સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલાં દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે (22 માર્ચે) શરૂ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1માં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદિત જમીનમાં આવેલાં 40થી વધુ રહેણાક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. એને લઇ 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો, જોકે તેમ છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરાઈ નહોતી. વારંવાર નોટિસો છતાં જમીન ખાલી કરવામાં ન આવતાં આખરે આજે કોર્ટ કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટ કમિશનરની હાજરીમાં કાર્યવાહી શરૂ
મળતી માહિતી મુજબ, સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1વાળી કુલ 34,644 ચોરસ ફૂટ જગ્યાનો વિવાદ ચાલતો હતો. જેને લઇ દબાણકારોએ વેરાવળ કોર્ટમાં વર્ષ 2003માં દાવો દાખલ કર્યો હતો. આ મામલે વેરાવળ કોર્ટે 2018માં સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપી વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો. જેને લઇ આખરે આજે વહેલી સવારથી કોર્ટ કમિશનરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ થઈ છે. કાર્યવાહીમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર શામળા, ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા છે. આમ, આખરે 22 વર્ષે સોમનાથ ટ્રસ્ટની જીત થઇ છે. ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ હાલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ છે. આખરે 22 વર્ષે સોમનાથ ટ્રસ્ટની જીત
કાર્યવાહીની શરૂઆતમાં કોર્ટ કમિશનરની હાજરીમાં પોલીસે માઈક પર દબાણકારોને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ સ્વૈચ્છિક રીતે મકાનો ખાલી કરી પોતાની ઘરવખરી ખસેડવાનું શરૂ કર્યું છે, જોકે આટલાં વર્ષોથી રહેતા રહીશોને આમ ઘર ખાલી કરવાની ફરજ પડતાં તેઓ ભાવુક બન્યા હતા. જડબેસલાક પોલીસ-બંદોબસ્ત
કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 10 પોલીસ અધિકારી ઉપરાંત LCB, SOG સહિત 100 જેટલા પોલીસકર્મચારીનો જડબેસલાક પોલીસ-બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે.