વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની 100 સિટીને સ્માર્ટ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જેમાં વડોદરાનો સમાવેશ કરી 49 પ્રોજેક્ટ પાછળ 1760 કરોડનું આંધણ કર્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટને હવે ત્રીજીવાર એક્સટેન્શન આપવાની હિલચાલ શરૂ કરાઈ છે. જોકે પાણી, ટ્રાન્સપોર્ટેશન, આરોગ્ય સહિતના પ્રોજેક્ટને તંત્રે કાગળ પર પૂર્ણ બતાવીને નાણાં ચૂકવ્યાં છે, પરંતુ શહેરીજનોને આ એક પણ પ્રોજેક્ટનો કોઈ લાભ મળી રહ્યો નથી તે વરવી વાસ્તવિકતા છે. ટ્રાન્સર્પોટેશન / સિટી બસની સંખ્યા ઓછી, રૂટ અનિયમિત
2008-09થી અમલી સિટી બસ સેવા 2017માં 100 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી અંતર્ગત લીધી હતી.જોકે બસની સંખ્યા, રૂટ, નિયમિતતા, ગુણવત્તામાં સુધારો જણાયો નથી.160ને બદલે 110 બસ જ કાર્યરત હોવાના અહેવાલ છે.પાલિકાને વર્ષે 14 લાખની આવક આપતી બસ સેવા પાછળ 16 કરોડ ખર્ચ થઈ રહ્યો છે. આવાસ/ચોપડા પર પ્રોજેક્ટ પૂર્ણ, લોકોને ઘર નથી મળ્યાં
ઝૂંપડપટ્ટી દૂર કરી પીપીપી ધોરણે આવાસ બનાવવાનો પ્રોજેક્ટ મુકાયો હતો. 2017-18માં 1842 ઝૂંપડાં હટાવી ત્યાં આવાસ બનાવવાનો પ્રોજેક્ટ 2025માં પણ પૂર્ણ થયો નથી. જોકે 71 કરોડનો આ પ્રોજેક્ટ સ્માર્ટ સિટીના ચોપડે પૂર્ણ દર્શાવાયો છે. જ્યારે 6 વર્ષે પણ લાભાર્થીઓને મકાનો મળ્યાં નથી. પાણી / સ્કાડા પ્રોજેક્ટ ફેલ, લીકેજ ન મળી શક્યાં
149 કરોડના વોટર સપ્લાય કોન્સેપ્ટ (સ્કાડા) પ્રોજેક્ટમાં 24 કલાક પાણી, લીકેજ-વિતરણની જાણકારી મળવાની હતી. વડીવાડી, અકોટા, સયાજીગંજ સહિતના વિસ્તારમાં પાણીનું નેટવર્ક અને વોટર મીટર નાખ્યાં હતાં. જોકે હજી વોટર મીટર પોલિસી નથી બની અને મીટર એક્સપાયર થયાં છે. જ્યારે સ્કાડાથી લીકેજ મળતા નથી. હેલ્થ/ પ્રોજેક્ટ પૂર્ણ બતાવ્યા પછી ઘરે જઈ કાર્ડ બનાવ્યાં
શહેરના દરેક વ્યક્તિનો હેલ્થનો રેકોર્ડ રહે તે માટે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોજેક્ટ પાછળ 20 કરોડનો ખર્ચ કરાયો છે. જે પ્રોજેક્ટ 2022માં પૂર્ણ થયેલો બતાવ્યો છે. જોકે 2023માં પાલિકાએ ઘરે ઘરે વર્કરોને મોકલી માહિતી એકત્ર કરી કાર્ડ બનાવ્યાં છે. જ્યારે હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીની માહિતી પણ એકત્ર કરાઈ નથી. બાઈસિકલ શેરિંગ/પ્રોજેક્ટ અધૂરો,5 કરોડ માથે પડ્યા
લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે સ્માર્ટ સિટી અંતર્ગત નોન મોટરાઈઝ્ડ ટ્રાન્સપોર્ટ કોન્સેપ્ટ હેઠળ પબ્લિક બાઇસિકલ શેરિંગ સિસ્ટમ શરૂ કરી હતી. 5 કરોડના ખર્ચે પીપીપી ધોરણે શરૂ કરાયેલી સેવામાં યુનિ.ના વિદ્યાર્થીઓ, સામાન્ય નાગરિકોને કલાક મુજબ સાઇકલ આપવાનું નક્કી કરાયું હતું. જોકે પ્રોજેક્ટનું બાળ મરણ થયું અને 5 કરોડ માથે પડ્યા છે. ભંગાર થયેલી સાઇકલ પણ કોન્ટ્રાક્ટર પરત લઈ ગયો છે. સ્માર્ટ રોડ / 163 કરોડ ખર્ચ્યા છતાં પબ્લિક યુટિલિટી નહીં
પાલિકા દર વર્ષે 150 કરોડ રોડ પાછળ ખર્ચે છે, છતાં સ્માર્ટ સિટી હેઠળ 163 કરોડના ખર્ચે અકોટા રોડ, બીપીસી રોડ, આરસી દત્ત રોડ, અમિતનગરથી દુમાડ ચોકડી, વૃંદાવન ચોકડીથી વાઘોડિયા ચોકડી સહિતના સ્માર્ટ રોડ બનાવ્યા હતા. જેમાં પબ્લિક ટોઇલેટ, ડ્રિંકિંગ વોટર જેવી યુટિલિટી મૂકી નથી. વડોદરા દર્શન બસ / ટુરિસ્ટ ઇન્ફર્મેશન બનાવ્યા બાદ તોડ્યું
શહેર બહારથી આવતા લોકોને સયાજીનગરીની માહિતી મળે તે માટે સયાજીગંજ સમ્રાટ હોટલની જગ્યાએ ટુરિસ્ટ ઇન્ફર્મેશન સેન્ટર બનાવ્યું હતું. 1.11 કરોડના ખર્ચે બનેલા સેન્ટરને બન્યાના ગણતરીના મહિનાઓમાં જ તોડી પડાયું હતું. આ સિવાય વડોદરા દર્શન માટે મૂકેલી બસ ધૂળ ખાય છે. કયા પ્રોજેક્ટ પૂર્ણ? ગેંડા સર્કલ બ્રિજને સ્માર્ટ સિટીમાં સમાવ્યો
222.18 કરોડમાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી વચ્ચે બ્રિજ બનાવ્યો હતો. જે કામ પાલિકા કરી શકતી હોય તેવા બ્રિજને પણ સ્માર્ટ સિટીમાં આવરી લીધો હતો.