ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. તેમના જણાવ્યાં અનુસાર, બેંકમાં થયેલી 80 જેટલી નિમણૂકોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. અગાઉ જે નામો આપ્યા હતા તેઓને જ નિમણૂક આપવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે. યુવરાજસિંહે આરોપ મૂક્યો છે કે, આ ભરતીમાં બે ડિરેક્ટરના પુત્રો, એક જનરલ મેનેજરનો ભત્રીજો, એક ડિરેક્ટરનો ભત્રીજો અને વર્તમાન ધારાસભ્યના ભાણિયાને નોકરી આપવામાં આવી છે. વિશેષમાં, સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. આન્સર-કીમાં એક જ સિક્વન્સના ABCD, ABCD જવાબો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બે મહિના પહેલા લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં પણ અનિયમિતતા જોવા મળી હતી. આરોગ્ય મંત્રીએ તપાસ કમિટી બનાવી હોવાનું જણાવ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. યુવરાજસિંહે માગ કરી છે કે, તમામ સહકારી સંસ્થાઓની ભરતી સેન્ટ્રલાઈઝ્ડ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નિમણૂક પામેલા લોકોની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત, GSRTCમાં પણ ગેરરીતિઓ થઈ રહી હોવાની ફરિયાદો છે, જેની નોંધ વટવા અને ખોખરા પોલીસ સ્ટેશનમાં લેવાતી નથી. મુખ્યમંત્રીએ રોજગાર મેળામાં પારદર્શિતાની વાત કરી હતી, પરંતુ આ ભરતીમાં માત્ર ઓળખાણવાળા અને પરિવારવાદને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.