રાબડી દેવીએ કહ્યું, એમનું મગજ ઠેકાણે નથી. દીકરાને મુખ્યમંત્રી બનાવી દેવો જોઈએ. તેજસ્વી યાદવે કહ્યું, તે થોડી સેકન્ડો માટે પણ માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી આ વાત છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની. બિહારમાં રાષ્ટ્રગાન વખતે નીતિશ કુમાર સ્થિર રહેવાના બદલે હસીને અભિવાદન ઝીલી રહ્યા હતા. આવું એકવાર નહીં, બે વાર થયું. પહેલીવાર રાષ્ટ્રગાનની એક લાઈન ગવાઈ ત્યારે નીતિશની હરકતથી રાષ્ટ્રગાન બંધ કરી દેવું પડ્યું. બધા સાવધાન મુદ્રામાં ઊભા રહ્યા ત્યાં ને રાષ્ટ્રગાન ફરીથી વાગ્યું તો પણ નીતિશ સ્થિર ન રહ્યા ને હરકતો કરવા લાગ્યા. આ વીડિયો વાયરલ થયા પછી બિહારના રાજકારણમાં વિવાદનો રંગ ઘોળાયો છે. આજે નીતિશ કુમાર અને મુખ્યમંત્રી તરીકે તેમની વિચિત્ર હરકતોની વાત… નમસ્કાર, નીતિશ કુમારે રાષ્ટ્રગાનમાં હરકતો શરૂ કરી, તેનો જબરો વિવાદ થયો છે. કોણ જાણે કેમ પણ નીતિશ કુમારના મનમાં એવું ફીટ બેસી ગયું છે કે, ભાજપના કારણે જ પોતે મુખ્યમંત્રી છે. બજેટમાં નિર્મલા સીતારમણ બિહાર પર વરસી ગયા. પછી તો નીતિશ કુમાર ભાજપના જે મંત્રીઓ મળે તેને પગે લાગવા માંડ્યા. મોદીને પગે લાગ્યા, છેલ્લે તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પગે લાગ્યા. તકલીફ એ છે કે હરકતો નીતિશ કુમાર કરે ને ભોગવવાનું ભાજપે. અત્યારે વિપક્ષોએ નીતિશ પર તો પસ્તાળ પાડી જ છે પણ ભાજપને ય આડેહાથ લીધો છે. બિહારમાં 2025ના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ભાજપ માટે નીતિશ કુમારને કંટ્રોલ કરવા પડશે. શું છે આખી ઘટના? બિહારમાં સેપક ટકરૉ નામની રમતનો વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. સેપક ટકરૉ એ વોલિબોલ જેવી જ ગેઈમ છે પણ તેમાં હાથ અડાડ્યા વગર બોલને મારવાનું હોય છે. આ વર્લ્ડ કપનો ઉદ્દઘાટન સમારોહ પટનાના પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મંત્રીમંડળના લોકો હાજર હતા. નીતિશ કુમાર આવ્યા ને બેઠા. થોડી મિનિટોમાં રાષ્ટ્રગાન શરૂ થયું. જન, ગણ, મન અધિયાનક જય હૈ….. નીતિશ કુમાર પણ ઊભા થયા. 52 સેકન્ડનું રાષ્ટ્રગાન હજી શરૂ જ થયું ત્યાં તેની સાતમી સેકન્ડે નીતિશ કુમાર પહેલાં ડાબી બાજુ જોવે છે. પછી જમણી બાજુમાં ઊભેલા મુખ્ય સચિવ દીપક કુમારનો હાથ પકડે છે અને હસી-હસીને તેમને કાંઈક કહેવાની કોશિશ કરે છે. દીપક કુમાર ચહેરેથી ઈશારો કરે છે કે રાષ્ટ્રગાન ચાલુ છે, તમે સીધું જોઈને ઊભા રહો. છતાં નીતિશ કુમાર સમજતા નથી અને દીપક કુમારના ખભા પર હાથ મૂકીને ફરી કાંઈક કહે છે. એ પછી મંચની નીચે ઊભેલા પત્રકારો સામે હાથ જોડીને અભિવાદન કરે છે. નીતિશ કુમાર આમ તેમ જોતાંજોતાં રાષ્ટ્રગાન તો ગાય છે. હોઠ ફફડાવે છે પણ તેનું ધ્યાન તેમાં નથી. તે આજુબાજુ જાણે કોઈને શોધતા હોત તેવું લાગે છે. રાષ્ટ્રગાનનો નિયમ છે કે, જ્યારે રાષ્ટ્રગાન શરૂ થાય ત્યારે એકદમ સીધી, ટટ્ટાર મુદ્રામાં ઊભા રહેવું જોઈએ. રાષ્ટ્રગાન વાગતું હોય ને આ રીતે હરકતો કરવી એ રાષ્ટ્રગાનનું અપમાન છે. રાષ્ટ્રગાનનું અપમાન થાય તો શું સજા થાય? પ્રિવેન્શન એફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અંતર્ગત રાષ્ટ્રધ્વજ અને સંવિધાનનું અપમાન કરવું દંડનીય