રાજકોટમાં આઝાદી કાળથી એટલે કે, વર્ષ 1946માં સદર વિસ્તારમાં વિરાણી હાઈસ્કૂલ કાર્યરત હતી. બાદમાં 1951માં શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય માટે સરકાર દ્વારા શહેરના ટાગોર રોડ ઉપર હેમુ ગઢવી હૉલની પાછળ રામકૃષ્ણનગરમાં 41,529 ચોરસ મીટરની અંદાજિત 1000 કરોડની જમીન શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવી હતી. જેમાંથી 1200 સ્ક્વેર મીટર જગ્યામાં ખાણી-પીણીની બજાર ઊભી થઈ ગઈ છે, તો ક્રિકેટ અને ફૂટબોલ માટે મેદાન ભાડે આપવામાં આવેલા છે. એટલે કે, કોમર્શિયલ હેતુ માટે આ મેદાનનો ઉપયોગ થાય છે. વર્ષ 2020માં અહીં આવેલી 5,733.69 ચોરસ મીટર જમીન વેચવા માટે નવા ટ્રસ્ટીઓ દ્વારા ચેરિટી કમિશનરમાં અરજી કરવામાં આવી હતી. જોકે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવેલી કાયદાકીય લડતને પગલે વહીવટી તંત્રએ આ જમીનને વહેંચી નહીં તેવો ચુકાદો આપ્યો. જે બાદ પશ્ચિમ મામલતદાર અને પ્રાંત અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે, શૈક્ષણિક હેતુ માટે આપેલી જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે, જેથી તેમાં શરત ભંગની કાર્યવાહી થઈ શકે. આ રિપોર્ટ હાલ કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવેલો છે. આ વચ્ચે વિરાણી હાઈસ્કૂલના મેદાનને બચાવવા માટે લડત ચલાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વિરાણી હાઇસ્કુલ મેદાનમાં ખાણી-પીણીની બજાર, ક્રિકેટ અને ફૂટબોલ કોટ તથા તગડી ફી વસૂલવા માટે ખાનગી કોલેજ ચાલી રહી છે, તે તમામ ગેરકાયદેસર છે. શરત ભંગ હોવાથી આ તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવવી જોઈએ. અહીં અગાઉ દેશી રમતો, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, મલખમ, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો જેવી રમતો રમાતી જે હાલ બંધ થઈ ગઈ છે અને તેથી અહીં ભણતા 500 થી વધુ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. જો આવું જ ચાલશે તો ભવિષ્યમાં વિરાણી હાઇસ્કુલનું મેદાન જ ખતમ થઇ જશે. જેથી વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, શરતભંગની કાર્યવાહી થાય, જમીન ખાલસા કરો અને ટ્રસ્ટીઓને ગેર લાયક ઠરાવવા માટેની અમારી માંગણી છે. 2020માં જમીનની શરતોનું ખોટું અર્થઘટન થયુઃ પુરૂષોત્તમ પીપળીયા
વિરાણી હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આ સ્કૂલના વેચાણને અટકાવતા રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંકના CEO અને જનરલ મેનેજર પુરૂષોત્તમ પીપળીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઇસ્કુલની કુલ જમીન 49,720 વાર હતી. એટલે કે, 41,529 ચોરસ મીટર. આ જમીન સનદ નમૂનો N હેઠળ આપવામાં આવી હતી. જેની શરતો હતી કે, આ જમીન માત્ર વિરાણી હાઈસ્કૂલ માટે છે, જેથી તેમાંથી કોઈ જ નફો રળી શકાય નહીં. આ ઉપરાંત વેચાણ કરી શકાય નહીં તેવી પણ શરતો હતી. આ પ્રકારની શરતો સાથે સરકાર દ્વારા 20, ડિસેમ્બર, 1951ના દુર્લભજી શામજી વિરાણીને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2020માં શરતોનું ખોટું અર્થઘટન કરી અને સનદનુ ખોટું અર્થઘટન કરી જમીનના કોઈ પણ દસ્તાવેજો પોતાની