જયદીપ પરમાર
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (ગિફ્ટ) સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર પાસે અદ્યતન સિટીનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં દેશ-વિદેશની મલ્ટિનેશનલ કંપનીઓ આવી રહી છે, ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ પણ કાર્યરત થયેલ છે ત્યારે યુનિવર્સિટીઓને યોગ્ય પ્રમાણમાં જગ્યા મળી રહે તે હેતુસર સરકાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે 2013 એકર જમીન પર નવી ગિફ્ટ સિટી સ્થાપશે. આ જગ્યા પર ગુજરાતમાં વધુ એક સ્થળે ગિફ્ટ સિટીનું નિર્માણ થશે. સાબરમતી નદીના કિનારે આવેલાં પ્રાંતિજ સહિત વાઘપુર, સાંપડ અને સાદોલિયાની સરકારી જમીન આગામી દિવસોમાં ગિફ્ટ સિટીને સોંપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 હજાર એકરથી વધુની જમીનમાંથી સાંપડ અને વાઘપુરની 1866 એકર જમીનની માપણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. કેટલાંક કિસ્સામાં ગૌચરની જમીનના પ્રશ્ન હોવાથી સુધારા અર્થે રાખવામાં આવેલ છે. જ્યારે પ્રાંતિજ અને સાંદોલીયાની જમીન માપણી આગામી સમયમાં કરાશે. આ બાબતે ગિફ્ટ સિટીના એમડી તપન રેનો સંપર્ક થઈ શક્યો નહોતો. ભાજપના ભૂતપૂર્વ સાંસદની જમીન અને ઘર આ જ વિસ્તારમાં
{ સાબરકાંઠાના ભૂતપૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડનું વાઘપુર ખાતે આલિશાન ઘર અને સાંપડ ખાતેની જમીન નવી ગિફ્ટ સિટીના વિસ્તારમાં જ આવેલ છે. જે અગાઉથી જ તેમના નામે છે. જો કે ગિફ્ટ સિટી ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં રાજકીય માથાઓએ અગાઉથી જ રોકાણ કરી દીધું હતું તેમ પ્રાંતિજ પાસેના વિસ્તારમાં પણ અન્ય રાજકીય આગેવાનોએ રોકાણ કરી દીધું હોવાની ચર્ચા છે.
200 એકર માટે પીડબલ્યુ ફાઉન્ડેશને માંગણી કરી
{ ગિફ્ટ સિટીના એજ્યુકેશન ઝોનની પ્રાંતિજ અને સાંદોલિયા સ્થિતિ 200 એકરથી વધારે જગ્યા માટે પીડબલ્યુ ફાઉન્ડેશન દ્વારા માંગણી કરાઈ છે. સરકાર કક્ષાએથી માંગણી હજુ પડતર છે, શૈક્ષણિક સંસ્થાઓ માટે આરક્ષિત કરેલી આ જગ્યામાં અન્ય વિદેશી યુનિવર્સિટીઓ પણ સ્થપાશે.
150 કરોડના ખર્ચે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશિપ બનશે
{ પબ્લિક પોલિસી અને રાજકારણ સાથે સંકળાયેલા લીડરોના વિકાસ માટે 150 કરોડના ખર્ચે 22 એકરમાં વર્તમાન ગિફ્ટ સિટી ખાતે 2 વર્ષમાં સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપનું નિર્માણ કરવામાં આવશે. સરકારી જમીન પર એજ્યુકેશન ઝોન બનવાથી સરકારને ફાયદો… { સરકારી સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,અગાઉ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી પાસે એજ્યુકેશન ઝોન માટેની જગ્યા હતી. જેની માલિકી ખેડૂતોની હોવાથી આ જમીન બજાર કિંમતે વેચાતી હતી. જેનો સીધો ફાયદો જમીન માલિકને થતો હતો. ગત વર્ષે આ વિસ્તારને ગુડામાં સમાવી લેવાતાં ભાવ ઘટ્યો છે. પ્રાંતિજ પાસે સરકારી જમીન પર જ એજ્યુકેશન ઝોન ઉભો કરાતાં આગામી દિવસોમાં સરકારને જ ફાયદો થશે.