અપરાધ છે. આવું કરનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બન્ને થઈ શકે છે. આ જ રીતે રાષ્ટ્રગાનને પણ જાણીજોઈને રોકવા અથવા રાષ્ટ્રગાન માટે ભેગા થયેલા લોકો માટે અડચણો ઉભી કરવા પર 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સજા સાથે દંડ ભરવાનો પણ આદેશ આપી શકાય છે. રાષ્ટ્રગાનની ધુન 52 સેકન્ડની હોય છે, અને તેનું નાનું સંસ્કરણ 20 સેકન્ડ લાંબુ હોય છે. આખું રાષ્ટ્રગાન ખાસ અવસરો પર રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા અન્ય માન્ય લોકોને આપવામાં આવતા નેશનલ સેલ્યુટ દરમિયાન વગાડવામાં આવે છે. નાનું સંસ્કરણ મેચની શરૂઆતમાં વગાડવામાં આવે છે. રાષ્ટ્રગાન ગાવા પર કોઈ પ્રતિબંધ નથી, પણ સમયની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ. જ્યારે પણ રાષ્ટ્રગાન ગવાઈ રહ્યું હોય અથવા વાગી રહ્યું હોય ત્યારે સાવધાન ઊભા રહેવું જોઈએ. રાષ્ટ્રગાનનું અપમાન અને સજા પ્રિવેન્શન ઓફ ઇન્સ્ટલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 અંતર્ગત રાષ્ટ્રગાનનું અપમાન કરવું દંડનીય અપરાધ છે. આવું કરનાર વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલની સજા અથવા દંડ અથવા બન્ને થઈ શકે છે. આ જ રીતે રાષ્ટ્રગાનને જાણીજોઈને રોકવા કે રાષ્ટ્રગાન માટે ભેગા થયેલા લોકો માટે અડચણો ઊભી કરવા પર પણ 3 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. રાષ્ટ્રગાન અંગે રાષ્ટ્રગાન 52 સેકન્ડનું છે. નાનું સંસ્કરણ 20 સેકન્ડનું છે. આખું રાષ્ટ્રગાન ખાસ અવસર પર વગાડાય. જેમ કે, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે બંધારણીય હોદ્દા પરની વ્યક્તિને અપાતા નેશનલ સેલ્યુટ સમયે. નાનું સંસ્કરણ મેચની શરૂઆતમાં વગાડાય છે. રાષ્ટ્રગાન ગાવા પર કોઈ પ્રતિબંધ નથી. પણ સમયની મર્યાદા જળવાઈ રહેવી જોઈએ. રાષ્ટ્રગાન ગવાઈ રહ્યું હોય અથવા વાગી રહ્યું હોય ત્યારે સાવધાન મુદ્રામાં ઊભા રહેવું જોઈએ નીતિશ કુમાર અગાઉ વિચિત્ર હરકતો કરી ચૂક્યા છે નીતિશ કુમાર રાબડી દેવીને જેમ-તેમ બોલવા લાગ્યા ગુરૂવારે વિધાન પરિષદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે નીતિશ પર સવાલોની ઝડી વરસાવવાનું શરૂ કર્યું. નીતિશ કુમાર સદનમાં હાજર હતા ત્યારે જ રાબડી દેવીએ બિહારમાં વધતા ક્રાઈમ પર સવાલ કરવાનું શરૂ કરી દીધું. જ્યારે RJDએ સદનમાં હંગામો કરવાનું શરૂ કર્યું ત્યારે નીતિશની ધીરજ ખુટી. નીતિશે કહ્યું, અપના ચીજ જાન લીજીએ… જબ ઈનકી… ઈનકે પતિ કી સરકાર.. બાદ મેં ઈન્હીં કો બિઠા દીયા… આજતક કભી કિસી કા કુછ કિયા થા? આજતર એક કામ કિયા થા? છોડો તુમ્હેં ક્યા માલુમ હૈ, અરે આપ ક્યા થે? કૌન ચીજ કે લિએ મુખ્યમંત્રી બને? આપકે પતિ કા સસ્પેન્શન હુઆ… તબ બન ગયે. તેજસ્વી યાદવે ટ્વિટ કરીને લખ્યું, અચેત અવસ્થામાં આ પદ પર રહેવું ચિંતાજનક છે નીતિશ કુમાર રાષ્ટ્રગાન વખતે હરકતો કરે છે તે વીડિયો વાયરલ થયા પછી તેજસ્વી યાદવે ટ્વિટ કરીને લખ્યું છે કે, કમ સે કમ રાષ્ટ્રગાનનું તો અપમાન ન કરો. એકવાર તો મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તાલી વગાડી હતી. તમે એક મોટા પ્રદેશના મુખ્યમંત્રી છો. થોડી સેકન્ડો માટે પણ તમે માનસિક અને શારીરિક રૂપે સ્થિર