પ્રતિપાલસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, ઇમરાન હોથી
ગોંડલથી રાજકોટના તરઘડિયા ગામના ઓવરબ્રિજ સુધી ચાલીને પહોંચેલા જાટ યુવાનના મૃત્યુ કેસમાં રાજકોટ પોલીસે આ ઘટના અકસ્માતની હોવાનું સ્પષ્ટ કરી દીધું છે ત્યારે દિવ્ય ભાસ્કર પાસે મૃતક યુવાનનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાથ આવ્યો છે તેમાં અનેક મુદ્દે શંકાઓ દર્શાવવામાં આવી છે. મુખ્યત્વે મુદ્દા નં.30 અને 31માં એવું જણાવવામાં આવ્યું છે કે, યુવાનની ગુદામાં 7 સે.મી.ઊંડો ચીરો છે, તેમજ લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સે.મી.ના ઇજાના નિશાન પણ છે, આ ઉપરાંત એવી અનેક ઇજાઓ થઇ છે કે જે માત્ર અકસ્માતને કારણે ન થાય પરંતુ એવી ઇજાઓ થઇ છે કે જે શંકા ઉપજાવે છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના ત્રણ નિષ્ણાત ડોક્ટર પી.આર.વરૂ, એમ.એમ. ત્રાંગડિયા અને પી.જે.મણવરે આપેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કુલ બે પાર્ટમાં ઇજા ક્યા ક્યા થઇ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પ્રથમ પાર્ટમાં કુલ 24 મુદ્દા વર્ણવવામાં આવ્યા છે જ્યારે બીજા પાર્ટમાં કુલ 31 મુદ્દામાં કેવી કેવી ઇજા થઇ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકુમાર જાટના મૃતદેહનો કરાયેલો ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો આ રિપોર્ટ કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.પી.રજયાની સહી સાથે સોંપવામાં આવ્યો છે તે દિવ્ય ભાસ્કરને મળ્યા બાદ કેટલાક નિષ્ણાત તબીબો પાસે આ રિપોર્ટ શું કહેવા માગે છે તેનું અવલોકન કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાત તબીબોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રિપોર્ટમાં જે મુદ્દાઓ વર્ણવવામાં આવ્યા છે અને શરીર પર જેટલી ઇજાનાં નિશાન છે તે જોતા અનેક શંકાઓ ઉપસ્થિત થાય છે.
નિષ્ણાત તબીબો વધુમાં એવું પણ કહે છે કે, ઇજાના નિશાન 12 કલાક પહેલાના એટલે કે તાજા છે, તેમજ શરીરના કેટલાક ભાગો પર જે 4-4 સે.મી.ના ચોક્કસ જગ્યાએ ઇજાના નિશાન છે તે અકસ્માતને કારણે ન થાય કારણ કે, અકસ્માતમાં કેટલા સેન્ટિમીટરના ભાગમાં ઇજા થાય તે નક્કી હોતું નથી, જે વાહન અથડાયું હોય અને જે ભાગેથી અથડાયું હોય તે ભાગ કેટલો બોથડ છે અને કેટલો વજનદાર છે તેના પરથી ઇજાના નાના અથવા તો મોટા નિશાન થાય, પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 4-4 સે.મી.ની જાડાઇના જે નિશાન થયા છે તે લાકડી જેવા બોથડ પદાર્થથી ઘા મરાયા હોય તેવા પણ હોઇ શકે. આ ઉપરાંત ગુદાના ભાગે તેમજ વૃષણ કોથળી પર જે ઉજરડાના અને ચીરાના નિશાન છે તે પણ શંકા ઉપજાવે તેવા છે,
ગુદામાં 7 સે.મી. ઊંડો અને 3 સે.મી.ની જાડાઇનો ચીરો છે, આ ઇજા કેવી રીતે થઇ તે પોલીસ તપાસનો મુદ્દો છે, અકસ્માતમાં ક્યારેય ગુદાની છેક અંદર સુધી ચીરો ન પડે તેવું પણ નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે. માથા અને ચહેરા પર પણ ગંભીર ઇજાઓ થઇ છે, ખોપરી ફાટી ગયેલી છે અને તેમાં 39 સે.મી. લાંબી-ઊંડી ઇજા છે, આંખ, નાક, હોઠ અને ગાલ પર પણ ભારે ઇજા છે, લોહી અને ઘા જે બ્લન્ટ ઓબ્જેક્ટ (જેમ કે લોખંડનો પાઇપ, દંડો અથવા પથ્થર) થી હુમલો થયો હોય તેવા સંકેત આપે છે. પાંસડાના હાડકા પણ 3 થી 5 સે.મી. સુધી તૂટી ગયેલા હતા. છાતીની અંદર 200 સીસી જેટલું લોહી અેકઠું થયેલું હતું, ફેફસા અને હ્યદય પર ઘણા ઘા હતા જે ગંભીર હુમલો થયો હોય તેવી શંકા દર્શાવે છે.