પાસે ન હોવા છતા શ્રેયાંશ વિરાણીએ કુલ જમીનમાંથી 5,733.69 ચોરસ મીટર જમીન વેચવા માટે ચેરિટી કમિશનરમાં અરજી કરી હતી. જે બાબત અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવતા તે બાબતે અમે પણ અરજી કરી હતી અને કલેક્ટર મારફત સરકારનું ધ્યાન દોર્યું હતું. આ જમીન ગ્રાઉન્ડ લેન્ડ છે. એટલે કે, સરકારની માલિકીની છે, જેથી સરકાર પણ વાંધાદાર તરીકે રહો. વિરાણી હાઈસ્કૂલની જમીનનું વેચાણ અટકાવવા માટે અમે પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચેરિટી કમિશનર સમક્ષ અરજી કરી હતી. અમે અરજી કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા. એટલે કે, ત્રાહિત વ્યક્તિઓ હતા, દાતાઓ ન હતા. જેથી અમારું તેમાં કોઈ હિત ન હોવાથી અરજી કાઢી નાખવામાં આવી હતી. પરંતુ કલેકટર દ્વારા જે અરજી કરવામાં આવી હતી તે ગ્રાહ્ય રાખવામાં આવી હતી. તેજ રીતે પ્રાંતમાં પણ કલેક્ટર કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં હતી, પરંતુ અમારા તરફથી કરવામાં આવેલી દલીલોને એડમીટ કરવામાં આવી હતી. જે દલીલોના આધારે વિદ્યાર્થીઓની તરફ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ‘ટ્રસ્ટીઓને ગેર લાયક ઠરાવવા માટેની અમારી માંગણી’
આ જમીનમાં સતા પ્રકાર K5 અને સતા પ્રકાર G મુકરર કરવામાં આવ્યો હતો. જ્યારે સતા પ્રકાર Cને રદ કરવામાં આવેલો હતો. એટલે કે, આ જમીન શૈક્ષણિક હેતુ માટે જ ઉપયોગ કરી શકાય અને સરકારી જમીન છે, તેવું ઠરાવવામાં આવ્યું હતું. વિરાણી હાઈસ્કૂલના મેદાનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે તે જગ જાહેર છે અને આસપાસના લોકો પણ તેનાથી કંટાળી ગયા છે. જે મૂળભૂત શરતો છે કે આ જમીનમાં નફો રળી શકાશે નહિ તેનો ભંગ થઇ રહ્યો છે. આ મેદાન ઉપર ખાણી-પીણીની આખી બજાર ઊભી થઈ ગઈ છે. આ ઉપરાંત કોમર્શિયલ ક્રિકેટ કોટ પણ છે અને ફી ઉઘરાવવામાં આવે છે, જેથી આ શરતોની વિરુદ્ધ છે. આ બાબતે કલેકટર અને પ્રાંત અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલું છે કે, વિરાણી હાઇસ્કુલ ટ્રસ્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, શરતભંગની કાર્યવાહી થાય, જમીન ખાલસા કરો અને ટ્રસ્ટીઓને ગેર લાયક ઠરાવવા માટેની અમારી માંગણી છે. ‘મેદાનમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ ન થઈ શકે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ત્યાં જે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે, તેનું એકાઉન્ટિંગ થતું હોય કે ન થતું હોય, પરંતુ ભાડે આપેલ છે કે ઉપયોગ કરવા આપેલ છે અથવા વિનામૂલ્યે આપેલ હોય તો પણ ભાડૂઆત તરીકેની આકારણી થાય તે જરૂરી છે. જે તારીખથી ભાડૂઆત તરીકે આવ્યા છે તે તારીખથી આકારણી કરવામાં આવે અને તે ટ્રસ્ટીઓ પાસેથી અંગત રીતે વસૂલ કરવામાં આવે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજની વાત કરીએ તો નફાની વૃત્તિવાળી કહી શકાય. કારણ કે તેમાં પણ તગડી ફી ઉઘરાવવામાં આવતી હોય છે. જેથી મારી દ્રષ્ટિએ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ ન થઈ શકે અને કોલેજ તો તે એટલા માટે ન થઈ શકે કે મૂળ શરતોમાં વિરાણી હાઇસ્કુલ એવો શબ્દ ઉપયોગ કરવામાં આવેલો છે. વિરાણી હાઇસ્કુલમાં અમે વિદ્યાર્થી તરીકે હતા, ત્યારે દેશી રમતો, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, મલખમ, ઊંચો કૂદકો અને લાંબો કૂદકો આ તમામ પ્રકારની રમતો આ મેદાનમાં અગાઉ રમાતી હતી. જોકે હવે તેમાની એક પણ રમતો અહીં રમાતી નથી અને માત્ર આ મેદાનનો કોમર્શિયલ ઉપયોગ જ થઈ રહ્યો છે. જે મારી દ્રષ્ટિએ દુખદ છે અને તે ન થવું જોઈએ. પહેલા શાળાનું મેદાન માત્ર વિદ્યાર્થીઓ માટે હતુઃ કુલદીપ કોટક
