દિનેશ જોષી
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છેલ્લે વર્ષ 1961માં ભાવનગરમાં મળ્યા પછી 64 વર્ષ પછી ગુજરાત કોંગ્રેસના યજમાનપદે રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે. 8 એપ્રિલે શાહીબાગમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અને 9 એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે અધિવેશન યોજાશે.
આ અધિવેશનમાં રાષ્ટ્રીય એજન્ડાઓની ચર્ચા થશે.
રાષ્ટ્રીય અધિવેશન પૂરું થયા પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસનો મોરચો સંભાળશે. આમ તો તેમણે ગુજરાત કોંગ્રેસમાં ભાજપ સાથે વફાદારી રાખીને પક્ષમાં રહીને પક્ષને નુકસાન કરતા વિભીષણોને ઓળખી કાઢ્યા છે,હવે તેમનો સફાયો કરાશે. જોકે,આ પહેલાં તેમની ઊંડાણપૂર્વકની ગતિવિધિઓને ધ્યાનમાં રાખવા ‘ટીમ રાહુલ’ને સુકાન સોંપાશે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2027ની ચૂટણીમાં સત્તાપરિવર્તન કરવાના ઉદ્દેશ સાથે મોદી-શાહને ટાર્ગેટ કરવાને બદલે ગુજરાત ભાજપના નેતાઓને ટાર્ગેટ બનાવીને આગામી ત્રણ વર્ષનો એકશન પ્લાન બનાવાશે.
રાહુલ ગાંધીની ટીમના નેતાઓ ગુજરાતની બાગડોર સંભાળશે. આ ટીમ સ્થાનિક સ્તરે થતા ભ્રષ્ટાચાર, ફરિયાદીઓને અન્યાય, સરકારી યોજનામાં અનિયમિતતા, કેન્દ્ર સરકારની ગુજરાત મોડલમાં ભૂમિકા, શિક્ષણ, રોજગારી, સામાજિક અન્યાય સહિતના પ્રશ્નોન ઉઠાવશે. આ ઉપરાંત બે સ્તરે આંદોલનો પણ કરવામાં આવશે. રાહુલના નિશાન પર મોદી-શાહ નહીં,ટીમ ભાજપના નેતાઓ
રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને ત્રણ વર્ષનો એકશન પ્લાન બનાવીને આપશે. ગુજરાતમાં કોંગ્રેસ મોદી-શાહને ટાર્ગેટ કરવાને બદલે ભાજપના નેતાઓને ખુલ્લા પાડીને ભાજપના ભયમુકત ભ્રષ્ટાચારને જાહેર કરવાની બાગડોર ટીમ રાહુલ સંભાળશે તેવું સૂત્રોનું કહેવું છે. ભાજપને વફાદાર કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પણ છે,રાહુલ ગાંધી કોને નિશાન બનાવશે?
ગુજરાત કોંગ્રેસમાં માત્ર કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે છે તેવું નથી,ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ભાજપ સાથે છે. આવા સંજોગોમાં અત્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો અને એક સાંસદ છે. રાહુલ ગાંધીની ટીમને કેટલા લોકો ભાજપ સાથે ઘરોબો ધરાવે છે અને કોંગ્રેસને નુકસાન પહોંચાડીને ભાજપને ફાયદો કરાવે છે તેનો પ્રાથમિક અંદાજ આવી ગયો છે. હવે ટીમ રાહુલ આ નેતાઓની સામે કેવા પ્રકારનાં પગલાં ભરવા તે નક્કી કરાશે. ગુજરાતમાં 25% કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ગયા, 35 વર્ષમાં 85% વિસ્તારમાં પાર્ટી ગાયબ 27 વર્ષથી સત્તા વિના રહેલી કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડ એક્ટિવ ટિકેન્દ્ર રાવલ
ગુજરાતમાં 27 વર્ષથી સત્તા વિનાની કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડ એક્ટિવ થઈ ગયું છે. 64 વર્ષ પછી કોંગ્રેસનું મહાઅધિવેશન ગુજરાતમાં 8-9 એપ્રિલે યોજવા જઇ રહ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિ તો અલગ જ છે. છેલ્લાં 30 વર્ષમાં કોંગ્રેસના 55 ધારાસભ્યો અને 12 સાંસદોએ પક્ષ છોડી દીધો છે. ગુજરાતમાં 25 ટકા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે 35 વર્ષમાં 85 ટકા વિસ્તારોમાંથી પાર્ટી ગાયબ જેવી સ્થિતિમાં આવી ગઈ છે. પક્ષપલટુઓ, મજબૂત સંગઠનનો અભાવ અને મત ટકાવારીના ઉતરતા ગ્રાફ વચ્ચે કોંગ્રેસ ફસાયેલી છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક જીતતા કોંગ્રેસને ઓક્સિજન આપી તો દીધો છે,પણ આ જીતમાં પક્ષ કરતાં વધુ ઉમેદવારની મહેનત હતી. વિધાનસભામાં 77 બેઠકો પરથી કોંગ્રેસ 17 બેઠક પર આવી ગઈ છે.1990 પહેલાં કોંગ્રેસ પાસે વિધાનસભાથી પંચાયત-પાલિકા સુધી 85% સત્તા હતી.
