વડોદરામાં આજે સવારમાં બે આગની ઘટના સામે આવી છે, જેમાં સયાજીપુરામાં વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા નામની વ્યક્તિનું મોત થયું છે, જ્યારે મકરપુરામાં SRP ગ્રુપ-9માં પણ સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી છે. હાલ ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો વિનાયક સોસાયટીમાં ઘરમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે અને મૃતદેહની એફએસએલ તપાસ બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે. સયાજીપુરા ટાંકી પાસે વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ
વડોદરામાં સયાજીપુરા વિસ્તારમાં ઘરમાં આગનો બનાવ સામે આવ્યો છે. સયાજીપુરા ટાંકી પાસે આવેલી વિનાયક સોસાયટી બી ટાવર-506માં આગ લાગતાં 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા સળગી ગયા હતા. મૃતક સૂતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. તે રૂમમાં એસી પણ હતું. આ આગ કયા કારણોસર લાગી છે તે કારણ હજુ જાણી શકાયું નથી. મૃતક રિલાયન્સ કંપની હાલોલમાં વર્કર તરીકે કાર્યરત હતા. મૃતકની પત્ની નોકરી જતાં રહ્યાં એની 10 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી. દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા. FSLએ સેમ્પલ લીધા
આ આગના બનાવમાં બેડમાં જ યુવક ભડથું થઈ ગયો હોય તેવું નજરે પડ્યું હતું. આ બનાવમાં એફએસએલ ટીમે બેડરૂમમાં અને ઘરમાં વિવિધ શકાસ્પદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આગ લાગવાનું કારણ ગેસ લીકેજ છે કે કેમ તે જાણવા એજન્સીના કર્મચારીને પણ બોલાવવામાં આવ્યા છે. આ બનાવમાં મૃતદેહની એફએસએલ તપાસ બાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવશે. બાપોદ પોલીસે અક્સ્માતે મોતનો ગુનો નોંધ્યો
આ બનાવ અંગે બાપોદ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળે બાપોદ પોલીસ અને એફએસએલની ટીમ કામ કરી રહી છે અને આ આગ કયા કારણોસર લાગી તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો
આ આગના બનાવમાં આસપાસના લોકોને જાણ થતા જ તાત્કાલિક ફાયર અને પોલીસને જાણ કરી હતી. જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. જેથી આગ આસપાસના મકાનમાં પ્રસરતા રહી ગઈ અને મોટી જાનહાનિ ટળી હતી. SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ
તો બીજી તરફ મકરપુરા સ્થિત SRP ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં વિકરાળ આગ લાગી હતી. બનાવની જાણ થતાં 4 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. 6થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ફાયરની ટીમની મદદમાં એસઆરપીના જવાનો અને લાઇન બોય પણ જોડાયા હતા. જીઆઇડીસી ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો
આ અંગે સ્ટેશન ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે ડેરી સર્કલ પાસે ડીમાર્ટની સામે એસઆરપી ગ્રુપમાં ફાયરનો કોલ જીઆઇડીસી ફાયર સ્ટેશનને મળતા જીઆઇડીસી, ટીપી-13, ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે આવી ગઈ હતી. હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે
એસઆરપી ગ્રુપના સ્ટોરેજ એરિયામાં આગ લાગી ગઈ હતી. જ્યાં હાલમાં 7-8 ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હાલમાં કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે. શોર્ટસર્કિટ કે ઓવર વાયર હિટિંગના કારણે આગ લાગી હોવાનું અનુમાન
પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટ કે ઓવર વાયર હિટિંગના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટોરેજમાં રહેલો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આમા મુખ્ય ચેલેન્જ એ હતી કે તેમાં ગેસ સિલિન્ડર હતા તેને પણ કુલિંગ કર્યા હતા.