જ્યારે અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી કે જે વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવવા માટે લડતમાં ઉતર્યા હતા, તેવા કુલદીપ કોટકે જણાવ્યું હતું કે, હાલ હું બેંકમાં ક્લાર્ક તરીકે કામ કરું છું. હું વર્ષ 2006-07માં વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો તે વખતે માહોલ એટલો સારો હતો કે રમત-ગમતના સ્પેશિયલ લેક્ચર લેવામાં આવતા હતા. અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ અને કબડ્ડી ઉપરાંત પી. ટી.નો લેક્ચર પણ લેવામાં આવતો હતો. તે વખતે વિરાણી હાઈસ્કૂલનું મેદાન ખૂબ જ વિશાળ હતુ અને તેથી ત્યાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ જ રાજીપો અનુભવતા હતા. તે વખતે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં કોઈપણ જાતની કોમર્શિયલ પ્રવૃતિઓ થતી ન હતી. શાળાનું મેદાન માત્ર વિદ્યાર્થીઓ માટે હતું. જોકે અત્યારે મેદાન ભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કોમર્શિયલ હેતુ માટે મેદાનનો ઉપયોગ થઈ રહ્યો છે. આજ રીતે વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં ધીમે ધીમે કોમર્શિયલ ઉપયોગ થવા લાગશે તો ગ્રાઉન્ડ નાનું થઈ જશે અને તેથી રમત ગમતની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ નહીં કરી શકે. ભવિષ્યમાં એવું પણ બને કે વિરાણી હાઈસ્કૂલનું માત્ર અભ્યાસનું બિલ્ડિંગ જ રહે અને આજુબાજુનું તમામ મેદાન કોમર્શિયલ ભાડે આપી દેવામાં આવે. વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થાય તેમ છે. આજ રીતે રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએ જે રમત-ગમતના મેદાનો આવેલા છે ત્યાં પણ જે કબજો થયો છે તે વહીવટી તંત્ર અને સરકાર દ્વારા દૂર થવો જોઈએ. 1200 સ્ક્વેર મીટર જગ્યાનો કોમર્શિયલ ઉપયોગઃ મામલતદાર
આ બાબતે રાજકોટ પશ્ચિમ મામલતદાર અજિત જોશીએ જણાવ્યું હતુ કે, વિરાણી હાઇસ્કુલ મેદાનમા અંદાજે 1200 સ્ક્વેર મીટર જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. શિક્ષણના હેતુ માટે આપવામાં આવેલી જમીનનો કોમર્શિયલ યુઝ થઈ રહ્યો છે તે બાબતનો રિપોર્ટ પ્રાંત અધિકારીને આપવામાં આવ્યો છે. આ બાબતે પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે જણાવ્યું હતુ કે, વિરાણી હાઇસ્કુલ જમીનનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હોવાથી શરત ભંગની કાર્યવાહી કરવાની થાય છે, તેવો રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો છે. જેથી હવે કલેકટરના દિશા નિર્દેશ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 2019માં જમીન વેચવા કઢાતા વિદ્યાર્થીઓએ લડત આપી હતી
