વડોદરા શહેર સહિત રાજ્યભરમાં નશાકારક સીરપ કે ટેબ્લેટનું વેચાણ થતું હોય છે તેની સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ વડોદરામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે એવા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો કે જેમાં મેડિકલ લાઇસન્સની આડમાં વિવિધ ટેબ્લેટ્સ અને કોડીન ફોસ્ફેટ સીરપનો જથ્થો મોટા પ્રમાણમાં સીઝ કરવામાં આવ્યો છે. આ તપાસમાં સામે આવ્યું કે, આ સીરપ અને ટેબ્લેટનો ઉપયોગ રાજ્યમાં આતંક મચાવનાર ગેંગના સભ્યો, મોટા ગુનેગારો અને યુવાધન મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. યુવાધન પોતાના શોખ અને નશા માટે કરે છે સેવન
આ અંગે અમે જાણવાનો પ્રયાસ કર્યો જેમાં સામે આવ્યું કે, કોડીન ફોસ્ફેટ કફ સીરપ મોટા ભાગે યુવાધન પોતાના શોખ અને નશા માટે ઉપયોગ કરે છે. જેથી કોઈપણ પ્રકારની પરિવાર કે અન્ય વ્યક્તિને જાણ ન થાય કે તેણે નશો કર્યો છે. આ સાથે આ તપાસમાં સામે આવ્યું કે, આલ્ફ્રાઝોલમ અને ટ્રામાડોલ ટેબ્લેટની ઉપયોગ પણ નશા માટે કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ટ્રામાડોલ ટેબ્લેટ દુખાવા માટે હોય છે અને કાયદાના સંઘર્ષમાં આવતા પહેલા કે કોઈ મોટા ગુનાને અંજામ આપતા પહેલા તેઓ આનું સેવન કરતા હોય છે. આ કારણે તેઓ ઘર્ષણમાં આવે કે પછી પોલીસ રિમાન્ડ મેળવે તો તેની અસર ઓછી થાય તે માટે આ પ્રકારની ટેબ્લેટનું સેવન કરે છે. નશાકારક ટેબ્લેટ અને સીરપનો 49 લાખથી વધુનો માલ સીઝ
આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. રાતડાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર એસોજીને એક બાતમી હતી કે વિપુલ પ્રજાપતિ અને કેવલ રાજપૂત નામના બે વ્યક્તિ મેડિકલ લાઇસન્સની આડમાં ગેરકાયદેસર નશાકારક દવાઓનો વેપાર કરી રહ્યા છે, જે આધારે રેડ કરી હતી. શરૂઆતના તબક્કે કોડિન સીરપની બોટલ સીઝ કરવામાં આવી હતી. કોડીન ફોસ્ફેટ સીરપની કુલ 7,355 બોટલ જેની કિંમત રૂપિયા 16,75,350 છે. ટ્રામાડોલ કેપ્સ્યુલ કુલ નંગ 1,59,120 જેની કિંમત રૂપિયા 15,57,270 અને આલ્ફ્રાઝોલમ ટેબ્લેટ કુલ 3,69,000 જેની કિંમત રૂપિયા 15,42,420 મળી કુલ રૂપિયા 49,85,940 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ ગુનામાં અન્ય વિશેષ તપાસમાં કેટલીક વિગતો સામે આવી છે. ગુનો આચરવા જતાં પહેલા કરે છે ટેબ્લેટનો ઉપયોગ
આ તપાસમાં સામે આવ્યું કે, કોડેન ફોસ્ફેટ કફ સીરપ છે તેનો ઉપયોગ યુવાનોમાં એક નશા માટે કરવામાં આવી રહ્યો છે. આ સાથે ટ્રામાડોલ ટેબ્લેટ છે તેનો ઉપયોગ વધુ પડતા દુખાવા માટે થતો હોય છે, પરંતુ ગુનેગારો ગુનાને અંજામ આપવા જાય છે તે દરમિયાન ઝપાઝપી કે સંઘર્ષની સામનો કરવો પડે છે. આ દરમિયાન દુખાવો ન થાય તે માટે તેઓ અગાઉથી ટ્રામાડોલ ટેબ્લેટનો ઉપયોગ કરે છે, તેવો આ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. બાળકની સ્થિતિ જાણી ડોક્ટર કે SOG કચેરીનો સંપર્ક કરવો