મજબૂત સંગઠન વિનાની કોંગ્રેસ
કોંગ્રેસ હાલ સુધી ઉમેદવાર અને મતદારોના ભરોસે જ ચૂંટણીમાં ઉતરતી હતી. ઉમેદવારોએ પોતાના જોરે જ મતથી માંડીને ફંડ મેનેજ કરવું પડતું હતું. પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓએ જાણે ગુજરાત છોડી જ દીધું હોય એવું વાતાવરણ થઇ ગયું હતું. પરંતુ 2024માં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના પ્રચારની સાથે સાથે ગેનીબેન જીતતા મતદારોને કોંગ્રેસ બાજુ ખેંચી લાવવામાં સફળતા મળી હતી છતાં કેટલાક નેતાઓના કારણે કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે.
‘કોંગ્રેસમુક્ત ગુજરાત’ની છાપ હતી છ વિધાનસભાથી લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સતત સફાયો થયો છે. પક્ષના 25% કરતાં વધુ નેતાઓ, આગેવાનો, કાર્યકરોએ ભાજપનો ખેસ પહેરી લેતાં કોંગ્રેસ ખાલી થવા લાગી. ધારાસભ્યો-સાંસદો પણ અધવચ્ચે જ કોંગ્રેસ છોડી ભાજપમાં જતા રહેતા પક્ષના નેતા હતાશ થઈ ગયા હતા. કોંગ્રેસના સ્લીપિંગ મતદારો જાગ્યા
કહેવાય છે કે ગુજરાતમાં કોંગ્રેસ હારવા માટે જ લડે છે, પરંતુ છેલ્લાં 25 વર્ષની વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં સત્તા પર ભલે ભાજપ આવે પણ કોંગ્રેસને 30% આસપાસ મત મળ્યા જ છે. ગમે તેવી લહેરમાં કોંગ્રેસના કમિટેડ મતદારો હજુ યથાવત્ છે. માત્ર 2022 વિધાનસભા ચૂંટણીમાં વોટશેર 30%થી નીચે ગયો હતો. હવે દોઢ વર્ષમાં જ 2024 લોકસભા ચૂંટણીમાં ફરી કોંગ્રેસનો વોટશેર 31.24% પર પહોંચ્યો છે.
કોંગ્રેસનો એક જમાનો હતો
ગુજરાતમાં 1995થી ભાજપનો ઉદય થતો રહ્યો છે. તે પહેલાં કોંગ્રેસની સરકારો જ રહી હતી. 1985ની વિધાનસભા ચૂંટણી સુધી કોંગ્રેસને 55% કરતાં પણ વધારે મત મળ્યા હતા. 2009 લોકસભા સુધી કોંગ્રેસનો વોટશેર 47% સુધી હતો. પછી કોંગ્રેસની પડતી થવા લાગી. 1990 પહેલાં કોંગ્રેસના 9 મુખ્યમંત્રી હતા. 35 જેટલા ગુજરાતના સાંસદો કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા હતા પરંતુ છેલ્લાં 30 વર્ષમાં એવી પડતી આવી કે સતત હાર મળી છે.
ગુજરાતમાં કોંગ્રેસના પતન પાછળ 1992થી ભાજપની સાંપ્રદાયિકતાની નીતિ હોઈ શકે. ભાજપે ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી બનાવી, જ્યારે કોંગ્રેસ દલિત-મુસ્લિમ મતબેન્કને સાચવવામાં અન્ય મતદારોને સાથે લાવી શકી નહીં. કોંગ્રેસ જૂથવાદમાં એવી ફસાયેલી છે કે એને દૂર કરવામાં કેન્દ્રીય નેતાઓ પણ પહોંચી શકતા નથી.
-કાંતિભાઈ પટેલ, રાજકીય વિશ્લેષક કોંગ્રેસના 139 વર્ષના ઈતિહાસમાં ગુજરાતમાં ત્રીજું અધિવેશન
{ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતમાં ત્રીજી વખત એઆઇસીસીનું અધિવેશન યોજાશે. ગોહિલે જણાવ્યું કે રાજ્યમાં એઆઇસીસીનું પ્રથમ અધિવેશન 1938માં બારડોલી નજીક હરિપુરામાં યોજાયું હતું. ત્યારે આયોજનની જવાબદારી સરદાર પટેલને સોંપાઈ હતી. બારડોલી સત્યાગ્રહની 10મી વર્ષગાંઠ નિમિત્તે આ આયોજન કરાયું હતું. ગોહિલે જણાવ્યું કે ગુજરાતમાં બીજું અધિવેશન 1961માં ભાવનગરમાં યોજાયું હતું. ત્યારે નીલમ સંજીવ રેડ્ડી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.