એવી વ્યક્તિ જે એક્ટિંગ પણ કરી શકે છે. લોકોને તે પોતાના ઈશારા પર નચાવી પણ શકે છે. આ ઉપરાંત, તે ઇન્ડસ્ટ્રી માટે કેટલીક શાનદાર ફિલ્મો પણ બનાવી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ કોરિયોગ્રાફર-ડિરેક્ટર અહમદ ખાન વિશે. તેમણે શેખર કપૂરની આઇકોનિક ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવી હતી. જીવનના શરૂઆતના તબક્કામાં બધું બરાબર હતું. બધી સુવિધાઓ હતી. પછી એક સમય એવો આવ્યો જ્યારે બધું જ વિખેરાઈ ગયું. એક સમયે કારમાં મુસાફરી કરતા અહમદ પાસે પછી સેટ પર જવા માટે પણ પૈસા નહોતા. તેમણે દિગ્ગજ કોરિયોગ્રાફર સરોજ ખાનની સાથે રહીને ડાન્સ શીખવવાનું શરૂ કર્યું. નાની ઉંમરે એક મહાન કોરિયોગ્રાફર બન્યા. એક સમય એવો આવ્યો જ્યારે તે કોરિયોગ્રાફીથી કંટાળી ગયા. પછી તે ફિલ્મ ડિરેક્શનમાં આવ્યા. ‘લકીર’, ‘હીરોપંતી’ અને ‘બાગી’ જેવી ફિલ્મો બનાવી. આ વર્ષે તે 34 એક્ટર્સ સાથેની “વેલકમ ટુ ધ જંગલ” પણ લાવી રહ્યા છે. આજે સક્સેસ સ્ટોરીમાં, અહમદ ખાનની વાર્તા… ઓડિશન વિના જ ‘મિસ્ટર ઇન્ડિયા’ માટે પસંદગી ‘મેં નાની ઉંમરે જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. હું 11 વર્ષનો હતો અને પુણેમાં એક શોમાં પરફોર્મ કરી રહ્યો હતો. ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ની ટીમ ત્યાં આવી હતી. તેમણે મને ત્યાં જોયો અને ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવવા માટે મને પસંદ કર્યો. તેમણે મને કોઈ પણ ઓડિશન વગર, ફક્ત મારો ડાન્સ જોઈને કાસ્ટ કર્યો. પછી હું ફિલ્મના ડિરેક્ટર શેખર કપૂરજીને મળ્યો. તે સમયે, ફક્ત દૂરથી સ્ટાર્સને જોવા એ મોટી વાત હતી.’ પિતાના કારણે સેલિબ્રિટીઓ ઘરે આવતા હતા ‘જ્યારે હું પહેલી વાર શૂટિંગ માટે ફિલ્મ સિટી ગયો ત્યારે અનિલ કપૂર અને શ્રીદેવી જેવા સ્ટાર્સને ત્યાં જોઈને હું દંગ રહી ગયો. જોકે એવું નહોતું કે હું ફિલ્મ સ્ટાર્સથી પરિચિત નહોતો. મારા પિતા પહેલા જોકી(ઘોડેસવાર) હતા. મહાલક્ષ્મી રેસકોર્સ નજીકમાં હતો. ઘણી હસ્તીઓ ત્યાં ઘોડેસવારી જોવા આવતી હતી. ત્યાંથી પાછા ફરતી વખતે તે મારા ઘરે પણ આવતા. મારા બિલ્ડિંગના લોકો પણ વિચારતા હતા કે આ લોકો કોણ છે, જેમના ઘરે આટલી બધી સેલિબ્રિટીઓ આવે છે.’ ડાન્સિંગ અને રમતગમતને ગંભીરતાથી લેવામાં આવતા નહોતાં ‘જ્યારે મેં ડાન્સ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે વખતે આ બધી બાબતોને બહુ ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. રમવા-કૂદવાને ખરાબ માનવામાં આવતું હતું. માતાપિતા પણ આ બધા વિશે બહુ જાગૃત ન હતા. તે સમયે કંઈક જોવા અને શીખવા માટે કોઈ YouTube ચેનલો નહોતી. મારી અંદર ડાન્સિંગની જે પણ સ્કિલ હતી, તે મેં જાતે ડેવલપ કરી હતી.