નથી. આ રીતે અચેત અવસ્થામાં પદ પર રહેવું પ્રદેશ માટે ચિંતાજનક બાબત છે. બિહારને વારંવાર અપમાનિત ન કરો. રાબડી દેવી બોલ્યાં, નીતિશે રાજીનામું આપીને તેના દીકરાને CM બનાવવો જોઈએ રાબડી દેવીએ કહ્યું, નીતિશ કુમારની હરકતના કારણે બિહાર શર્મશાર થયું છે. હવે તેનું મગજ કામ કરતું નથી. તેણે રાજીનામું આપીને તેના દીકરાને સીએમ બનાવી દેવો જોઈએ. એમાં વાંધો શું છે? દીકરો ભણેલો છે. એન્જિનીયર છે. આપણે જાણતા નથી કે એન્જિનીયર છે કે નહીં, પણ બીજા કોઈ પર વિશ્વાસ ન હોય તો દીકરાને બનાવી દો. સદનમાં માફી માગવી જોઈએ. રાબડી દેવીએ એમ પણ કહ્યું કે, અમે સવાલ ઉઠાવીએ છીએ તો બોલવા દેતા નથી. સદનમાં બોલવા દેવાતું નથી. મુખ્યમંત્રીએ મને કહ્યું, આપકા પતિ… આપકા પતિ… હમ બોલે આપને ક્યા કિયા હૈ? સબ કામ હમ કિયે હૈ. અમિત શાહ બિહારમાં ધામા નાખશે તો નીતિશ કુમારનું શું થશે? આ ઘટના પછી નીતિશ કુમારના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. શું એ ફરીવાર બિહારના મુખ્યમંત્રી બનશે? શું ભાજપ બિહારના સીઅમ પદે નીતિશ કુમારનું નામ આગળ કરશે? ગૃહમંત્રી અમિત શાહ માર્ચના એન્ડમાં 29-30 તારીખે બિહાર જવાના છે. પાર્ટી કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરશે. ચૂંટણીની રણનીતિ ઘડશે. 9 માર્ચે અમદાવાદમાં મિથિલાંચલના લોકોનું સંમેલન હતું. તેમાં અમિત શાહે એવું કહ્યું કે, બિહારમાં ચૂંટણીઓ છે અને હું ત્યાં જ ધામા નાખવાનો છું. આ વર્ષના અંતે બિહારમાં ચૂંટણી થશે. એટલે ભાજપે બિહાર પર ફોકસ વધારી દીધું છે. ફેબ્રુઆરીની વાત કરીએ તો નરેન્દ્ર મોદી ભાગલપુર, જે.પી.નડ્ડા બે દિવસ સુધી પટનામાં હતા. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ઊર્જામંત્રી મનોહરલાલ ખટ્ટર અલગ અલગ કાર્યક્રમો માટે બિહાર જઈ ચૂક્યા છે. અમિત શાહ બિહારમાં ધામા નાખવાના છે ત્યારે ચાર સવાલો ઉઠી રહ્યા છે. ‘લાડલા મુખ્યમંત્રી’એ ભાજપના 7 ઘારાસભ્યોને મંત્રી બનાવી દીધા 2025ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થવાની છે. 24 ફેબ્રુઆરીએ મોદી બિહારના ભાગલપુર પહોંચ્યા હતા. ખેડૂતો માટેની મોટી સભા કરી. એમાં મોદીએ લાલુનું ઘાસચારા કૌભાંડ યાદ કર્યું અને નીતિશ કુમારને બિહારના ‘લાડલા મુખ્યમંત્રી’ ગણાવ્યા. એનો કયાસ એ નીકળે છે કે આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ અને જેડીયુ સાથે મળીને લડશે એ નક્કી. એના બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ પટનાના સ્ટેટ ગેસ્ટહાઉસમાં જે.પી. નડ્ડાએ ભાજપની કોર કમિટી સાથે મિટિંગ કરી. આ મિટિંગના બીજા જ દિવસે 26 ફેબ્રુઆરીએ નીતિશ કુમારે મંત્રી મંડળનું વિસ્તરણ કરીને ભાજપના 7 ધારાસભ્યોને મંત્રી બનાવી દીધા. નીતિશ કુમાર મનથી ભાજપને વરેલા છે. જોવાનું એ રહ્યું કે સત્તાનું સુકાન કોના હાથમાં સોંપે છે… છેલ્લે, નીતિશકુમારની ઉંમર 74 વર્ષની છે. પહેલી માર્ચે 75મું બેઠું. નરેન્દ્ર મોદી કરતાં આમ તો છ મહિના નાના છે. ભાજપના બંધારણ મુજબ 75 વર્ષ રાજકારણમાંથી નિવૃત્તિનો સમય છે. આગામી ચૂંટણી પછી ભાજપ કદાચ આ નિયમ જેડીયુ અને નીતિશકુમાર માટે કદાચ લાગુ પાડી દેશે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર વ્યૂ…. (રિસર્ચ – યશપાલ બક્ષી)