ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂરે ભારતીય કંટેન્ટના ગુણવત્તાના ધોરણ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. એકતાએ નામ લીધા વિના ડિરેક્ટર્સ અનુરાગ કશ્યપ અને હંસલ મહેતા પર કટાક્ષ કર્યો છે. ઉપરાંત, ‘સુપરબોય ઓફ માલેગાંવ’ અને ‘ધ બકિંઘમ મર્ડર’ જેવી ફિલ્મોની નિષ્ફળતા માટે દર્શકોને જવાબદાર ઠેરવ્યા છે. એકતાએ કોઈનું નામ લીધા વિના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું – ‘મને આશ્ચર્ય થાય છે જ્યારે ઇન્ડિયન ક્રિયેટર્સ એવું કહે છે કે ભારતીય કંટેન્ટ ઇન્ટરનેશનલ ટીવી સિરીઝ અને ફિલ્મો સાથે સ્પર્ધા કરી શકતી નથી. શું આ ઘમંડ છે, ગુસ્સો છે કે માત્ર ખોટો આરોપ છે? તાજેતરની ફિલ્મોનો ઉલ્લેખ કરતા, એકતાએ લખ્યું – જ્યારે ‘સુપરબોય ઓફ માલેગાંવ’ અને મારા મિત્ર હંસલ મહેતાની ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર’ થિયેટરોમાં ચાલી ન હતી, ત્યારે શું આપણે અસલી દોષિતોને જવાબદાર ઠેરવી શકીએ? દર્શકોના કારણે આ ફિલ્મો ચાલી ન શકી. તેણે ઇન્ડિયન ક્રિયેટર્સને સિસ્ટમ સામે લડવા માટે પણ વિનંતી કરી છે. પોતાની જાત પર કટાક્ષ કરતા તેણે લખ્યું કે આ પૈસાના ભૂખ્યા કોર્પોરેટ સ્ટુડિયો અને એપ્સ ફક્ત નંબર વિશે જ વિચારે છે. ફિલ્મ બનાવવી, સામગ્રી બનાવવી એ કોઈ વ્યવસાય નથી. આ એક કલા છે. તો હું સર્જકોને વિનંતી કરીશ કે તેઓ તેમના પૈસા રોકાણ કરે અને સમસ્યાનો ઉકેલ શોધે.’ નોંધનીય છે કે, આ દિવસોમાં નેટફ્લિક્સ સિરીઝ ‘એડોલોસેન્સ’ હેડલાઇન્સમાં છે. બધા તેના વખાણ કરી રહ્યા છે. ફિલ્મ પ્રોડ્યૂસર હંસલ મહેતા અને અનુરાગ કશ્યપે પણ આ બ્રિટિશ વેબ સિરીઝની પ્રશંસા કરી. અનુરાગે આ સિરીઝ દ્વારા નેટફ્લિક્સના ટોચના નેતૃત્ત્વ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે નેટફ્લિક્સની સામગ્રી પસંદગી પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે જો તે ભારતમાં રજૂ કરવામાં આવ્યું હોત, તો તેઓ તેને રિજેક્ટ કરી દેત અથવા તેને ટૂંકું કરી નાખત.’