બાકીની કેટલીક આવડત જન્મજાત હતી’ ‘માતા સરોજ ખાનની મિત્ર હતી, તેણે મને તેમની પાસે મોકલ્યો’ ‘મારી માતાને સૌ પ્રથમ ખ્યાલ આવ્યો કે, હું ડાન્સિંગમાં કંઈક અલગ કરી શકું છું. મારી માતા પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનની મિત્ર હતી. તેણે મારા વતી તેમની સાથે વાત કરી. આ પહેલા સરોજ ખાનજીએ મારું એક પરફોર્મન્સ જોયું હતું. હું એકવારમાં 11 વાર બેક સ્પિન (નૃત્યનો એક પ્રકાર) કરી શકતો હતો. સરોજજીએ મને તેમની પાસે બોલાવ્યો, પણ તેમને મારા પર વિશ્વાસ નહોતો. તેમને લાગતું હતું કે હું તેમની સાથે થોડા દિવસ કામ કરીશ અને પછી પાછો જતો રહીશ.’ 16 વર્ષની ઉંમરે સરોજ ખાનના આસિસ્ટન્ટ બન્યા ‘સરોજજી તે સમયે અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ ‘અકેલા’ના ડાન્સ કોરિયોગ્રાફર હતા. આ ફિલ્મ માટે તેણે 5-6 આસિસ્ટન્ટ રાખ્યા હતા. મને પણ આસિસ્ટન્ટ તરીકે લેવામાં આવ્યો. તે સમયે મારી ઉંમર માત્ર 16 વર્ષની હતી.16 વર્ષની ઉંમરે સરોજ ખાનના આસિસ્ટન્ટ બનવું એ પોતાનામાં જ એક મોટી વાત હતી. તે સમયે કલાકારોને ડાન્સ શીખવવો સરળ નહોતું. હું મોર્ડન ડાન્સ મૂવ્સ શીખવતો હતો, તેથી મને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પછી શાહરુખ, આમિર, સલમાન અને અક્ષયનો સમય આવ્યો. તે બધા સારા ડાન્સર હતા,મને પણ તેમને શીખવવામાં મજા આવવા લાગી.’ મારા જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. ભલે હું પૈસા કમાઈ રહ્યો ન હતો, પણ મારા પિતાના કારણે મને કોઈ પણ વસ્તુની કમી નહોતી. અચાનક અમારા જીવનમાં ભૂકંપ આવ્યો. માતાપિતાના છૂટાછેડા થઈ ગયા. હું મારી માતા સાથે રહેવા લાગ્યો. માતા સ્વતંત્ર રહી. તેણે તેના પિતા પાસેથી મદદ લેવાની ના પાડી. તે મને એકલા હાથે ઉછેરવા લાગી ઘરે પહોંચવા માટે ટ્રકની પાછળ લટકવું પડ્યું ‘હવે, પરિસ્થિતિ એવી થઈ ગઈ કે મારી પાસે સ્ટુડિયોથી ઘરે જવા માટે પણ પૈસા નહોતા. ક્યારેક લોકો પાસે લિફ્ટ માગીને ઘરે જતો હતો. ક્યારેક ટ્રક પાછળ લટકીને ઘરે જતો. હું એક અમીર પિતાનો ગરીબ પુત્ર બની ગયો. નોકર – ચાકરો અને ગાડીઓ પરથી સીધો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર આવી ગયો. મારા પિતાનો આભાર કેમ કે, મને ખબર નહોતી કે રિક્ષા કે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી કેવી હોય છે.’ 20 વર્ષની ઉંમરે ફિલ્મફેર એવોર્ડ મળ્યો ‘સમય 1995નો હતો. મને આમિર ખાન અભિનિત અને રામ ગોપાલ વર્મા દિગ્દર્શિત ફિલ્મ ‘રંગીલા’ કોરિયોગ્રાફ કરવાની તક મળી. તે સમયે હું 20 વર્ષનો હતો. મેં ફિલ્મની મુખ્ય અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને નૃત્ય શીખવ્યું. ફિલ્મનાં બધાં ગીતો ખૂબ જ હિટ થયા. મને બેસ્ટ કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર નોમિનેશન મળ્યું. તે સમયે, નોમિનેશન મેળવવું એ મોટી વાત હતી.’ ‘એવોર્ડના દિવસે સવારે, હું મસ્તમૌલા બની ફૂટબોલ રમી રહ્યો હતો. મને અપેક્ષા પણ નહોતી કે એવોર્ડ મળશે. સાંજે, મરૂન બ્લેઝર અને ડેનિમ જીન્સ પહેરીને શોમાં પહોંચી ગયો. જ્યારે સ્ટેજ પરથી મારા નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે હું સુન્ન થઈ ગયો. મને વિશ્વાસ જ નહોતો આવતો કે મેં ફિલ્મફેર એવોર્ડ જીત્યો છે. મને પ્રભુદેવા તરફથી એવોર્ડ મળ્યો, તે પણ વિચારી રહ્યા હતા કે આ 20 વર્ષનો છોકરો કોણ છે? હું સૌથી નાની ઉંમરે આ એવોર્ડ મેળવનાર પહેલો છોકરો હતો.’ લગ્ન પછી, કોરિયોગ્રાફી છોડી દીધી અને ડિરેક્શનમાં આવ્યા ‘મારા લગ્ન 22 વર્ષની ઉંમરે થયા. 27 વર્ષની ઉંમરે એક બાળક થયું. જવાબદારીઓ વધી ગઈ હતી. મેં વિચારવાનું શરૂ કર્યું કે હું મારી જાતને ફક્ત કોરિયોગ્રાફી સુધી કેમ મર્યાદિત રાખી રહ્યો છું? પછી મારી પત્નીએ મને ડિરેક્શનના ફિલ્ડમાં ઉતરવાની સલાહ આપી. મેં તે સમયે નક્કી કર્યું હતું કે હું ડાન્સ ફિલ્મ નહીં બનાવું. તમે જુઓ, બધા કોરિયોગ્રાફરો જે આગળ જઈને ડિરેક્ટર બન્યા છે તેમણે ચોક્કસપણે ડાન્સ અથવા મ્યુઝિકલ મૂવી બનાવી છે. મેં નક્કી કર્યું હતું કે હું એક્શન ફિલ્મો બનાવીશ.’ ‘પોતાની પહેલી ફિલ્મ લકીર (2004) બનાવી. ફિલ્મ બનાવતાં પહેલાં મેં સની દેઓલ સાથે વાત કરી હતી. તેમણે તરત જ ફિલ્મ કરવા માટે સંમતિ આપી દીધી. આ પછી સુનીલ શેટ્ટીને કાસ્ટ કરવામાં આવ્યા. તેમણે સૂચન કર્યું કે જોન અબ્રાહમને ફિલ્મમાં કાસ્ટ કરવો જોઈએ. પછી મેં ફિલ્મમાં જોન અને સોહેલ ખાનને લીધા. સોહેલ મારો મિત્ર પણ હતો. ફિલ્મના સંગીત પર મહાન કલાકાર એ.આર. રહેમાને કામ કર્યું હતું. આ રીતે, બધાના સહયોગથી, પહેલી ફિલ્મ બની. તે ભલે ન ચાલી, મેં મારું સંપૂર્ણ ધ્યાન ડિરેક્શન પર કેન્દ્રિત કર્યું, જે આજે પણ ચાલુ છે.’ ‘વેલકમ ટુ ધ જંગલ’માં 34 કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે ‘આ મારી કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ છે. મારી વાત છોડો, તમે તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફિલ્મ કહી શકો છો. આ ફિલ્મમાં 34 કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ મને કહ્યું, અહમદ, તમારે આ ફિલ્મમાં ફક્ત એવા કલાકારોને જ કાસ્ટ કરવા જોઈએ જેમને લોકો નામથી ઓળખે છે. એક પણ એક્ટર એવો ન હોવો જોઈએ જેના વિશે લોકોને જણાવવું પડે.’ ‘ફિલ્મના કાસ્ટિંગ દરમિયાન સૌથી ખાસ વાત એ હતી કે, આ ફિલ્મમાં અગાઉથી જ ઘણા એક્ટર કામ કરી રહ્યા હતા છતાં કોઈ પણ એક્ટરે એવું કહ્યું નહીં કે તે આ ફિલ્મમાં કામ નહીં કરે. સ્ક્રીન ટાઈમ અંગે કોઈને પણ કોઈ ઇન્સિક્યોરિટી નહોતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, રવીના ટંડન, સંજય દત્ત, સની દેઓલ અને મિથુન ચક્રવર્તી જેવા ઘણા સ્ટાર્સ જોવા મળશે.’