શાયર રાવલ
આ માતાએ માત્ર પોતાનું દુઃખ જોયા વગર અન્યની ખુશી માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આણંદમાં રહેતા 40 વર્ષીય હાર્દિક શેલતને 10 માર્ચે બ્રેન હેમરેજ થયું હતું. 13 માર્ચે તેમને બ્રેનડેડ જાહેર કરાયા હતા. બીજી તરફ ગર્ભવતી પત્ની નીમાબેનને લેબર પેઈન ઉપડતા તેમને પણ હોસ્પિટલમાં ખસેડવા પડ્યાં હતાં. એક તરફ જન્મ અને બીજી તરફ મૃત્યુની હકીકત વચ્ચે ઊભેલી આ 38 વર્ષીય સ્ત્રીએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. દર્દ અને વ્યથા અંતિમ બિંદુએ હતા ત્યારે નીમાબેને પતિનાં અંગો દાન કરવાની સંમતિ આપી હતી. આવા પ્રસંગો શીખવે છે કે દુઃખ અને પીડા વચ્ચે પણ માનવતાનો પ્રકાશ જીવંત રાખી શકાય.
પ્રોવિઝન સ્ટોર ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હાર્દિક શેલત મોર્નિંગ વોક કરી ઘરે પરત ફર્યા અને નાસ્તો કરી સ્નાન કરવા ગયા હતા. અડધો કલાક સુધી બાથરૂમથી બહાર ન આવતા પત્ની નીમાબેને દરવાજો ખોલ્યો તો પતિ બેભાન પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. તાત્કાલિક 108ની મદદથી હાર્દિકને હોસ્પિટલ લઈ જઈ સિટી સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ થયાનું નિદાન થયું હતું. બીજી તરફ, પત્નિ નીમાબેને 12 માર્ચે દિકરીને જન્મ આપ્યો હતો. તેમને ખબર પણ ન હતી કે, તેમના પતિની સ્થિતિ અત્યંત ગંભીર બની છે અને તેઓ બ્રેઈનડેડ થઈ ગયા છે. સુરત સ્થિત ડોનેટ લાઈફની ટીમ આણંદ આવી, હાર્દિકના માતા-પિતા અને સંબંધીઓને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમના તરફથી સંમતિ મળી ગઈ હતી. જોકે અંગદાન અંગે કાયદાકીય રીતે હાર્દિકની પત્ની નીમાબેનની સંમતી મળવી જરૂરી હતી. ખૂબ જ કઠણ હૃદયે નીમાબેને જીવનસાથીના અંગોનું દાન કરવા સંમતિ આપી. દાનમાં મળેલા અંગો પૈકી લિવર 47 વર્ષીય મહિલાને મળ્યું હતું, જ્યારે એક કિડની 31 વર્ષીય મહિલાને અને બીજી કિડની 49 વર્ષીય મહિલાને આપવામાં આવી હતી. બાજખેડાવાડ બ્રાહ્મણ સમાજના બ્રેઈનડેડ હાર્દિક શેલત ભલે પોતાની દિકરીનો ચહેરો જોઈ શક્યા ન હતા, પણ લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓના જીવનમાં ખુશીના રંગ ભરવા માટે સફળ રહ્યાં હતાં. ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમને અંગદાન માટે ખંતથી કામ કરતા જોઈ હાર્દિક શેલતની માતાએ પોતાના અંગો દાન કરવા સંમતિ પત્ર ભર્યું હતું અને આણંદ અથવા અન્ય કોઈ પણ જિલ્લામાં ઓર્ગન ડોનેશનની જાગૃતિ માટે પહોંચવા તૈયાર થયા હતા. તેમણે કહ્યું, “અંગોની રાહ જોઈ રહેલા હજારો દર્દીઓને મારા થકી જીવન મળી શકે, તેનાથી મોટું ઈશ્વરીય કાર્ય બીજું શું હોઈ શકે?” ચરોતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને ઉપપ્રમુખ મનીષભાઈ પટેલએ હાર્દિકભાઈ અને નિમાબેનની દિકરીની સંપૂર્ણ શિક્ષણની જવાબદારી લીધી છે. “દિકરી જ્યાં સુધી ભણવા ઈચ્છશે, ત્યાં સુધી તેના અભ્યાસ માટે કોઈ કસર બાકી રાખવામાં નહીં આવે,” તેમ તેમણે જાહેર કર્યું હતું.