બંને પગ અને તળિયાના હાડકા ભાંગેલા હતા, જમણા સાથળનું હાડકું છૂટું પડી ગયું હતું અને નાના ટુકડાઓમાં વિખંડિત થઇ ગયું હતું.
નિષ્ણાત તબીબો જણાવી રહ્યા છે કે, આ પ્રકારની ઇજાઓ સામાન્ય રીતે બે કારણથી થાય છે, જેમાં હિંસક મારપીટના કારણે હાડકાં તૂટી જવાથી અથવા તો વિશેષ પ્રકારના શારીરિક શોષણ અથવા તો યાતનાઓથી. રિપોર્ટની અંદર જે મુદ્દાઓ છે તે પરથી નિષ્ણાત તબીબો પણ એટલું તો જરૂર કહી રહ્યા છે કે, જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે તેમાં અનેક ઇજાઓ શંકા ઉપજાવી રહી છે, કયાંય પણ એવું સ્પષ્ટ લખ્યું નથી કે, આ ઇજાઓ અકસ્માતના કારણે જ થઇ છે. ત્યારે હવે રાજકોટ પોલીસ આ કેસમાં કઇ દિશામાં તપાસ શરૂ કરે છે તે જોવાનું રહ્યું. ભાસ્કરે જે શંકાસ્પદ મુદ્દાઓ તરફ અંગૂલીનિર્દેશ કર્યો તે દિશામાં તપાસ થાય તો બનાવનું સત્ય બહાર આવી શકે
રાજકુમાર જાટ ગોંડલથી નીકળીને તરઘડિયા પાસે પહોંચ્યો અને તેનું પોલીસના કહેવા મુજબ અકસ્માતમાં મૃત્યુ થયું છે ત્યારથી આજ દિન સુધીમાં દિવ્ય ભાસ્કરે અનેક અહેવાલ પ્રસિધ્ધ કર્યા છે અને બે વખત એવું પણ લખ્યું હતું કે, આ બનાવનું સત્ય રાજકોટ અને ગોંડલની વચ્ચે ક્યાંક ધરબાયેલું છે અને બીજી શંકા એ પણ દર્શાવી હતી કે જ્યારે એમ્બ્યુલન્સ રાજકુમાર જાટ કણસતી હાલતમાં પડ્યો હતો ત્યારે તેને લેવા ગઇ આ સમયે જે બે એસયુવી પ્રકારના વાહન અને એક બાઇકમાં આવેલા શખ્સો કોણ હતા જો તે દિશામાં તપાસ થાય તો પણ અનેક મુદ્દાઓ સ્પષ્ટ થઇ શકે તેમ છે. હવે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કેટલીક ઇજા સંદર્ભે શંકા દર્શાવાઇ છે, ત્યારે ઉપરોક્ત બંને મુદ્દે જો નિષ્ણાત પોલીસ અધિકારીઓ પાસે તપાસ કરાવવામાં આવે તો જે મુદ્દાઓ શંકાસ્પદ છે તેની શંકાનું પણ સમાધાન થઇ જશે. ઈજાના નિશાન લાલ રંગના હતા એટલે કે આશ્રમથી બ્રિજ સુધીમાં અઘટિત બન્યું છે
રાજકુમારના મૃતદેહ પર પ્રથમ પીએમ અને બાદમાં ફોરેન્સિક એમ બે રિપોર્ટ કરાયા છે. પ્રથમ રિપોર્ટમાં રાજકુમારના શરીર પર ઈજાના નિશાન લાલ રંગના હતા. જ્યારે બીજા પીએમમાં આ નિશાન ઘેરા બન્યા હતા. તબીબો જણાવે છે કે, તાજી ઇજા હોય તો લાલ રંગ હોય અને 12 કલાક પછી રંગ ઘેરો બને છે . આથી આ રંગ પરથી સ્પષ્ટ થાય છે કે, રામધામ આશ્રમથી નીકળીને બ્રિજ સુધી પહોંચવા સુધીમાં રાજકુમાર સાથે અઘટિત બનાવ બન્યો છે.