સંજય ભાટિયા
24 માર્ચ વિશ્વ ક્ષય રોગ દિવસ તરીકે ઊજવાય છે. છોટાઉદેપુરના પાવીજેતપુર, છોટાઉદેપુર, નસવાડી અને કવાંટ તાલુકામાં 742 બળવા ભૂવા આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. તેઓ ટીબીના દર્દીઓની શોધવામાં મદદ કરે છે. આ માટે તેમને તાલીમ અપાઈ છે. ટીબીના લક્ષણો ધરાવતાં દર્દીને સારવાર બાદ સાજો થાય પછી બળવા ભૂવાઓેને સરકાર દ્વારા 1 હજારનું ઇન્સેન્ટિવ આપાય છે. સામાન્ય રીતે બળવા-ભુવા એટલે માણસના મગજમાં એવી છાપ પડી છે કે, તેઓ દોરા ધાગા કરી અને કોઈને વશીકરણ કરવું, વશમાં લેવું,મેલી વિદ્યાના ઉપાસક હોય,ઉકળતા તેલમાં હાથ નાખતા હોય. છોટાઉદેપુર જિલ્લામાં કુલ ચાર તાલુકામાં ભુવાની સંખ્યા 742 જેટલી નોંધાયેલી છે.આ આંકડો ખુદ છોટાઉદેપુર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપ્યો છે.પણ આ 742 બળવા-ભુવા આરોગ્ય વિભાગને મદદરૂપ બનતા ભુવા-બળવા છે. ખાસ કરીને ટીબી નામના રોગના દર્દીઓને શોધવા માટે અને તેમને સારવાર માટે પ્રેરિત કરવા માટે બળવા-ભુવાની મદદ આરોગ્ય વિભાગ લે છે. બળવા-ભૂવા ટીબીના દર્દીઓને શોધવામાં કેવી રીતે મદદરૂપ બની શકે એ માટે વર્કશોપ પણ યોજવામાં આવે છે.જેમાં તેમને ટીબી રોગ વિશે જાણકારી આપવામાં આવે છે. ટીબીના દર્દીઓ કેવી રીતે સાજા થઈ શકે ? તેમાં તેઓ કેવી રીતે મદદરૂપ બની શકે ? એની જાણકારી આપીએ છીએ. બળવા-ભૂવાની મદદથી દવાનો કોર્સ પૂરો કરે તો એ બળવા-ભુવાને પણ 1000 રૂપિયા ઇનસેન્ટિવ આપવામાં આવે છે. -ભરતસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, છોટાઉદેપુર લોકસભામાં આપેલી માહિતી મુજબ, રાજ્યમાં દર વર્ષે સરેરાશ 1.35 લાખથી વધુ ટીબી કેસ નોંધાય છે. ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ છેલ્લાં 12 વર્ષમાં ગુજરાતમાં 625 કરોડ ખર્ચ કરાયો છતાં ટીબીના કેસ અને તેનાથી થતાં મોતમાં નહિવત ફેરફાર થયો છે. છેલ્લાં 6 વર્ષથી રાજ્યમાં દર વર્ષે સરેરાશ 6 હજાર મોત ટીબીથી નીપજ્યાં છે.