અમદાવાદ- મુંબઈ વચ્ચે દોડનારી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે. અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. જેના કારણે જોરદાર અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક જ કોઈ કારણોસર ધરાશાયી થઈ હતી. આ સમગ્ર ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આ મામલે તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. નેશનલ હાઇ સ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓને પણ આ મામલે જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી
મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યારે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ આજે રવિવારે રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. ક્રેન પડવાનો જોરદાર અવાજ આવવાની સાથે જ આસપાસના રહીશો દોડતા થઈ ગયા હતા અને બહાર આવીને જોયું ત્યારે ક્રેન પડી હતી. બે લોકોને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની હજી માહિતી બહાર આવી નથી આ મામલે જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પણ પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે જેથી રેલવે વિભાગ સાથે આ મામલે નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા સંપર્ક કરીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.