વધુમાં જણાવ્યું કે, આ સાથે આલ્ફ્રાઝોલમ ટેબ્લેટનો ઉપયોગ જેને ઊંઘ ન આવતી હોય તેના માટે કરવામાં આવતો હોય છે. ત્યારે આ તપાસમાં આવા તત્વો પણ તેનો ઉપયોગ કરતા હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. ખાસ કરીને બાળકના વર્તનમાં પરિવર્તન લાગે, સ્વભાવ અને અન્ય ફેરફાર લાગે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ બાળકની સ્થિતિ જાણી ડોક્ટર કે SOG કચેરીનો સંપર્ક કરવો જોઈએ. એક પછી એક બાળક કોડીન કફ સીરપ ખરીદતા નજરે પડ્યા
આ નશાકારક સીરપ અને ટેબ્લેટનો કઈ રીતે ઉપયોગ થાય છે, તે જાણવા અમે આ નશાના રવાડે ચડી સારવાર અર્થે આવતા દર્દીઓનું કાઉન્સિલિંગ કરતા તબીબ ડોક્ટર ચિરાગ બારોટ સાથે ખાસ વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોડીન સીરપ સામાન્ય રીતે સહેલાઈથી મળતી હોય છે અને તે ડોક્ટરની સલાહ વગર પણ મેડિકલમાંથી પ્રાપ્ત થતી હોય છે. વચ્ચે એકવાર હું મેડિકલ સ્ટોર પર હતો, ત્યારે પાંચ સાત યુવકો એકપછી એક આવી કોડીન કફ સીરપની ખરીદી કરતા નજરે પડ્યા હતા. કોડીન કફ સીરપ પીવાથી ગાંજાનું સેવન કર્યું હોય તેવું ફિલ થાય
વધુમાં કહ્યું કે, તે દરમિયાન મને આ બાબતે ખબર પડી કે આ સીરપનું ઘણું વેચાણ થઈ રહ્યું છે. બાદમાં વિગતો સામે આવી કે આ સીરપનો ઉપયોગ અન્ય નશાકારક પ્રવૃતિ માટે થાય છે. અમારી પાસે પણ આવા દર્દીઓ આવતા હતાં, જેમાં કેટલાક લોકો કફ સીરપ પર નિર્ભય હતાં. કારણ કે, તે ગમે ત્યારે તે મળી શકે છે. આવા કિસ્સામાં કોડીન પીવાથી જે માણસોને ગાંજો, ચરસ કે જે હાઈ ફિલ્મ થતું હોય તેવું થાય છે અને આ સસ્તું મળી જતું હોય છે. એટલે બે-ત્રણ બોટલ સાથે લઈને જતા રહેતા હોય છે. જાણો બાળકોમાં કયા ફેરફારથી ખબર પડશે નશો કર્યો છે કે નહીં
આ વસ્તુ એકવાર પીધા બાદ તેના પર લોકો નિર્ભય થાય છે. ત્યારબાદ જો તેને ન મળે તો શારીરિક પ્રોબ્લેમ્સ સામે આવે છે. જેમાં ચક્કર આવે, પેટમાં દુખાવો થાય, કંઈ ગમે નહીં, ચીડિયાપણું આવે, ગુસ્સો આવે અને કઈ ગમે નહીં, ગમે ત્યારે મારામારી કરે તેવા લક્ષણો સામે આવતા હોય છે. બાળકો વધુ સમય ઘરમાં રહેતા હોય અને જો સ્વભાવમાં કઈ પણ ફેરફાર આવે તો માતા-પિતાને તાત્કાલિક ખબર પડશે, જે બાળકો હજુ પણ માતા-પિતા પ્રત્યે નિર્ભય હોય તેવા બાળકોનો ખર્ચ વધી જાય તો સમજી લેવું કે ક્યાંક ગડબડ છે. સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો
વડોદરામાં મેડિકલ સ્ટોરની આડમાં ધમધમતા નશાકારક કફ સીરપ અને ટ્રામાડોલ કેપ્સ્યુલ સાથે આલ્ફ્રાઝોલમ ટેબ્લેટના કારોબારનો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે. જેમાં કુલ 49,85,940નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસ સતત પ્રયાસો કરે છે, જેને પગલે થોડાક દિવસો અગાઉ ખટંબા નજીક મેડિકલ સ્ટોર ધરાવતા વિપુલ સતીષભાઇ રાજપૂત અને કેયુર રમેશભાઇ રાજપૂતને કલાદર્શન ચાર રસ્તા નજીકના રતિલાલ પાર્કના મકાનમાંથી કોડીન કફ સીરપની 2570 બોટલ સાથે ઝડપી પાડી બન્નેની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.