અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાનાં પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા થઇ હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મૃતકના ભાઇનું કહેવું છે કે, લીકર લેવા આવેલો આરોપી આખી રાતથી જ દુકાન બહાર બેઠો હતો. મારા ભાઇ અને ભત્રીજીએ દુકાન ખોલતા જ રકઝક કરીને આરોપીએ ગોળીઓથી વીંધી નાંખ્યા હતા. સ્ટોરમાં ઘૂસી શખસે ગોળીબાર કર્યો
મળતી માહિતી મુબજ અમેરિકાના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના કનોડા ગામના મૂળ વતની પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતક પિતા-પુત્રીની ઓળખ 56 વર્ષીય પ્રદીપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વી તરીકે થઈ છે. બંને દુકાનમાં હતા ત્યારે એક અશ્વેત શખ્સે દુકાનમાં પ્રવેશ કરી બંને પર ગોળીબાર કરતાં પિતાનું ઘટનાસ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પ્રદીપ પટેલ પરિવાર સાથે 7 વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામના પ્રદીપભાઈ પટેલ પહેલા પરિવાર સાથે મહેસાણા રહેતા હતા અને મોઢેરા ચોકડી ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાન ચલાવતા હતા. જે 6-7 વર્ષ પહેલાં પોતાની પત્ની હંસાબેન અને દીકરી ઉર્વી સાથે વિઝિટર વિઝા સાથે અમેરિકા ગયા હતા અને ત્યાં લીકર શોપ પર નોકરી કરતા હતા.. પ્રદીપ પટેલનું ઘટનાસ્થળે અને ઉર્વીનું સારવાર દરમિયાન મોત
રોજિંદા જીવન પ્રમાણે 20 માર્ચ સવારે 5 કલાકે પ્રદીપભાઈ અને તેમની દીકરી ઉર્વી બંને જણા શોપ ખોલી અંદર ગયા એ દરમિયાન પાછળથી આવેલા ઇસમે ગોળીઓ વરસાવતા પ્રદીપભાઈનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ઉર્વીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખસની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. પોલીસે હત્યાનાં કારણો અંગે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલદી જ હત્યાનું કારણ સામે આવશે. સ્ટોર-માલિકે કહ્યું- ‘ખબર નથી પડતી કે શું કરવું?’
હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. હજુ પણ હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ સ્ટોરના માલિક પટેશ પટેલે જણાવ્યું હતું કે પિતા-પુત્રી બંને અમારા પરિવારના સદસ્યો હતા. મારા પિતરાઈ ભાઈની પત્ની અને તેના પિતા સવારે સ્ટોર પર કામ કરી રહ્યાં હતાં ત્યારે એક શખસ સ્ટોરમાં ઘૂસ્યો હતો અને અચાનક જ ગોળીબાર કર્યો હતો. મને ખબર નથી પડતી કે શું કરવું. અમને આ દુર્ઘટનાની જાણ મીડિયા થકી થઇ: ચંદુભાઈ (મૃતકના કાકા)
મહેસાણાના કનોડા સ્થિત મૃતકના કાકા ચંદુભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઇનું અવસાન ઘણા સમય પહેલાં થયું છે. મારો ભત્રીજો પ્રદીપ, તેની પત્ની અને પુત્રી સાતેક વર્ષ અગાઉ વિઝિટર વિઝા પર અમેરિકા ગયાં હતાં અને બાદમાં ત્યાંજ સ્થાયી થઇ ગયા હતા. અમને આ દુર્ઘટનાની જાણ મીડિયા થકી થઇ હતી. મૃતક ઉર્વીના લગ્ન 3 વર્ષ અગાઉ થયા હતા: ચંદુભાઈ (મૃતકના કાકા)
ચંદુભાઈએ જણાવ્યું કે, અમારી જોડે અમેરિકાનો કોઇ કોન્ટેક નહોતો, પણ પ્રદીપની બીજી દીકરી કેનેડા રહે છે, અમે તેનો કોન્ટેક કરતાં તેણે અમને માહિતી આપી કે મારા પપ્પાની સ્ટોરમાં ગોળી મારીને હત્યા થઇ છે, હું ત્યાં ગઇ છું. પ્રદીપને ગોળી મારતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એની દીકરીનું વેન્ટિલેટર પર સારવાર દરમિયાન મોત થયું છે. ઉર્વીના લગ્ન 3 વર્ષ અગાઉ અમેરિકા રહેતા અને મૂળ ગાંધીનગરના યુવક સાથે થયા હતા. મૃતક ઉર્વી સિવાય પ્રદીપની એક દીકરી કેનેડા અને એક દીકરી અમદાવાદ રહે છે. આરોપી આખી રાતથી સ્ટોરની બહાર બેઠો હતો: અશોકભાઇ (મૃતકના ભાઇ)
મૃતક પ્રદીપના ભાઇ અશોકભાઇએ જણાવ્યું હતું કે, અમને એવું સાંભળવા મળ્યું છે કે, આરોપી આખી રાતથી સ્ટોરની બહાર બેસી રહ્યો હતો. મારા ભાઇ પ્રદીપે જેવો સ્ટોર ખોલ્યો કે આરોપીએ રાત્રે શોપ કેમ બંધ રાખો છો? એવી રકઝક કરીને તુરંત ગોળીઓ ધરબી દીધી હતી. હાલ પ્રદીપભાઇની દીકરી, જમાઈ તેમજ ભત્રીજો અમેરિકા પહોંચ્યા છે. અમેરિકામાં વડોદરાના યુવકની હત્યા સાતેક મહિના અગાઉ અમેરિકામાં વડોદરાના યુવકની હત્યા થઇ હતી. મૂળ વડોદરાના અને છેલ્લાં 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા મૈનાંક પટેલનું અમેરિકાના સેલબરીમાં સગીરે આડેધડ ગોળીબાર કરતાં મોત થયું હતું. જ્યારે ગોળીબાર થતો હતો ત્યારે પત્ની તેને બચાવવા દોડી હતી, પરંતુ મૈનાંક બચી શક્યો નહોતો. મૈનાંક 18 વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો અને ગેસ સ્ટેશનના સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… દક્ષિણ આફ્રિકામાં ભરૂચના યુવકની હત્યા એકાદ વર્ષ અગાઉ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા સારોદ ગામના વતની અને દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતા યુવકની લૂંટના ઈરાદે હત્યા થઇ હતી. યુવક પર સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ કરતાં ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામમાં રહેતા મુનશી પરિવારનો યુવક સાહિલ અબ્દુલ અઝીઝ રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. સાહિલ રાબેતા મુજબ પોતાની કાર લઈને નોકરી પર ગયો હતો. નોકરી પૂર્ણ થયા બાદ તે પોતાની કારમાં પરત ઘરે જવા નીકળ્યો હતો ત્યારે રસ્તામાં લૂંટારાઓએ તેની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાહિલે પોતાની કાર ઘટનાસ્થળેથી ભગાડી મૂકી હતી, જેથી લૂંટારાએ ધડાધડા કાર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં સાહિલનો ગોળીઓ વાગતાં ઘટનાસ્થળ પર તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…