માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું કે ભારતના વિકાસથી સમગ્ર વિશ્વને લાભ થશે. ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં બિલ ગેટ્સે આ વાત કહી. એટલું જ નહીં, તેમણે ભારતના ઈનોવેશનની ઝડપી ગતિની પણ પ્રશંસા કરી છે. બિલ ગેટ્સે કહ્યું કે 2047 સુધીમાં દેશનો વિકસિત રાષ્ટ્ર બનવું તે માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વ પર પણ સકારાત્મક અસર કરશે. તેમણે કહ્યું, ‘ભારતમાં આરોગ્ય અને શિક્ષણ જેવા મુખ્ય ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે તે હકીકતે ખૂબ જ સકારાત્મક ગતિનું સર્જન કર્યુ છે.’ ભારતના આર્થિક વિકાસના અંદાજને આશાસ્પદ ગણાવતા ગેટ્સે કહ્યું, ‘આ એક સારી પરિસ્થિતિ છે જ્યારે વિકાસ દર 5% રહેશે કે 10% તે અંગે ચર્ચા ચાલી રહી છે.’ જોકે, મને નથી લાગતું કે તે 10% સુધી પહોંચશે, પરંતુ તે 5%થી નીચે પણ જશે નહીં. ગેટ્સે ભારતના AI વિકાસ અભિગમની પ્રશંસા કરી બિલ ગેટ્સે જણાવ્યું હતું કે આર્થિક વિસ્તરણથી આરોગ્યસંભાળ અને શિક્ષણમાં વધુ સરકારી રોકાણ શક્ય બનશે, જેનાથી નોંધપાત્ર તકો ઊભી થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ગેટ્સે કહ્યું કે આ ટેકનોલોજી મોટા ફેરફારો લાવશે. પરંતુ તેમણે એવી આશંકા ફગાવી દીધી કે AIથી નોકરી ખતમ થશે. ગેટ્સે ભારતના AI વિકાસ અભિગમની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એ સારું છે કે ભારતે સ્થાનિક જરૂરિયાતો અનુસાર ઓપન-સોર્સ ફાઉન્ડેશન મોડેલ અપનાવ્યું છે, જેમાં ભારતીય ભાષાઓ માટે સમર્થનનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારતના ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓની પણ પ્રશંસા કરી બિલ ગેટ્સે આધાર અને UPI સહિત ભારતના ડિજિટલ જાહેર માળખાની પણ પ્રશંસા કરી અને તેને દુનિયામાં દેશના સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાંનું એક ગણાવ્યું. ગેટ્સે કહ્યું, ‘જ્યારે પણ હું ભારત આવું છું, ત્યારે હું ઘણી કંપનીઓને આ માળખાગત સુવિધાનો લાભ લેતી જોઉં છું. પછી ભલે તે બેંકિંગ હોય, સરકારી લાભો હોય કે સ્ટોક ટ્રેડિંગ હોય. ભારતમાં ઈનોવેશન મારી અપેક્ષા કરતાં વધુ ઝડપથી આગળ વધી રહ્યું છે. બિલ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્કડર બિલ ગેટ્સ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ 107.1 બિલિયન ડોલર છે, જે આશરે 9.21 લાખ કરોડ રૂપિયા છે. બિલ ગેટ્સે 1975માં માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. તેઓ 2000 સુધી કંપનીના CEO પદ પર રહ્યા હતા.