રાજકોટનાં સાંસદ અને ખેડૂત નેતાની ઓળખ ધરાવતા પુરુષોતમ રૂપાલા અગાઉ બાઈકની સવારી કરી ચર્ચામાં આવ્યા હતા ત્યારે હવે રૂપાલાએ કોટડા સાંગાણીમાં શેરડી પીલી ગોળ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય અને સાંગાણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વઘાસીયાની વાડીએ રૂપાલા શેરડી પીલીને ગોળ બનાવી રહ્યા હોવાના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયા છે. આ વીડિયો 20 દિવસ અગાઉ જ્યારે રૂપાલાએ ચંદુભાઈ વઘાસીયાની વાડીની મુલાકાત લીધી ત્યારના હોવાનું સામે આવ્યું છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન સહિતનાં નેતાઓ જોડાયા હતા. પુરુષોત્તમ રૂપાલાએ શેરડી પીલીને ગોળ બનાવવા માટે હાથ અજમાવ્યો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં કોટડા સાંગાણી પંથકનો ગોળ ખૂબ જ પ્રખ્યાત છે. તાજેતરમાં રાજકોટનાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને કોટડા સાંગાણીના ખેડૂત આગેવાન ચંદુભાઈ વઘાસીયાની વાડી ખાતે પહોંચ્યા હતા. અંદાજે 20 દિવસ પૂર્વેની તેઓની આ મુલાકાત દરમિયાન ભાજપના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ પણ તેમની સાથે હાજર હતા. આ દરમિયાન રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ શેરડી પીલીને ગોળ બનાવવા માટે હાથ અજમાવ્યો હતો. જેને લઈને તેઓ વાડીએ ગોળ બનાવતા જોવા મળ્યા હતા. તેમની આ મુલાકાતનાં વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો તેમની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે. પ્રવીણાબેન પણ શેરડી પીલી ગોળ બનાવતા નજરે પડ્યા
આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગ્રામ્ય વિસ્તારનાં ભાજપનાં આગેવાનો સાથે રાજકોટનાં સાંસદ રૂપાલા ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાની કોટડા સાંગાણી સ્થિત વાડીએ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ મશીનમાં શેરડી નાખીને પીલી હતી અને ભઠ્ઠીમાં ગોળ બનાવવાની પ્રક્રિયામાં પણ તેઓ જોડાયા હતા. આ તકે સ્થાનિક ભાજપનાં આગેવાનો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતનાં હાજર રહ્યા હતા. પ્રવીણાબેન પણ શેરડી પીલી ગોળ બનાવતા નજરે પડી રહ્યા છે.