ગીતાંજલી જેમ્સના માલિક અને 13,850 કરોડ રૂપિયાના બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સી તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમમાં રહે છે. તે “F રેસીડેન્સી કાર્ડ” પર બેલ્જિયમના એન્ટવર્પમાં રહે છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ બાદ તે 2018માં ભારતથી એન્ટિગુઆ-બાર્બુડા ભાગી ગયો હતો. ચોક્સીને ભારત લાવવા માટે અધિકારીઓએ બેલ્જિયમ સરકારને પ્રત્યાર્પણ પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાં 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. અગાઉ, ચોકસીએ પોતાનો પાસપોર્ટ સસ્પેન્ડ થવાને કારણે ભારત પાછા ન આવી શકવાનું બહાનું કાઢ્યું હતું. આરોપી બેલ્જિયમ પહેલા એન્ટિગુઆ-બાર્બુડામાં રહેતો હતો ચોકસીએ 2018 માં ભારત છોડતા પહેલા 2017માં જ એન્ટિગુઆ-બાર્બુડાનું નાગરિકતા લીધી હતી. મેહુલ ચોકસીએ વારંવાર ખરાબ તબિયતનું કારણ આપીને ભારતમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો. ક્યારેક તેમનો દેખાવ ફક્ત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ થાય છે. ભારતમાં તેમની ઘણી મિલકતો પણ જપ્ત કરવામાં આવી છે. એન્ટિગુઆથી ગાયબ થઈને ડોમિનિકા પહોંચ્યો, 51 દિવસ જેલમાં વિતાવ્યા ચોક્સી મે 2021 માં એન્ટિગુઆથી ગાયબ થઈ ગયો અને પડોશી દેશ ડોમિનિકા પહોંચ્યો. અહીં તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈની એક ટીમ તેને પ્રત્યાર્પણ કરાવવા માટે ડોમિનિકા પહોંચી હતી, પરંતુ તે પહેલાં તેને બ્રિટિશ રાણીની પ્રિવી કાઉન્સિલ તરફથી રાહત મળી ગઈ હતી. બાદમાં તેને ફરીથી એન્ટિગુઆ સોંપવામાં આવ્યો. જોકે, મેહુલ ચોક્સીને ડોમિનિકા જેલમાં 51 દિવસ વિતાવવા પડ્યા. અહીં તેમણે દલીલ કરી હતી કે તેઓ એન્ટિગુઆ જવા માંગે છે અને ત્યાં ન્યુરોલોજીસ્ટ પાસેથી સારવાર કરાવવા માંગે છે. એન્ટિગુઆ પહોંચ્યાના થોડા દિવસો પછી, ડોમિનિકા કોર્ટે ચોક્સી સામે નોંધાયેલા કેસોને પણ ફગાવી દીધા. ચોક્સીએ નકલી દસ્તાવેજો સાથે બેલ્જિયમમાં આશ્રય મેળવ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેહુલ ચોકસીએ બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેણે પોતાની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતા છુપાવી અને ખોટી માહિતી આપી જેથી તેને ભારત મોકલી શકાય નહીં. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મેહુલ ચોક્સી હવે સ્વિટ્ઝર્લૅન્ડ જવાની યોજના બનાવી રહ્યો છે. તેણે કેન્સર હોસ્પિટલમાં સારવાર કરાવવાનું બહાનું બનાવ્યું છે.