વડોદરા જિલ્લાના જરોદમાં ખુલ્લામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી GRD જવાન સહિત 7 વ્યક્તિઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે જરોદ પોલીસ મથકમાં તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે, દારૂનો જથ્થો પૂરો પાડનાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 7 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપી પાડ્યા
મળેલી માહિતી પ્રમાણે જરોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, વડોદરા-હાલોલ સર્વિસ રોડને અડીને પડતર જગ્યામાં કેટલાક ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 7 વ્યક્તિઓને દારૂના નશામાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડેલા આરોપીઓમા GRD જવાન ધનરાજસિંહ કનુભાઇ ચૌહાણ (રહે. અભરામપુરા, વાઘોડિયા, વડોદરા ગ્રામ્ય), પંકજકુમાર ભીખાભાઇ પરમાર (રહે. પાદરા), અર્પિત સુરેશભાઇ સોલંકી (રહે. માંજલપુર, વડોદરા), રવિન્દ્રસિંહ સુરેશસિંહ પઢીયાર (રહે. રહે. પાદરા), કિશનસિંહ દોલતસિંહ જાદવ (રહે. પાદરા), કરણસિંહ અજબસિંહ પરમાર (રહે. પાદરા), અને વિજયસિંહ કાલીદાસ રાઠોડિયા (રહે. આસોજ, વાઘોડિયા) નો સમાવેશ થાય છે. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે તમામ પાસેથી મોબાઇલ ફોન, વાહન, રોકડા મળીને કુલ રૂપિયા 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા જીઆરડી જવાન ધનરાજસિંહ કનુભાઇ ચૌહાણને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમ પુછતા તેણે વિજય ઉર્ફે ચાઇનો કાલીદાસ રાઠોડિયા (રહે. આસોજ) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જીઆરડી જવાન સિવાય મહેફિલમાં મળી આવેલા શખ્સો નોકરી, ડીજે – સાઉન્ડ, ફોટો ગ્રાફરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.