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2019માં વિરાણી હાઈસ્કૂલની જમીન જે તે વખતના ટ્રસ્ટીઓ દ્વારા વેચવા કાઢવામાં આવી હતી. જેની સામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે વાંધો ઉઠાવ્યો હતો. ચેરિટી કમિશનર સમક્ષ વાંધો ઉઠાવવાની સાથે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ પણ રજૂઆત કરી હતી. તે વખતે અમારી રજૂઆત હતી કે વિરાણી હાઈસ્કૂલની જમીન સરકારી માલિકીની છે, જેથી તે વેચી ન શકાય અને તેથી જ કલેક્ટર દ્વારા કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો
આ રજૂઆતને ધ્યાનમાં રાખીને કલેકટર પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની કાનૂની કાર્યવાહીમાં જોડાયા હતા. ચેરિટી કમિશનર સમક્ષ જમીન વેચવા માટે થયેલી પ્રક્રિયા પણ રજૂઆત બાદ રદ કરવામાં આવી હતી. જેથી આ જમીન સરકારી માલિકીની છે, તેવો અમારો દાવો હતો અને આ સાથેનો કેસ પ્રાંત અધિકારી સમક્ષ ચાલી રહ્યો હતો. આ સાથે કલેકટર દ્વારા પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા અમારી તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. તેનાથી નારાજ થઈને વિરાણી હાઇસ્કુલના નવા ટ્રસ્ટીઓ દ્વારા હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. તેમાં તેઓની એવી રજૂઆત હતી કે સ્થાનિક કક્ષાએથી અમોને સાંભળવામાં આવ્યા નથી. જેથી હાઇકોર્ટ દ્વારા નવા ટ્રસ્ટીઓને સાંભળવા માટે પ્રાંત અધિકારીને આદેશ અપાયો હતો. ‘કલેક્ટર તંત્રએ કોમર્શિયલ પ્રવૃતિઓ બંધ કરાવવી જોઈએ’
પ્રાંત અધિકારીએ બીજી વખત આપેલા ચુકાદામાં પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જીત થઈ અને વિરાણી હાઇસ્કુલની 49720 વાર એટલે કે, હાલની અંદાજિત કિંમત મૂજબ 1000 કરોડની જમીન પર સંપૂર્ણ માલિકી સરકારની હોવાનુ ઠરાવવામાં આવ્યુ. જેથી આ જમીનનો કોઈપણ ભાગ હવે ભાડે આપી શકાશે નહીં અને નફો મેળવી શકાશે નહીં. હાલ વિરાણી હાઇસ્કુલ મેદાન પરની આ જગ્યા ઉપર ખાણી-પીણીના સ્ટોલ સાથેની કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે ગેરકાયદેસર છે, તેથી કલેક્ટર તંત્ર દ્વારા કોમર્શિયલ પ્રવૃતિઓ બંધ કરાવવી જોઈએ. આઝાદીકાળ બાદ નવુ એકપણ મેદાન ન મળ્યું, જૂના 5 છીનવાયા
આઝાદીકાળ બાદથી અત્યાર સુધીમાં રાજકોટમાં નવું એકપણ મેદાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું નથી. જુના મેદાન જેમ કે, આઝાદી પૂર્વેનું આલ્ફ્રેડ હાઈસ્કૂલનું મેદાન છે તો ત્યાં ગાંધી મ્યુઝિયમ બની ગયું છે. કરણસિંહજી હાઈસ્કૂલમાં છે મેદાન હતું ત્યાં પણ સ્વામિનારાયણ સંસ્થાને મેદાન આપવામાં આવ્યું છે અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું છે. ચૌધરી હાઈસ્કૂલનું મેદાન પણ વારંવાર ભાડે આપવામાં આવે છે. રેસકોર્સ મેદાન પણ ભાડે આપવામા આવી રહ્યુ છે. જ્યારે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં પણ ગ્રાઉન્ડ ફરતે દિવાલ ઊભી કરી દેવામાં આવતા રમત-ગમતની પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે, તેમાં વિરાણી હાઇસ્કુલ મેદાનનો હવે ઉમેરો થયો છે. આ છે વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ
1. શ્રેયાંશ વિરાણી
2. ગુણવંત ભાદાણી
3. જયંતિ રામાણી
4. રાજકોટીયા દંપતી
5. ચોવટીયા