ગોંડલમાં ક્ષત્રિય તરૂણની 2 પાટીદાર સગીરો દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી. ત્યારબાદ ક્ષત્રિય તરૂણના પિતા અને પરિવારજનો દ્વારા પાટીદાર સગીરોને કોલેજ ચોકમાં બોલાવીને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવમાં હવે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના નેતાઓ પણ પોતાના સમાજના સમર્થનમાં આવ્યાં છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ ગોંડલમાં સગીર પાટીદાર યુવક પર થયેલા હુમલાને દુઃખદ ઘટના ગણાવી છે. તેમણે જણાવ્યું કે નિર્દોષ દીકરા પર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે. ખોડલધામે આ ઘટનાને વખોડી કાઢી છે. આરોપીઓ ભવિષ્યમાં કોઇપણ નિર્દોષ પર હાથ ઉઠાવતાં પહેલાં 10 વખત વિચારે એવી સખત સજા તેમને થવી જોઇએ. પાટીદાર સમાજ સહિત સર્વ સમાજે પણ સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખોડલધામે માગ કરી છે કે, સમાજના રાજકીય આગેવાનોએ આ મામલે આગળ આવવું જોઈએ. પીડિત દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તે માટે સરકારમાં રજૂઆત કરવાની જરૂર છે. 18 માર્ચની આ ઘટના બાદ 21 માર્ચે રાત્રે સામાજિક સંસ્થાનું નિવેદન આવ્યું છે. ગઈકાલે પાટીદાર સમાજના ત્રણ આગેવાને હોસ્પિટલમાં સગીર યુવકની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ડોક્ટરની ચેમ્બરમાં બંધ બારણે 20 મિનિટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠ્યા હતા. બેઠક બાદ પરિવારજનોએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આગેવાનો સાથે મુલાકાત કરી હતી. રાત્રે સગીરના પિતાએ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે, તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી છે. તેમણે શનિવારના બંધનું એલાન મોકૂફ રાખ્યું છે.