તેલંગાણા પોલીસે એક્ટર વિજય દેવરાકોંડા વિરુદ્ધ સટ્ટાબાજીની એપને પ્રોત્સાહન આપવા બદલ કેસ નોંધ્યો હતો. હવે એક્ટરની ટીમે FIR પર પ્રતિક્રિયા આપી છે. ટીમ દ્વારા એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટર ફક્ત કાયદેસર ઓનલાઈન ગેમ્સને સમર્થન આપે છે, ગેરકાયદે સટ્ટાબાજીને નહીં. વિજયની ટીમનો દાવો છે કે તે થોડા સમય માટે કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને તે ફક્ત કાનૂની ગેમ્સને સમર્થન આપે છે. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, જનતા અને તમામ સંબંધિત પક્ષોને જાણ કરવામાં આવે છે કે વિજય દેવરાકોંડા પાસે મર્યાદિત સમયગાળા માટે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનો ઓફિશિયલ કોન્ટ્રાકટ હતો. તેમનું ઍન્ડોર્સમૅન્ટ ફક્ત એવા ક્ષેત્રો અને પ્રદેશો સુધી મર્યાદિત હતું જ્યાં ઓનલાઇન સ્કિલ-આધારિત ગેમ્સને કાયદેસર રીતે મંજૂરી છે. પ્રેસ રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે દેશની માનનીય સુપ્રીમ કોર્ટે વારંવાર સ્કિલ આધારિત ગેમ્સ, જેમાં રમી જેવી ઓનલાઈન રમતોનો સમાવેશ થાય છે, તેને બેટિંગ અથવા ગેમિંગથી અલગ ગણાવી છે. કોર્ટે ઠરાવ્યું છે કે આવી રમતોમાં તક કરતાં સ્કિલની જરૂર હોય છે, અને તેથી તે કાયદેસર રીતે સ્વીકાર્ય છે. તેલંગાણાના સાયબરાબાદના મિયાપુર પોલીસે 32 વર્ષીય બિઝનેસમેન ફણીન્દ્ર શર્માની ફરિયાદ બાદ કેસ નોંધ્યો છે. તેણે તમામ સેલેબ્સ પર સટ્ટાબાજીની એપ્સને પ્રમોટ કરવાનો અને લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. એવો આરોપ છે કે આ રીતે સટ્ટા એપને પ્રોમોટ કરવી એ જુગાર ઉપકરણો અધિનિયમ 1962 વિરુદ્ધ છે. જે 25 સેલેબ્સ સામે કેસ નોંધાયા હતા એમાં 6 સાઉથ સિનેમાના સુપરસ્ટાર્સ હતા. 19 માર્ચે, તેલંગાણા પોલીસે એક્ટર પ્રકાશ રાજ, વિજય દેવરાકોંડા, મંચુ લક્ષ્મી અને નિધિ અગ્રવાલ અને રાણા દગ્ગુબાતી સહિત 25 સેલિબ્રિટી અને ઇન્ફલુએન્સર સામે કેસ નોંધ્યો. થોડા દિવસો પહેલાં જ પંજાગુટ્ટા પોલીસે 11 ફિલ્મી હસ્તી અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર સામે કેસ નોંધ્યા હતા, જેમાં કિરણ ગૌર, વિષ્ણુ પ્રિયા, શ્યામલા, ઇમરાન ખાન, રિતુ ચૌધરી, હર્ષ સાઈ, ટેસ્ટી તેજા અને બંડારૂ શેષાયની સુપ્રીતાનો સમાવેશ થાય છે. તેમની સામે BNSની કલમ 318 (4), 3, 3 (A), 66 D ITA (આવકવેરા અધિનિયમ) એક્ટ-2008 અને તેલંગાણા ગેમિંગ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.