દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં એક મોટો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે એક યુવક અને યુવતીની ધરપકડ કરી છે. તેઓ કારમાં એડિશનલ કલેક્ટરની નકલી પ્લેટ અને લાલ લાઈટનો ઉપયોગ કરતા હતા. 25 વર્ષીય જીલ ભરતભાઈ પંચમતીયા રામનાથ સોસાયટીના ગરબી ચોક વિસ્તારમાં રહે છે. તેણે પોતાની મારુતિ સુઝુકી સેલેરિયો કાર નંબર GJ-03-KP-9113માં એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની નકલી પ્લેટ લગાવી હતી. કારમાં પોલીસ જેવી લાલ લાઈટ પણ ફિટ કરી હતી. આ કેસમાં તેની ધર્મની બહેન કેસાબેન કેતનભાઈ દેસાઈ (26 વર્ષ)નું નામ પણ સામે આવ્યું છે. તે રાજકોટમાં સ્પીપા ક્ષેત્રીય તાલીમ કેન્દ્રમાં રહે છે અને મૂળ વિસાવદર (જૂનાગઢ)ની રહેવાસી છે. બંને છેલ્લા 25 દિવસથી આ કારનો દુરુપયોગ કરી રહ્યા હતા. ખંભાળિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જમોડની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે BNSની કલમ 204, 205 અને 54 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. PSI એમ.આર. બારડ આ કેસની તપાસ કરી રહ્યા છે. આ સમગ્ર કાર્યવાહી DySP ડૉ. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ PI સી.એલ. દેસાઈ અને PSI વી.એમ. સોલંકીની ટીમે કરી હતી. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.