના સરપંચ રહી ચૂક્યા હતા. 8થી 10 વર્ષ સુધી તેઓ સરપંચ તરીકે રહ્યા હોવાને કારણે ઓલપાડમાં તેમનો પરિવાર ખુબ જાણીતો હતો. યુક્તા મોદી વિદેશમાં સેટલ થવા ઇચ્છતી હતી
યુક્તા મોદી કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા બાદ બીબીએ સુધી અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઓલપાડ ગામમાં તે વધુ વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહેતી ન હતી. પરંતુ આસપાસના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે, તેના સપના ખૂબ મોટા હતા અને તે વિદેશમાં સેટલ થવા ઇચ્છતી હતી. કોરોના કાળ પહેલાં તે અમેરિકા પણ જઈ આવી હતી. તેમજ દુબઈ સહિતના અલગ અલગ દેશોમાં પણ તે જઈ આવી હતી. ATS દ્વારા ભલે અત્યારે તેની ધરપકડ કરવામાં આવી હોય પરંતુ અંદાજે બે મહિના પહેલા પણ ATS દ્વારા તેને ડ્રગ્સ બાબતે જવાબ આપવા માટે બોલાવવામાં આવી હોવાની ચર્ચા છે. યુક્તા મોદી જવાબ પણ લખાવા જતી હોવાનું જાણવા મળ્યું છે. યુક્તાની માતાને પણ ATSએ જવાબ લખાવવા બોલાવી
ડ્રગ્સ કૌભાંડને લઈને અમેરિકા સરકારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો ATSને આપી હતી. જેના આધારે ATS દ્વારા કેટલાક વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી હોવાની ચર્ચા છે. પ્રતિબંધિત કેમિકલ મોકલનારા વ્યક્તિઓ ઉપર અમેરિકા નજર રાખી રહ્યું છે, ત્યારે ભારતમાં આ પ્રકારના કેમિકલ સપ્લાય કરી શકે તેવી શંકાના આધારે કેટલાક લોકોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. ATS દ્વારા પ્રતિબંધિત કેમિકલ્સ કયા દેશમાંથી મંગાવવામાં આવી રહ્યું હતું અને કોણ તેને સપ્લાય કરી રહ્યું હતું તેની આખી મોડસ ઓપરેન્ડીને તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. યુક્તા મોદીના પરિવારમાંથી તેની માતાને પણ ATS દ્વારા જવાબ લખાવવા માટે બોલાવવામાં આવી હોવાની સૂત્રો પાસેથી વિગતો મળી છે. ‘Vitamin C’ના નામે માલ, 70 ટકા નફો અને કરોડોની લેવડદેવડ
ATSની તપાસમાં જાણવા મળ્યું કે, યુક્તા અને સતિશની સુરતની ત્રણ મોટી કેમિકલ કંપનીઓ S.R., એથોસ અને અગ્રત આ ગેરકાયદેસર કારોબારમાં જોડાયેલી હતી. બોગસ ઇન્વોઈસ બનાવી કસ્ટમ વિભાગને મૂખ બનાવવામાં આવતું હતું. પાર્સલ પર ‘Vitamin C’ લખી હકીકતમાં ANPP અને NPP જેવા પ્રતિબંધિત કેમિકલ્સ મોકલતા હતા. આ સમગ્ર રેકેટમાં આરોપીઓને પ્રતિબંધિત કેમિકલ ખરીદીના ખર્ચ કરતા 60થી 70 ટકાનો નફો મળતો હતો. માત્ર થોડા જ મહિનાઓમાં અબજોપતિ બનવાનો પ્લાન હતો. કઈ રીતે ચાલતી હતી ગેરકાયદેસર ‘કેમિકલ ગેમ’?
ATSની તપાસમાં બહાર આવ્યું કે, યુક્તા પોતાની કર્મચારી દિશા પટેલ સાથે ફોન પર વાત કરતી અને કહેતી કે માલ દુબઈ મોકલવાનો છે. ત્યાંથી સરની કંપની ઇન્વોઈસ અને લેબલ બદલી દેશે. ગ્વાટેમાલા સુધી મોકલાઈ જશે. આપણને કોઈ વાંધો નહીં આવે. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, સર એટલે બીજું કોઈ નહીં સતિશ સુતરિયા જ છે. સતિશની દુબઇમાં એક ઓફિસ હતી. જ્યાંથી પ્રતિબંધિત કેમિકલના લેબલ્સ અને ઇન્વોઇસ બદલી તે માફિયા સાથે જોડાયેલી કંપનીઓ સુધી પહોંચાડતો હતો. બેંક ખાતામાં લાખોની હેરફેર પણ પૂછપરછમાં ‘યાદ નથી’
ATSએ તપાસ કરી ત્યારે આરોપીઓના ICIC બેંક ખાતામાં લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન બહાર આવી હતી. યુક્તા મોદીએ 9-9 લાખના ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા 36 લાખ ઉપાડી લીધા હતા. આટલી મોટી રકમ કઈ રીતે અને કોને આપવામાં આવીનું ATSએ પૂછતા જવાબમાં કહ્યું યાદ નથી. ‘કેમિકલ-ડ્રગ્સ માફિયા’નું નેટવર્ક? વધુ ધરપકડ શક્ય
હવે એ પ્રશ્ન ઉદ્ભવે છે કે, આ રેકેટમાં બીજા કોણ કોણ સામેલ છે? યુક્તા-સતિશ અગાઉ પણ આવા કેમિકલ્સ વેચી ચૂક્યા છે? હજી અન્ય સ્થળે પણ ડ્રગ્સ છુપાવવામાં આવ્યું છે? દુબઈની કંપની કોણ ચલાવે છે અને કોના સંપર્કમાં છે? ATSએ હૈદરાબાદની ‘અમિનો ઓર્ગેનિક’ કંપનીની તપાસ પણ શરુ કરી છે. કારણ કે આરોપીઓએ ત્યાંથી 30 કિલો પ્રતિબંધિત કેમિકલ મંગાવવાનો ઓર્ડર આપ્યો હતો પણ ATSના દરોડા પડતા પહેલાં જ ડીલ અધરમાં આવી ગઈ. વિદેશમાં ‘લક્ઝરી લાઈફ’ હવે જેલમાં ‘સળિયા’ પાછળ
એક તરફ યુક્તા અને સતિશ વિદેશમાં ‘સેટ’ થવાની તૈયારી કરી રહ્યા હતા તો બીજી તરફ ATSએ તેમનું ભવિષ્ય જેલમાં સેટ કરી દીધું! હવે દુબઈથી ગ્વાટેમાલા સુધીના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડની ફાઈલો ખુલી ગઈ છે અને વધુ પુરાવા એકત્રિત થઈ રહ્યા છે.