સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામમાં IPS અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ડાયરેક્ટર રવિન્દ્ર પટેલના ઘરે તેમજ ગલોડિયા ગામમાં રહેતા તેમના સાળાના ઘરે SEBI દ્વારા શેરબજારમાં નાણાકીય લેવડદેવડ મામલે તપાસ કરવામાં આવી હતી. જે તપાસનો રેલો IPS અધિકારીના વહિવટકર્તાના ઘર સુધી પહોંચ્યો હતો. SEBIને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં IPS રવિન્દ્ર પટેલની સંડોવણી બહાર આવી હતી. જેને લઈને SEBI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ તપાસ અંતર્ગત વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભદારા ગામમાં રહેતા IPSના વહિવટકર્તા સલિમ મલેકના વૈભવી બંગલોમાં વહેલી સવારે વડુ પોલીસના બંદોબસ્ત સાથે SEBI દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ભદારા ગામમાં રહેતા સલિમ ઉમરભાઈ મલેક IPS રવિન્દ્ર પટેલના નાણાકીય વ્યવહારોનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. એતો ઠીક સલિમ મલેક IPS રવિન્દ્ર પટેલના નિવૃત્ત IPS પિતાના પણ નાણાકીય લેવડદેવડનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. એવી પણ વિગત મળી છે કે, IPS રવિન્દ્ર પટેલે સલિમ મલેક મારફતે ખેતી લાયક જમીનમાં પણ મોટાપાટે રોકાણ કર્યું છે. SEBIને તપાસ દરમિયાન ઉક્ત તમામ વિગતો હાથ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, SEBIએ તપાસ પૂરી કર્યા બાદ સલિમ મલેક પાસે સહીઓ કરાવી હતી. સહીઓ કરતા સલિમ મલેકને અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો. SEBI દ્વારા વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડતા સલિમ મલેક ઘરમાં ઉંઘતો મળી આવ્યો હતો. SEBIએ દરોડા પડતા ભદારા ગામ સહિત તાલુકામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, ભદારા ગામમાં SEBI દ્વારા એક મકાનમાં તપાસ કરવામાં આવી હતી. જે માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. આ ગુપ્ત તપાસની વધુ માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો.